________________
જેમ ગ્રહશ્રેણિમાં સૂર્ય, હાથીના સમૂહમાં ઐરાવત હાથી, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, સર્પોની શ્રેણિમાં શેષનાગ, પર્વતોમાં મેરુપર્વત તથા ઘોડાના સમૂહમાં ઉચ્ચશ્રવા (ઈન્દ્રનો ઘોડો) શોભે છે તેમ ગુણોમાં શ્રેષ્ઠ અને કીર્તિના સ્થાનક સરખો દીપતો વિવેકનો લાભ શોભે છે. ૧૬૯
જેનાથી યાચક લોકરૂપી ચક્રવાક માટે સૂર્ય સમાન અર્થનો સમર્થ લાભ થાય છે વળી જેનાથી ઈન્દ્રિય અને ચિત્તવૃત્તિરૂપી નદીના ઉત્કર્ષ માટે વર્ષાના આગમન સમાન કામનો લાભ થાય છે તથા જેનાથી સ્વર્ગ અને મોક્ષના મૂળ સમાન ધર્મ વસ્તુતઃ પ્રગટ થાય છે એવું વિવેકરૂપી નૂતન ચિંતામણીરત્ન મહાપુરુષોને આનંદ આપનારું બનો. ૧૭૦
તીર્થકરોની ભક્તિ, સાધુઓને નમન, જૈનાગમોનું શ્રવણ, વૈરીઓનો ત્યાગ, સદાચારમાં કુશળલોકોનો પરિચય, બીજાના ગુણની પ્રશંસા, ક્રોધાદિ આંતર શત્રુઓનો પરિહાર, પાપોની વિરતિ તથા પોતાની પત્નીમાં સંતોષ ધર્મી માણસોની આવી પ્રવૃત્તિ હોય છે. I૧૭૧.