________________
સાતસો મહાનીતિ
લાભ થાય છે. (૧) નિરપરાધી જીવોની રક્ષા થાય. (૨) કીચડ આદિમાં પગ ખરડાય નહીં અને (૩) કાંટો, વીંછી વગેરેના દુઃખથી પણ બચાય. માટે ઉતાવળો ચાલું નહીં.
૯૩. જોસભેર ચાલું નહીં. જોસભેર ચાલવાથી કોઈ બાળક કે ડોશીમા વગેરે અથડાય તો ગબડી પડે કે મરી પણ જાય. જ્યાં અત્યંત વેગથી ચાલતો હોય ત્યાં બીજાને હરકત થાય તે પણ જાએ નહીં. કોઈ કામાતુર કે ક્રોઘી કે કોઈ એકાદ દુર્ગુણને વશ હોય તે તેની ધૂનમાં ચાલે છે. તેમાં પોતા વડે બીજાને શું થાય છે તેનું તેને ભાન રહેતું નથી.
બાદશાહનું દ્રષ્ટાંત – પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપતા કે—એક બાદશાહ પાથરણું પાથરીને જંગલમાં નમાઝ ભણવા બેઠો. તે વખતે કોઈ બાઈ પોતાના જાર પુરુષને મળવા વેગભેર ત્યાંથી ગઈ. બાદશાહને તેની ઠોકર વાગી; પણ નમાઝ ભણતા હતા એટલે કાંઈ બોલ્યા નહીં. પણ મનમાં થયું કે એ પાછી આવે ત્યારે એને શિક્ષા કરીશ. બાઈને તો ઠોકરનું ભાન નહોતું. પણ પાછી આવી ત્યારે બાદશાહે તેને ઠપકો આપ્યો. તેના ઉત્તરમાં તે બાઈ બોલી કે તમને ઠોકર વાગી તેની મને કાંઈ ખબર નથી; પણ તમને ખબર પડી એટલી તમારા નમાઝમાં ખામી. બાદશાહ સમજી ગયો કે એ બાઈને સંસાર ઉપર મોહ છે તેટલો મને જો ભગવાન પ્રત્યે મોહ હોત તો મને પણ ખબર પડત નહીં કે કોણ આવ્યું ને કોણ ગયું?
પ.પૂ.પ્રભુશ્રીજીનું દ્રષ્ટાંત – એવો પ્રેમ પ્રભુશ્રીજીને કૃપાળુદેવ પ્રત્યે હતો. પ્રભુશ્રીજી નડિયાદ હતા ત્યારે ખબર પડી કે કૃપાળુદેવ અમુક ટ્રેનમાં જવાના છે એટલે તેઓ સ્ટેશન પર ગયા. ગાડી ઊપડી તો પણ દર્શનના લોભથી ડબાની સાથેને સાથે દોડવા લાગ્યા, થોરીઆની વાડ આવી તો પણ ખબર ન પડી અને તે વાડમાં તેઓ પડી ગયા. ૯૪. મરોડથી ચાલું નહીં.
લોકોનું ચિત્ત આકર્ષાય તેમ વિલાસપૂર્વક ચાલું નહીં. એ અસભ્ય ચાલ છે. જેમ ટોપી વાંકી મૂકે તેમ આ વાંકી ચાલ છે. આ બધા મોહના ચાળા છે. બઘી ક્રિયાઓમાં અંતરંગ જે ભાવ હોય તે બહાર આવે છે. બોલવામાં, ચાલવામાં, પહેરવા વગેરેમાં અંતરંગમાં જેવા ભાવ હોય તેવી ચેષ્ટાઓ જણાય છે. પ્રભુશ્રીજી અક્ષર ઉપરથી તેના ભાવ ઓળખી લેતાં. અંગ્રેજીમાં લખેલો કાગળ હોય તો પણ કહેતા “લાવ જોઈએ, મારે એના પર્યાય જોવા છે.” ૯૫. ઉશૃંખલ વસ્ત્ર પહેરું નહીં.
ઉચ્છંખલ એટલે ઉદ્ધત, નિરંકુશ. જે પોતાની મર્યાદા તજીને વર્તે તેને ઉશ્રુંખલ કહેવાય. જેમકે કોઈ ગરીબ હોય પણ પૈસાદાર જેવો પોષાક પહેરીને ફરે તે તેને છાજતો નથી. હલકી જાતના લોકો પૈસા હાથમાં આવે તો મોટી કોરવાળું-હીરકોરી થેપાડું પહેરે કે લોકોને દેખાય તેમ કપડા ઉપર ઘરેણાં પહેરે. તેનું અંતરમાં અભિમાન હોય. એક હજામે આંગળીમાં વીંટી પહેરી. તે બઘાને દેખાડવા આંગળીથી બતાવે કે અહીં બેસો, અહીં બેસો. પણ દેખાવ માટે એવું કશું કરવા યોગ્ય નથી.
સામાન્ય સભ્યતાથી વિશેષ પડતું જે જે કરે તે બધું હાસ્યને પાત્ર થાય છે. સારું દેખાડવા જાય તેના બદલે ઊલટું ખરાબ દેખાય. એટલી વિવેકબુદ્ધિ પણ એનામાં નથી; કારણ તુચ્છ વસ્તુ ઉપર મોહ
૫૨