________________
બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી, કારણ કે વિકાર જે બંધરૂપ છે અને બંધનું કારણ છે તે તો બંધ પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી.
પર પરિણતિને છોડતું, ભેદના કથનોને તોડી પાડતું, આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. અહો! આવા જ્ઞાનમાં કર્તાકર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે? તથા પૌગલિક કર્મબંધ પણ કેમ હોઈ શકે?
શેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી (તફાવતથી) જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી “અખંડ” એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી “ભેદના કથનોને તોડી પાડતું” એમ કહ્યું છે. પરના નિમિત્તે રાગાદિ રૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે તેથી “પર પરિણતિ ને છોડતું” એમ કહ્યું છે. પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી અત્યંત પ્રચંડ” કહ્યું છે.
કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદભાવને અને પરપરિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી, તો પછી હવે બંધ શા માટે હોય? અર્થાત ન હોય.
કઈ વિધિથી આ આત્મા આશ્રવોથી નિવર્તે છે? શુદ્ધ નયથી જ્ઞાનીએ એવો નિશ્ચય કર્યો કે “હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતારહિત છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ વસ્તુ છું.” જ્યારે તે જ્ઞાની આત્મા પોતાના આવા સ્વરૂપમાં લીન થાય ત્યારે ક્રોધાદિક આશ્રવો ક્ષય પામે છે.
૧૦
સમયસાર નો સાર