________________
સાતસો મહાનીતિ
“સમાધિસોપાન'માંથી :- “દાન, સન્માન, કુશળતા પૂછવી, રોગી, દુઃખીની સેવા કરવી તે પણ વિનયવાળાથી જ બને છે. દુઃખી માણસ કે પશુને વિશ્વાસ, આશરો આપવો. દુઃખથી પીડાયેલો પોતાનાં દુઃખ કહેવા આવ્યો હોય તેનું દુઃખ સાંભળવું. પોતાની શક્તિ પ્રમાણે ઉપકાર કરવો. કંઈ ન બને તો ઘીરજ, સંતોષ આદિનો ઉપદેશ દેવો. એ વ્યવહારવિનય છે. તે પરમાર્થવિનયનું કારણ છે, યશ ઉપજાવે છે, ઘર્મની પ્રભાવના કરે છે.” (પૃ.૧૭૨)
‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી :- દીનની દયા ખાવાથી બનેલ શેઠ
એક ગરીબ બાળકનું દ્રષ્ટાંત - કોઈએક વ્યવહારી પોતાની વખારે આવીને બેઠો હતો. તેના ગુમાસ્તાઓ પણ બઘા બેઠા હતા. તેવામાં એક કુમાર (બાળકો માગવા આવ્યો. શેઠને તેની વાત સાંભળતા દયા આવી. છોકરાએ કહ્યું કે- મારા માતાપિતા મારી નાની વયમાં દેવલોકે ગયા, મારી પાસે જે કાંઈ ઘન હતું તે પણ બધું મેં ખોઈ નાખ્યું છે, આજીવિકાનું કાંઈ પણ સાઘન મારી પાસે રહ્યું નથી; તેથી હું ઘરે ઘરે ફરું છું. માટે જો આપને દયા આવે તો મને આધાર આપો? શેઠે પોતાને ત્યાં રાખ્યો અને ભોજન વસ્ત્ર પણ આપ્યાં. અનુક્રમે તે છોકરો યૌવાનાવસ્થા પામ્યો એટલે શેઠે તેને પરણાવ્યો; પછી જાદું ઘર પણ માંડી આપ્યું. તે બહુ બુદ્ધિશાળી હોવાથી શેઠનો તમામ વ્યાપાર તેણે હાથમાં લીધો. શેઠને તેની ઉપર પૂર્ણ વિશ્વાસ હતો તેથી ગુમાસ્તાપણું દૂર કરી ચોથો ભાગ કરી આપ્યો. પછી શેઠની આજ્ઞાથી તે પરદેશ વ્યાપાર કરવા ગયો અને ઘણી લક્ષ્મી મેળવી આવ્યો. ત્યાં રહ્યો જે કમાતો તે બધું શેઠને મોકલતો હતો, અને આવ્યા પછી જે રળ્યો હતો તે બધું શેઠની પાસે રજુ કર્યું. પછી શેઠની રજા લઈને તેણે એકલો વ્યાપાર કરવા માંડ્યો, તેમાં પણ તે સારું કમાયો. એટલે શેઠનું તમામ દ્રવ્ય ચુકવી દઈને બીજે નગરે જઈ તે વ્યાપાર કરવા લાગ્યો. (પૃ.૧૬૩) ૪૩૪. દુખીની હાંસી કરું નહીં.
શારીરિક, માનસિક કે નિર્ધનતાને લીધે કોઈ દુઃખી હોય તેની હાંસી કરું નહીં. પણ તેને સ્વશક્તિ અનુસાર મદદ કરીને શાંતિ ઊપજે તેમ કરું. દુ:ખીની હાંસી કરવાથી પરભવમાં પોતાને પણ આવા દુઃખના દિવસો દેખવાનો અવસર આવે છે. માટે કદી પણ દુઃખી મનુષ્યોની હાંસી કરી તેને સતાવું નહીં. પણ તેને પાપનાં ફળ દુઃખ આવે છે એ સમજાવી ઘર્મના માર્ગે વાળવા પ્રયત્ન કરું.
‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી – કર્મના યોગે શેઠની થયેલી દુર્દશા
દરિદ્ર બનેલ શેઠનું દ્રષ્ટાંત – વાક્ય ૪૩૩માં જે શેઠની વાત કરી તે શેઠની જ્યારે તમામ લક્ષ્મી નાશ પામી ત્યારે તેણે વિચાર કર્યો કે, “હવે ઘેર બેસી રહેવું ઠીક નથી, હવે તો પરદેશમાં જ જઉં કે જેથી કાંઈક પ્રાપ્તિ થાય.” આ પ્રમાણે વિચારીને શેઠ ઘરેથી નીકળ્યા, પણ પાસે બિલકુલ દ્રવ્ય નથી, તેથી માર્ગમાં બહુ દુઃખ પામવા લાગ્યા. અન્ન પણ દુઃખે મળવા લાગ્યું. એ પ્રમાણે ફરતાં ફરતાં તેનો પેલો વાણોતર જે બાળકપણાથી તેમની પાસે આવેલો હતો તે જ્યાં વેપાર કરે છે તે નગરે શેઠ પહોંચ્યા. બજારમાં ફરતાં તે નોકરે શેઠને દૂરથી દીઠા એટલે તે દુકાન ઉપરથી ઊતરી શેઠ પાસે આવીને પગે લાગ્યો અને શેઠની આવી દુઃખી સ્થિતિ જોઈને તેને બહુ લાગી આવવાથી તે શેઠને ગળે વળગીને બહુ રોયો; પછી દુકાન પર લઈ જઈ શેઠને યોગ્ય આસને બેસાડી પોતે સામો બેઠો અને પૂછ્યું કે – “હે સ્વામી! આપની સ્થિતિ આવી કેમ થઈ? આપના ઘરમાં સુવર્ણ, રત્ન, મણિ, મોતી, વસ્ત્રો આભૂષણો વગેરે
૩૩૧