________________
મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે. કેવળ ભેખમાત્રથી – વ્રતમાત્રથી મોક્ષ નથી.
પરમાર્થ રૂપ આત્માના પરિણામ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, તે જ મોક્ષમાર્ગ છે. તેમાં જ (દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ) આત્માને સ્થાપવો, તેનું જ ધ્યાન ધરવું, તેનો જ અનુભવ કરવો અને તેમાં જ વિહરવું-પ્રવર્તવું, અન્ય દ્રવ્યોમાં ન પ્રવર્તવું. અહિં પરમાર્થે એ જ ઉપદેશ છે કે નિશ્ચય મોક્ષમાર્ગનું સેવન કરવું. કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું.
નિશ્ચય મોક્ષમાર્ગનું સેવન કરનાર પુરૂષ થોડા કાળમાં સમયસારને અવશ્ય પામે છે અર્થાત્ પરમાત્માના રૂપને પામે છે.
અનાદિ કાળથી પરદ્રવ્યના સંયોગથી થયેલા વ્યવહારમાં જે જે પુરૂષો મૂઢ છે, અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે, “આ બાહ્ય મહાવ્રતાદિ રૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે.” પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે, એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. એવા પુરૂષો મુનીઓ સત્યાર્થ, પરમાત્મ રૂપ, શુદ્ધજ્ઞાન મય સમયસારને દેખતા નથી.
જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ સમયસારને જાણતા નથી. કારણ કે દ્રવ્યલિંગ અન્ય દ્રવ્યથી થાય છે, આ જ્ઞાન જ એક આત્મદ્રવ્યથી થાય છે.
જેઓ ફોતરામાં મુગ્ધ થઈ રહ્યા છે, ફોતરાને જ કુટયા કરે છે, તેમણે તેંડુલને જાણ્યા નથી. જેઓ શરીરાદિની ક્રિયામાં મમત્વ કરે છે, તેમણે શુદ્ધાત્મ અનુભવન રૂપ પરમાર્થને જાયો નથી.
વ્યવહાર નય મુનિલિંગ અને શ્રાવકલિંગને મોક્ષમાર્ગ કહે છે. નિશ્ચયનય કોઈ પણ લિંગને મોક્ષમાર્ગમાં ગણતો નથી.
વ્યવહારનો વિષય ભેદરૂ૫ અશુદ્ધ દ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી. નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે પરમાર્થ છે. પૂર્ણ જ્ઞાન સ્વરૂપ આત્માનો અનુભવ કરવો. આ ઉપરાંત બીજું કાંઈ સારભૂત નથી.
સમયસાર નો સાર