________________
નારીઓ જેમ યુવાનની સમીપે, નદીઓ જેમ સમુદ્રની પાસે, વિદ્યા જેમ વિનીતની પાસે, કિરણો જેમ સૂર્યની સમીપે, વેલડીઓ જેમ વૃક્ષની પાસે અને નક્ષત્રો જેમ ચન્દ્રની પાસે આવે છે તેમ બધી ઉત્તમ લબ્ધિઓ તપસ્વીની સમીપે આવે છે. ।।૨૫।।
જેમ ક્ષારથી વસ્ત્ર, પાણીથી શરીર, સરાણથી શસ્ત્ર, અગ્નિથી સોનુ, સાવરણીથી ભૂમિ, અને અંજનથી આંખ નિર્મળ થાય છે તેમ તીવ્ર તપથી આત્મા નિર્મળ થાય છે. ।।૨૬।।
જેના વિના ઘણા ધનનું દાન આપવા છતાં પણ તે ધનનો વ્યય દુસ્સહ થાય છે. કામરહિત નિર્મળ શીલ પાળવા છતાં પણ (માત્ર) ભોગનો ક્ષય જ થાય છે. અને આકરા તપના સમૂહને તપવા છતાં પણ (કેવળ) દુર્બળતાનો જ લાભ થાય છે એવા શુભભાવમાં આ ત્રણેના ફળને ઈચ્છનારા ભવ્યાત્માઓએ લીન થવા યોગ્ય છે. ।।૨૭।।