________________
શુન્ય છે – જડ છે. વળી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે.
જે અનાદિ છે અર્થાત્ કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, જે અનંત છે અર્થાત્ કોઈ કાળ જેનો વિનાશ નથી, જે અચળ છે અર્થાત્ જે કદી ચૈતન્યપણાથી અન્યરૂપ-ચળાચળ-થતું નથી, જે સ્વસંવેદ્ય છે અર્થાત્ જે પોતે પોતાથી જ જણાય છે અને જે પ્રગટ છે અર્થાત છૂપું નથી – એવું જે આ ચૈતન્ય અત્યંતપણે ચકચકાટ પ્રકાશી રહ્યું છે, તે પોતે જ જીવ છે.
અમૂર્તપણે જોકે સર્વ જીવોમાં વ્યાપે છે, તો પણ તેને જીવનું લક્ષણ માનતાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે કારણ કે પાંચ અજીવ દ્રવ્યોમાંના એક પુગલ દ્રવ્ય સિવાય ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યો અમૂર્ત હોવાથી અમૂર્તપણું જીવમાં વ્યાપે છે તેમજ ચાર દ્રવ્યોમાં પણ વ્યાપે છે, એ રીતે અતિવ્યાપ્તિ દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી.
ચૈતન્ય લક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યાપ્તિ દોષથી રહિત છે અને જીવ સિવાય કોઈ દ્રવ્યમાં નહિ વ્યાપતું હોવાથી અતિવ્યાપ્તિ દોષથી રહિત છે; વળી તે પ્રગટ છે, તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યર્થાથ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે.
રાગાદિ ચિવિકારને દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે. કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્યતા કહેવાય. રાગાદિ વિકારો તો સર્વ અવસ્થાઓમાં વ્યાપ્તા નથી – મોક્ષ અવસ્થામાં તેમનો અભાવ છે. વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. માટે તેઓ ચેતન નથી, જડ છે. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું.
જીવ-અજીવનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદો પડયા પહેલાં અર્થાત્ જીવનો મોક્ષ થયા પહેલાં, ભેદજ્ઞાન ભાવતાં અમુક દશા
સમયસાર નો સાર