________________
કીર્તિ પ્રત્યે કાળા કુચડા સમાન, વિશ્વાસરૂપી ભૂમિતલને ખોદવા માટે હળની અણી સમાન, વિવિધ અનર્થની પીડારૂપ વનને વિકસિત કરવા માટે મેઘ સમાન, લોકાપવાદના ક્રીડાંગણ સમાન, પ્રેમરૂપી ગાઢા વાદળાઓના સમૂહને વિખેરવા માટે પવન સમાન તથા આદરરૂપી ઘાસના અંકુરાને ઉખેડવા માટે ભુંડ સમાન અસત્ય ભાષાને કોળસા જેવા કાળા આશયમાંથી જન્મેલી મતિવાળો માણસ બોલે છે. ।।૧૩૬।।
જેમ હાથીના મસ્તકે સિંદુર, ઘરમાં દીવો, શરીરમાં પ્રાણ, સ્ત્રીમાં તારુણ્ય, આકાશમાં સૂર્ય, રાત્રીમાં ચન્દ્ર, દેવાલયમાં પ્રતિમા, અને કપાળે તિલક ભૂષણરૂપ થાય છે તેમ મનુષ્યોના મુખમાં કીર્તિના ક્રીડાગૃહ સમાન સત્ય વચન ભૂષણરૂપ થાય છે. ।।૧૩૭।।
મોટુ દાન આપવાથી ધનની હાની થાય છે. શીલપાળવાથી ભોગનો વિયોગ થાય છે. તપ કરવાથી કાયાની દુર્બળતા થાય છે પરંતુ નિષ્પાપવચન બોલવાથી કાંઈ જ નુકસાન થતું નથી. ।।૧૩૮।।