________________
સાતસો મહાનીતિ
૪૩૬. આળસને ઉત્તેજન આપું નહીં.
આળસુ માણસ ઊભો હોય તો બેસી જાય અને બેઠો હોય તો સૂઈ જાય. જેવી આદત પાડીએ તેવી પડે છે. આજે દિવસે એક કલાક સૂતો હોઉં તો બીજે દિવસે બે કલાક કરું નહીં. એમ કોઈ રીતે પણ આળસને ઉત્તેજન આપું નહીં. પણ પુરુષાર્થને પ્રઘાન કરી આળસને ઘટાડું.
આઠ દૃષ્ટિની સજઝાયના અર્થ માંથી - આળસને ઉત્તેજન આપવાથી મરણ પામ્યા
ગુરુ શિષ્યનું દ્રષ્ટાંત – “કોઈ અન્યદર્શની ગુરુ-શિષ્ય બહુ આળસુ હતા. તેઓ નગરની બહાર એક મઢીમાં પડી રહેતા. ગામમાં એકાદ ઘેર ફરીને ભિક્ષા લાવે ને થોડું ઘણું જે મળે તેથી ઉદર પૂરણા કરે. પાસે ઓઢવા પાથરવાનું તો હોય જ ક્યાંથી? એવામાં પોષ માસના દિવસ આવ્યા ને ઠાર પડવા લાગ્યો. એક દિવસ ટાઢ બહુ પડી, તેથી તે ગુરુ શિષ્ય થરથર કંપતા ભિક્ષા જડી ન જડી એવે હાલ તુરત ગામમાંથી આવીને મઢીની અંદર પણ આળસને લીધે ગયા નહીં, એમ જ જીર્ણ વસ્ત્ર મુખ ઢાંકી બહાર આવી સૂઈ ગયા. પાછલી રાત્રે જાગ્યા ત્યારે નેત્ર ઉઘાડવા જેટલો પણ ઉદ્યમ કર્યા વિના ઢાંકેલ મુખે જ ગુરુએ પૂછ્યું કે હે શિષ્ય! ટાઢ ઘણી લાગે છે, માટે હું ઝૂંપડીમાં છું કે બહાર છું? ત્યારે શિષ્ય જે ગુરુથી પણ વઘારે અજ્ઞાની અને આળસુ હતો તે પણ બંઘ નેત્રે ઢાંકેલે મુખે જ બોલ્યો કે આપણે ઝુપડીમાં છીએ. તેવામાં ટાઢથી બચવા કોઈ કૂતરો ગુરુ પાસે આવી સૂતો હતો તેનું પૂછડું ગુરુના હાથમાં આવવાથી તે બોલ્યા કે હે શિષ્ય, મને પૂછવું છે કે શું? ત્યારે શિષ્ય બોલ્યો કે એ તો તમારી કાછડીનો છેડો છે માટે હવે બોલ્યા વિના છાનામાના પડી રહો. એમ અજ્ઞાન ને આળસમાં ત્યાં જ સૂઈ રહેલા એ ગુરુ શિષ્ય પ્રાતઃકાળે હિમ પડવાથી ઠરીને મરણ પામ્યા.” - (પૃ.૩૨)
“મોક્ષમાળા વિવેચન'માંથી - “(૧) આળસ - આત્મામાં સ્થિર રહેવારૂપ ઉત્તમ લક્ષ છે, તેમાં ન રહેવા દે, વિધ્ધ કરે એવું આળસ છે. આળસુ હોય તે ઊભો હોય તો બેસી જાય અને બેઠો હોય તો સૂઈ જાય. આળસુ માણસ સામાન્ય કામ પણ ન કરી શકે, નવરો બેસી રહે કે સૂઈ રહે; તો પરમાર્થનું કામ તો ક્યાંથી કરી શકે?
(૨) અનિયમિત ઊંઘ – એ આળસ થવાનું કારણ છે. આળસુ માણસ ગમે ત્યારે ઊંધે. રાત્રે નિયમિત બરાબર ઊંઘ ન આવે તો સુસ્તી રહ્યા કરે. એ સુસ્તી એ જ આળસ છે કે જેથી કામ કરવાનો ઉમંગ ન થાય, ઉદ્યમ ન થાય. કપાળુદેવે પુષ્પમાળામાં ૬ કલાકની ઊંઘ કહી છે.' (પૃ.૨૧૭) પૂ. શ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી ૧૯ કીમાંથી :- આળસ
“રામ નામ કો આળસુ, ભોજનકું હોંશિયાર; તુલસી ઐસે મનુષ્યકો, વાર વાર ધિક્કાર. રાત ગમાયી સોય કર, દિવસ ગમાયા ખાય; હીરાજન્મ અમોલ થા, કોડી બદલે જાય. કબીર યહ મન લાલચી, સમજે નહિ ગમાર; ભજન કરન કો આળસુ, ખાને કો હુશિયાર. ૩ મુક્ત મનુષ્ય તન પાય કે, જો ન ભજત રઘુનાથ; સો પીછે પસ્તાયેગો, બહોત ઘસેગો હાથ.” ૪ (પૃ.૩૨)
૩૩૩