________________ આનંદમય, વિજ્ઞાનઘન, શુદ્ધ પરમાત્મા સમયસારને પ્રત્યક્ષ કરતું આ એક અદ્વિતીય, અક્ષય જગત-ચક્ષ-સમય પ્રાભૃતપૂર્ણતાને પામે છે. જે આત્મા આ સમય-પ્રાભૂતને ભણીને, અર્થ અને તત્ત્વથી જાણીને, તેના અર્થમાં સ્થિત થશે, તે ઉત્તમ સૌખ્યસ્વરૂપ થશે. આ શાસ્ત્રનું નામ સમયપ્રાભૃત છે. સમય એટલે પદાર્થ. અથવા સમય એટલે આત્મા. તેને કહેનારું આ શાસ્ત્ર છે. વળી આત્મા સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. આવા વિશ્વપ્રકાશક આત્માને પ્રત્યક્ષ કરતું હોવાથી આ સમયપ્રાભૃત શબ્દબ્રહ્મ સમાન છે; કારણ કે સમસ્ત પદાર્થોનું કહેનાર હોવાથી તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે. દ્વાદશાંગ શાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને સમયપ્રાભૃત શાસ્ત્રને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે. આ શબ્દબ્રહ્મ-સમયપ્રાભૃત શાસ્ત્ર - પરબ્રહ્મને (અર્થાત્ શુદ્ધ પરમાત્માને) સાક્ષાત દેખાડે છે. જે આ શાસ્ત્રને ભણીને તેના યર્થાથ અર્થમાં ઠરશે, તે પરબ્રહ્મને પામશે અને જેને “પરમાનંદ' કહેવામાં આવે છે એવા ઉત્તમ, સ્વાત્મિક, સ્વાધીન, બાધારહિત, અવિનાશી, સુખને પામશે. માટે હે ભવ્ય જીવો! તમે પોતાના કલ્યાણને અર્થે આનો અભ્યાસ કરો, આનું શ્રવણ કરો. નિરંતર આનું જ સ્મરણ અને ધ્યાન રાખો કે જેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આવો શ્રી ગુરૂઓનો ઉપદેશ છે. - આ રીતે આત્માનું તત્વ જ્ઞાનમાત્ર નક્કી થયું. તે જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે. અર્થાત્ અનેક શેયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જો કે ખંડ ખંડ દેખાય છે તો પણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી. અખંડ હોવાથી એકરૂપ છે, અચળ છે, સ્વસંવેદ્ય છે અને અબાધિત છે. - આમ શ્રી સમયસારની - શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર પરમાગમની - શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્ય દેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સર્વ વિશુદ્ધ જ્ઞાનનો પ્રરૂપક અંક સમાપ્ત થયો. (સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકાર સમાપ્ત) સમયસાર નો સાર 69