________________
૨૦૦
ધર્મિલકુમાર રાસ
થઈને કંઈક આપશે. ।।૧૩।। પલ્લીમાં લઈ જઈને ચોરોએ, પલ્લીના સ્વામી કાલદંડને ભેટ ધરી. તેણીનું રૂપ જોઈને આશ્ચર્ય પામ્યો. પોતાની પટ્ટરાણી કરવા માટે તેને સારાં વસ્ત્રો સજાવી શણગારી અને પોતાની પટ્ટરાણી બનાવી. તેના રૂપમાં આસક્ત કાલદંડ બીજી સ્ત્રીઓ સામે જોતો નથી. અને જતો પણ નથી. તેથી બીજી સ્ત્રીઓ ઘણો ક્લેશ પામી. વિચારવા લાગી કે આ આવેલી નવીનું કંઈક છિદ્ર મળી જાય તો આપણું કામ થાય. અર્થાત્ આપણા સ્વામીનો સ્નેહ આપણે પ્રાપ્ત કરી શકીએ. ॥૧૪॥
વસુદત્તા પણ કાલદંડમાં ઘણી આસક્ત થઈ. કરે પણ શું ? જાય પણ ક્યાં ? આમ સુખભર રહેતાં વરસ વીતી ગયું. વસુદત્તાએ એક પુત્રને જન્મ આપ્યો. વસુદત્તા રૂપાળી ખૂબ જ હતી. પુત્ર પણ તેના જેવો જ રૂપ લઈને અવતર્યો. જાણે બીજો વસુદત્તાનો અવતાર. બીજી રાણીઓએ પોતાના સ્વામીને કહ્યું કે, સ્વામી ! પુત્ર લગભગ પિતા સમાન અને પુત્રી માતા સરખી હોય છે. (કાલદંડ પલ્લીપતિ તદન કાળો હતો.) વસુદત્તાનો પુત્ર તો તેની મા સરખો જ છે. આ પુત્ર તમારો નથી. તમે તેના રૂપમાં મોહીત થયા છો, તેથી અમે આપને શું કહીએ ? પણ તમે પુત્રના રૂપને જુઓ, એટલે ખબર પડે ! એ તો છાની છાની અન્ય પુરુષને ભોગવનારી છે. તમારો પુત્ર હોય તો કંઈક તો તમારા જેવો હોય ને ? પુત્ર પિતા સરખો હોય. હે સ્વામી ! હવે તમારા વ્હાલીના દીકરાની ધૂપપૂજા કરો. ।।૧૫।। હળાહળ ઝેર કાનમાં નાંખ્યું ને પલ્લીપતિ રાજા કાલદંડ વસુદત્તા ઉપર ક્રોધિત થયો. આગળ પાછળ ન વિચારતો તલવાર મ્યાનમાંથી ખેંચીને પુત્રને જોવા વસુદત્તા પાસે પહોંચી ગયો. પુત્રને જોઈને સરખામણી ક૨વા લાગ્યો. તલવારમાં પોતાનું મુખ શ્યામ દેખાય છે તો આ બાળનું મુખ ઉજ્જવલ ચંદ્રમા જેવું દેખાયું. તેનું અસહ્ય તેજ જોઈ તે રાજા સહન કરી શકતો નથી. વળી હાથ-હોઠ-આંખ થકી પોતાની સાથે સરખાવે છે. પોતાનાથી જુદા લાગ્યા. પગ પણ જોવા લાગ્યો. બધાં અંગો આ બાળરાજાના ઊગતા સૂર્ય સરખા કુમકુમવર્ણના ઝગારા મારતા ઝગી રહ્યાં હતાં. હવે પોતાનું શરીર જોયું તો રાહુનો અવતાર શ્યામ વર્ણ. બિલાડા જેવી આંખો, લાંબા હોઠ, નમી ગયેલી નાસિકા, પોતાનાં કુરૂપ અંગો જોતાં દુષ્ટ પલ્લીપતિને બીજી રાણીઓની વાત સાચી લાગી. અને તે ક્રોધથી વધારે ધમધમી ઊઠ્યો. તરત જ તલવારના એક પ્રહારે રૂપવાન પુત્રને હણી નાંખ્યો. ।।૧૬।।
પ્રાણપ્યારી વસુદત્તા હવે વેરી દેખાઈ. તેણીનું માથું મુંડાવી નાંખ્યું. નેતરની સોંટી લઈને ઘણી મારી. ઘણા પ્રહારો કરીને અધમૂઈ કરી નાંખી. કર્મરાજાના કેવા ખેલ છે ? પછી પોતાના સુભટને બોલાવીને સોંપી. ને આજ્ઞા કરી કે આપણી હદની બહાર (પલ્લીથી દૂર) વૃક્ષની શાખાએ લટકાવીને બાંધી ઘો. જ્યાં હજારો લોકો આવતાં જતાં તેને સૌ જુએ. રાજાના આદેશ પ્રમાણે સુભટો વસુદત્તાને લઈ ગયા. પલ્લીથી દૂર વૃક્ષની ડાળીએ લટકાવીને બાંધી. જ્યાં બાજુમાં કંટક બોરડીનું વૃક્ષ હતું. તેના કાંટાઓ સખત ભોંકાઈ રહ્યા છે. મહાપીડાને કરતા હતા. સુભટો બાંધીને ચાલ્યા ગયા. લટકાયેલી વસુદત્તા વિચારે છે કે અહો, પાપનો કેવો ભયંકર ઉદય ? ક્યાં હતી ? ને ક્યાં આવી ? કેવી મારી દશા ? ।।૧૭।। માર્ગમાં પતિ-પુત્રનું મરણ, વળી નદી પાર કરતાં પુત્રનો વિયોગ, નદીમાં તણાવું, અશરણ - અનાથ એવી હું ભૂખ તરસથી રીબાતી, નદીમાં ડૂબી જવું. ચોરના હાથમાં બાર મહિના શાંતિ મળી. તો વળી નવી પીડાઓ ઊભી. પુત્રને મારી નાંખવો. મને મારવી. ગાઢ બંધનમાં વૃક્ષ ઉપર લટકાવવું. અહીં હવે કોનું શરણ ? અનેક પ્રકારે ખેદ વારતી (કરતી) લટકી રહી છે. કેટલોક વખત પસાર થયો. ત્યાં વળી ભાગ્યના ઉદય થકી સાર્થના વિશાળ કાફલાએ નજીકમાં જ પડાવ નાંખ્યો.