________________
છોડીને ભાગી ન જાય. ક્યારેય શાસનની અવહેલના ન કરે. સદા સહુનું કલ્યાણ કરે.
એમણે મનોમન નિર્ધાર કર્યો કે પેલા પૂજનીય સાધુની માફક હું પણ એકસો ને આઠ શિષ્યો બનાવીશ, પરંતુ એ ગ્રંથરૂપે. મારી પાછળ જે સદા ચમક્યા કરે. મારા વિચારોને હંમેશાં મૂર્ત કર્યા કરે મારી ભાવનાઓને સમાજના ખૂણેખૂણે પહોંચાડે અને જ્યાં જાય ત્યાં સહનું કલ્યાણ કરે - આવા એ આઠ ગ્રંથશિષ્યો તૈયાર કરીશ.
જ્ઞાનની સાધના હતી, કવિની કલ્પના હતી, ચિંતકનું ચિંતન હતું અને પંડિતોએ વિદ્વત્તાનું દાન કર્યું હતું. વળી ગુરુદેવોના આશીર્વાદનું બળ પણ હતું. તો પછી હવે વાર શેની ?
એવામાં એ સાધુરાજની કલમને વહેતી મૂકનારી એક ઘટના બની. મુનિ બુદ્ધિસાગરજીના દીક્ષાજીવનનું પહેલું ચાતુર્માસ સુરતમાં કર્યું. આ સમયે એમના હાથમાં એક પુસ્તક આવ્યું. પુસ્તકનું નામ હતું ‘જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો.’ | એનો હેતુ જૈન ધર્મને ઉતારી પાડવાનો અને ખ્રિસ્તી ધર્મનો મહિમા બતાવવાનો હતો. જો એમાં કેવળ ખ્રિસ્તી ધર્મની મહત્તા બતાવી હોત તો મહારાજશ્રીને એની સામે કોઈ હરકત નહોતી. જો એમાં સર્વધર્મ સમભાવની વાત હોત તો પણ તેઓ તેનાં સારાં તત્ત્વોનો આદર કરેત. દલીલપૂર્વક કોઈ તાત્ત્વિક વિચારણા આપી હોત તો એથી પણ એમને ખૂબ આનંદ થાત. પણ આ પુસ્તક તો કોઈ જુદા જ હેતુથી લખાયું હતું. એનો ઇરાદો સ્વધર્મની પ્રતિષ્ઠા માટે અન્ય ધર્મની નિંદા કરવાનો હતો. જૈન ધર્મને હીન દર્શાવવા માટે લખનારે પોકળ દલીલો અને જુઠ્ઠા આક્ષેપો કર્યા હતાં, શરમ ઉપજે એવી ટીકાઓ પણ કરી
હતી.
વળી આ પુસ્તકના લેખક કોઈ ખ્રિસ્તી ધર્મના અનુયાયી નહી, પણ જિતમુનિ નામના ધર્મપલટો કરનાર સાધુ હતા. એમણે જયમલ પદમીંગ એવું નામ ધારણ કરીને આ પુસ્તક લખ્યું હતું.
સહુના દિલ ઘવાયાં હતાં. સમગ્ર સંઘમાં ખળભળાટ મચી ગયો હતો. બધાને કારી ઘા લાગ્યો હતો કારણ કે એણે જૈન ધર્મ પર સાવ ખોટા આક્ષેપો કર્યા હતાં. પેટ ભરીને વિષયમન કર્યું હતું. આવે સમયે કોણ જાણે કેમ, પણ કોઈની જબાન ખૂલી નહીં. અંતર સહુનું સળગે, પણ જીભ પર ઉહંકારો ય ન આવે !
સત્યના ચાહક મુનિરાજ બુદ્ધિસાગરજીથી આ બધું જોયું જતું નહીં. એમનું હૈયું કકળી ઊઠ્યું. જાહેરમાં ચર્ચા કરવા આહ્વાન આપ્યું. કહ્યું કે હું તમારા પુસ્તકના તમે કરેલા આક્ષેપો અંગે ઉત્તર આપવા માગું છું, આપ કહો તે સમયે અને સ્થળે હાજર થઈશ.
નિંદાખોરનું હૃદય બીકણ હોય છે. પોતાની બીક છુપાવવા જ બીજાની નિંદા કરતો હોય છે.
યોગનિષ્ઠ આચાર્યશ્રી જ્યાં શાંતિ, એકાંત અને સુંદર વાતાવરણ જોતા ત્યાં ધ્યાન-સમાધિ કરતા હતા. કલ્પેરીની ગુફાઓમાં અને તારંગાના શ્રી અજિતનાથ ભગવાનના તીર્થમાં પણ તેમણે ધ્યાનસમાધિ સાધી હતી. સ્વામી વિવેકાનંદનાં લખાણો
એમણે ઘોળી ઘોળીને પીધાં હતા.