________________
હે મિત્ર ! જો તું નરક સાથે સંયોગ કરવાને, કલ્યાણ સાથે કલહ કરવાને, સજ્જનોના સંબંધ સાથે વૈર કરવાને, ભયના સમૂહો સાથે પ્રેમ કરવાને, પાપી સાથે પરિચય કરવાને, આપત્તિ પમાડનાર સાથે પ્રીતિ કરવાને, વિનય સાથે ઉદ્વેગ કરવાને અને ન્યાય સાથે વિરહ કરવાને ઈચ્છતો હોય તો પ્રાણી સમૂહને ભયભીત કરનારા શિકારને તું ગર્વ સાથે કર. ।।૧૧૨।।
જે શિકારરૂપી (કુ)મહોત્સવમાં (વિવાહમાં) જંગલી પ્રાણીઓના આક્રંદરૂપી મંગલ ગીતો હોય છે, લોહી અને માંસના લાલરંગથી રંગાયેલા હાથવાળા ક્રૂર કુતરાઓના સમૂહો સોબતીઓ (જાનૈયાઓ) હોય છે. અને પ્રાણીઓનું માંસ એ રસોઈ હોય છે. તથા જ્યાં શિકારીઓ વડે નરકરૂપી સ્ત્રીને આલિંગન કરાય છે (વરાય છે) ત્યાં કયો બુદ્ધિશાળી માણસ જાય? ।।૧૧૩।।
જે નિરપરાધી પશુઓ ઝરણાનું પાણી પીવે છે અને ઝાડીમાં સુવે છે, વળી જેઓ ઘાસ ખાય છે અને જંગલમાં રાત-દિવસ ફરે છે તથા સ્વેચ્છાએ વિહરવું એ જ જેમનું શ્રેષ્ઠ સુખ છે એવા તે પશુઓને શિકારમાં હણીને કયો માણસ નરકનો અતિથિ ન થાય? ।।૧૧૪।।