Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 570
________________ સાતસો મહાનીતિ પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં. ૧૯ ખ'માંથી :- “ધર્મ અર્થ કામ એ ત્રિવર્ગ છે. તેમાં જેથી અભ્યદય એટલે સારી ગતિ અને મોક્ષ (અપવર્ગ) એ બેની સિદ્ધિ થાય તેને ઘર્મ કહીએ. જેથી (સાંસારિક) સર્વ પ્રયોજનની સિદ્ધિ થાય તેને અર્થ કહીએ અને પોતાની કલ્પનાએ માની લીધેલા રસ સહિત (આસક્તિપૂર્વક) સર્વ ઇન્દ્રિયોની પ્રીતિ જેથી થાય તેને કામ કહીએ. ઘર્મ અને અર્થની હાનિ કરીને કેવળ કામને વિષે તન્મય થયેલો વનના હાથીની પેઠે દુઃખી થાય છે. વળી ઘર્મ તજીને ઉપાર્જન કરેલું ઘન બીજા લોક ભોગવે છે અને પોતે તો કેવળ પાપનું પાત્ર થાય છે. જેમ હાથીને મારનાર સિંહ બધું માંસ ભોગવી શકતો નથી, પણ પાપી બને છે. વળી બીજને ખાઈ જનાર કણબીની પેઠે મનુષ્યજન્મરૂપ બીજ પાપ કરવામાં ગુમાવી દે તે દુઃખી થાય છે. (મનુષ્યભવરૂપ બીજને ઘર્મરૂપ ખેતી કરવામાં વાવે તો તે સ્વર્ગ અને મોક્ષના ફળ મેળવી શકે છે.) જે પુરુષ પરલોક સંબંધી સુખનો વિરોઘ ન થાય તેમ આ લોકને વિષે સુખનો અનુભવ કરે છે, તે પુરુષ નિશ્ચય સુખી થાય છે. માટે ઘર્મની હાનિ ન થાય તેમ કામ અને અર્થ એ બેને વિષે બુદ્ધિમાન તો વર્તે.” (પૃ.૧૯૨) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી :- ત્રિવર્ગ એટલે ઘર્મ અર્થ અને કામ તેને પરસ્પર બાઘા થાય તેમ આસ્તિક પુરુષોએ કરવું નહીં. તે ત્રણમાં નિઃશ્રેયસ (કલ્યાણ) સુખને સાધનાર તે ઘર્મ કહેવાય છે. સર્વ અર્થ (પ્રયોજન) ની સિદ્ધિ કરે તે અર્થ કહેવાય છે; અને શબ્દાદિ પાંચ ઇન્દ્રિયોને પ્રીતિ ઉપજાવે તે કામ કહેવાય છે. એ ત્રણમાંથી કોઈ પણ એકને આસક્તિવડે સેવવાથી બીજાઓને બાઘા થાય છે. અતિમુક્તકુમાર તથા જંબુસ્વામીની જેમ કોઈ એકલા ઘર્મનેજ સેવે છે. અહમદબાદશાહ અને દાસીનું દ્રષ્ટાંત - બાદશાહની ઘર્મ પ્રત્યે જાગૃતિ. મ્લેચ્છ કુળમાં પણ કેટલાક લઘુકર્મી થાય છે. તે વિષે એક એવી કથા છે કે, અહમદ બાદશાહ દરરોજ સવામણની પુષ્પની શય્યામાં સૂતો હતો. એક વખતે કોઈ દાસી કૌતુકથી તે શય્યામાં સૂઈ ગઈ. તત્કાળ તે નિદ્રાવશ થઈ ગઈ. તેવામાં બાદશાહ અકસ્માતું રાજસભામાંથી ત્યાં આવી ચઢ્યો, અને દાસીને સુતેલી જોઈ એક ચાબુક માર્યો. દાસી હસતી હસતી બેઠી થઈ ગઈ અને પૃથ્વી ઉપર ઊભી રહી. બાદશાહે આગ્રહથી તેને હાસ્ય કરવાનું કારણ પૂછ્યું. એટલે દાસી બોલી – “સાહેબ! આપે મને એક પ્રહાર કર્યો તેથી ફૂલની શધ્યામાં થોડીવાર સુવાનું મારું પાપ તો નષ્ટ થઈ ગયું, પણ આપ હમેશાં અનેક વૃક્ષોના ફુલો મંગાવી તેની શય્યા કરાવીને તે પર નિદ્રા કરો છો, તે પાપનો દંડ કેટલો થશે? તે વિચારતાં મને હાસ્ય આવે છે.” દાસીના આવા વચનો સાંભળીને બાદશાહે તે દિવસથી પુષ્પશધ્યામાં સુવાનું છોડી દીધું. બાદશાહ અને ઊંટનું દ્રષ્ટાંત - ઓહો! આવી રીતે ઓચિંતુ મરણ આવશે. એક વખતે તે જ બાદશાહ ચતુરંગ સેના લઈ ઉપવનમાં જતો હતો. માર્ગમાં કોઈ ઊંટ મુત્યુ પામ્યો, તેથી સર્વ સૈન્ય ઊભું થઈ રહ્યું. તે જોઈ બાદશાહે પૂછ્યું કે “સૈન્ય આગળ કેમ ચાલતું નથી?” અમાત્યે આવીને ઊંટના મૃત્યુની વાત કહી. બાદશાહ મૃત્યુના તત્ત્વ વિષે કાંઈપણ જાણતો નહતો; તેથી પૂછ્યું કે, “મૃત્યુ એટલે શું?” અમાત્યએ કહ્યું, “સ્વામી! કાને સાંભળે નહીં, આંખે દેખે નહીં અને ખાય પીવે નહીં તે મૃત્યુ.” રાજા તે સાંભળી વિસ્મય પામ્યો; અને મૃત્યુ પામેલા ઊંટ પાસે જઈને કહ્યું કે – “અરે પશુ! ઊઠ, ખાન પાન કર. ક્રોઘથી આવી નિદ્રા ન કરીએ.” ત્યારે બીજાઓએ કહ્યું કે, “સાહેબ! આ તો નિર્જીવ થયો છે.' એમ કહી ઘણી યુક્તિઓથી મૃત્યુનું સ્વરૂપ સમજાવ્યું. તે ઉપરથી બાદશાહ પોતે વિચાર કરવા લાગ્યા કે – “અહો! આવું મૃત્યુ અણચિંતવ્યું આવશે ત્યારે આપણી કોણ રક્ષા કરશે? એમ વિચારી તત્કાળ સર્વનો ત્યાગ કરી પોતાની જાતિના શ્રેષ્ઠ ઘર્મ (ફકીરી)નો સ્વીકાર કર્યો. (પૃ.૨૦૨) ૫૦૬

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572