________________
સાતસો મહાનીતિ
પ૩૬. સોપારી બે વખત ખાવી.
અમુક લોકોને સોપારી અનેકવાર ખાવાની ટેવ પડી હોય, અથવા એના વગર ચાલતું ન હોય તેવા લોકોને માટે કૃપાળુદેવ કહે છે કે સંપૂર્ણ ત્યાગ નહીં થઈ શકતો હોય તો બે વખતથી વધારે સોપારી ખાવી નહીં. ઉપરના વાક્ય સાથે આ વાક્ય સંબંઘ ઘરાવે છે. જેમકે “તમાકુ સેવવી નહીં” તેમ સોપારી પણ ખાવી નહીં. પણ ટેવ પડી ગઈ હોય તો બે વખત જ ખાવી. જો ન ખાતો હોય તેને બે વખત ખાવાનો ઉપદેશ નથી. કૃપાળુદેવે બે વખત સોપારી ખાવાની કહી છે તેથી ખાવામાં બાધ નથી. એવો ઊંધો અર્થ લેવો નહીં, પણ સવળો અર્થ લેવો કે જેથી આપણે સહુરુષના વચનની વિપરીત પ્રરૂપણા કરી ન ગણાય.
‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી - સોપારી બે કટકા કરી અંદરનો ભાગ તપાસ્યા વિના ખાવી નહીં. કારણ તેની અંદર ફૂગ વળેલી પણ હોય છે. તેમાં ઝીણા ત્રસ જીવ ઉત્પન્ન થાય છે માટે ખાતાં પહેલાં પૂરી સાવચેતી રાખવી. (પૃ.૮૨) પ૩૭. ગોળ કૂપમાં નાહવા પડું નહીં.
નાહવાની ઇચ્છા થાય તો કુવામાંથી કે વાવમાંથી પાણી ડોલમાં કાઢી, તે પાણીને ગાળીને સ્નાન કરું. પણ કદી કૂપ એટલે કૂવામાં નાહવા પડું નહીં. તેમ કરવાથી અસંખ્યાત જીવોની હિંસા થાય છે. તેના શરીરને સ્પર્શતા જ જળકાયના જીવો મરી જાય છે. માટે તેમ કરવા મહાપુરુષોએ મનાઈ કરેલ છે. પ૩૮. નિરાશ્રિતને આશ્રય આપું.
જેને કોઈ આશ્રય આપનાર નથી, અનાથ જેવા છે; તેને જે જે વસ્તુની જરૂર હોય તે યથાશક્તિ આપી તેના આત્માને શાંતિનું કારણ થાઉં.
શ્રી જૈન હિતોપદેશ'માંથી - અનાથને વિવેકપૂર્વક સહાય કરું
સ્વ આજીવિકાનું જેમને કાંઈ સાધન નથી, જેઓ કેવળ નિરાધાર છે, એવા અશક્ત અનાથને યથાયોગ્ય આલંબન આપવું, એ દરેક શક્તિવંત દાની માણસની ફરજ છે. સીદાતા- દુઃખી થતા દીનજનોનું દુઃખ દિલમાં ઘરી તેમને ખરે વખતે વિવેકપૂર્વક સહાય કરનાર સમયને અનુસરી મોટું પુણ્ય ઉપાર્જે છે, તેમજ તેના પુણ્યબળે લક્ષ્મી પણ અખૂટ રહે છે. કૂવાના જળની પેરે મોટી ઉદાર વપરાશ છતાં તેની લક્ષ્મી પુણ્યરૂપી શેરોથી પાછી પૂરાય છે; છતાં કૃપણને આવી સુબુદ્ધિ પૂર્વ કર્મનાં અંતરાયના યોગે સૂઝી આવતી નથી, તેથી તે બિચારા કેવળ લક્ષ્મીનું દાસત્વ કરી અંતે આર્તધ્યાનથી અશુભ કર્મ ઉપાર્જ ખાલી હાથે યમને શરણ થાય છે. બીજા ભવમાં પણ અશુભ અંતરાય-કર્મના યોગે તે રંક અનાથને મહાદુઃખ ભોગવવું પડે છે. ત્યાં કોઈ ત્રાણ-શરણ-આધારભૂત તેને થતું નથી, પોતાની જ ભૂલ પોતાને નડે છે. કૃપણ પણ પ્રત્યક્ષ દેખે છે કે કોઈ એક કોડી પણ સાથે લાવ્યો નથી, તેમજ આગળ બાંધી લઈ જઈ શકતો નથી. છતાં બાપડો મમ્મણ શેઠની પેરે મહા આર્તધ્યાન ઘરતો ઘન ઘન કરતો ઝૂરી કરે છે, અને અંતે તે મહા માઠા વિપાકને પામે છે. આ સર્વ કૃપણતાનાં કટુફળ સમજી પોતાને પણ તેવા જ માઠા વિપાક થવા ન પામે તેમ “પાણી પહેલા પાળ''ની પેઠે પ્રથમથી ચેતી સ્વલક્ષ્મીના દાસ નહીં થતાં તેને વિવેકપૂર્વક યથાસ્થાને વાપરી તેની સાર્થકતા કરવા સદગૃહસ્થ ભાઈઓને જાગ્રત થવું જોઈએ. નહિતો પોતાની કેવળ સ્વાર્થ વૃત્તિરૂપ મોટી ભૂલને કારણે પોતાને જ સહન કરવું પડશે”.
૪૦૯