________________
આખા સંસારમાં અશરણતા અને અનંત અનાથતા છવાઈ રહી છે. તેનો ત્યાગ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને ઉત્કૃષ્ટ શીલ સેવવાથી જ થાય છે. એ જ મુક્તિના કારણરૂપ છે.
પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદેવ અનાથ છે. અનાથતા ટાળવા ત્રણ તત્ત્વના આશ્રયે જવું એ જ શ્રેયનું કારણ છે.
અનાથી મુનિએ સહન કર્યા તુલ્ય અથવા એથી અતિ વિશેષ અસહ્ય દુઃખ અનંત આત્માઓ સામાન્યપણે ભોગવતા દેખાય છે, તેના સંબંધી હે ભવ્ય જીવો ! તમે કિંચિત્ વિચાર કરો. સંસારમાં છવાયેલ અનંત અશરણતાનો ત્યાગ કરી સત્ય અને શરણરૂપ એવા ઉત્તમ તત્ત્વજ્ઞાન અને ઉત્કૃષ્ટ શીલને સેવવાનો પુરુષાર્થ કરો, કે જે મુક્તિના કારણરૂપ રહેલા છે. જેમ સંસારમાં રહેલા અનાથી મુનિ અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા પ્રયત્ન કરવો એ જ શ્રેય છે, કલ્યાણ છે. કારણ કે....
જે આત્માઓ સંસારના માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિને પામે, તેમજ સદૈવ અનાથ જ રહે. માટે
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સહાશે.
ત્રણ પ્રકારના ગુરુ - ૧. કાષ્ઠ સ્વરૂપ પોતે તરે અને બીજાને તારી શકે તે સર્વોત્તમ છે. ૨. કાગળ સ્વરૂપ: પોતે તરી શકે નહિ પણ કંઈક પુણ્ય ઉપાર્જન કરી શકે. ૩. પત્થર સ્વરૂપ પોતે બૂડી જાય અને બીજાને પણ બુડાડે.
પ્રથમ પ્રકારના ગુરુ ઉત્તમ છે, બીજા બે પ્રકારના ગુરુ કર્યાવરણની વૃદ્ધિ કરાવનાર છે.