________________
સાતસો મહાનીતિ
કરવા લાગી કે- “અહો! મારો પતિ મારા વિયોગથી આવી દશાને પ્રાપ્ત થયો, તો મારા જેવી પરવશ સ્ત્રીને ધિક્કાર છે!” આ પ્રમાણે ચિંતવી તેણે મઘુરાજાને પોતાનો અસલ પતિ બતાવ્યો, એટલે તેને જોઈ પોતાના દુષ્ટ કામને માટે મથુરાજાને અતિ પશ્ચાત્તાપ થયો. તેથી તત્કાળ મઘુરાજાએ ધુંધુ નામના પોતાના પુત્રને રાજ્ય સોંપી કૈટભની સાથે વિમલવાહન મુનિની પાસે દીક્ષા લીધી. તેઓ હજારો વર્ષ સુધી ઉગ્ર તપ કરી દ્વાદશાંગના ઘારણ કરનારા અને સદા સાઘુઓની વૈયાવૃજ્ય કરનારા થયા. અંતે અનશન કરી સર્વ પાપની આલોચના કરીને તે બન્ને મૃત્યુ પામી મહાશુક્ર દેવલોકમાં સામાનિક દેવતા થયા. રાજા કનકપ્રભ પણ સુઘાષાથી પીડિત થઈ ત્રણ હજાર વર્ષ વ્યર્થ ગુમાવી મૃત્યુ પામ્યો, અને જ્યોતિષ દેવોમાં ધૂમકેતુ નામે દેવ થયો.
અવધિજ્ઞાનથી પૂર્વનું વૈર જાણી તે મધુના જીવને શોધવા લાગ્યો; પણ મધુ તો સાતમા દેવલોકમાં મહર્બિક દેવ હોવાથી તેના જોવામાં આવ્યો નહીં. પછી તે ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામીને તાપસ થયો. તે ભવમાં બાળતપ કરી મૃત્યુ પામીને તે વૈમાનિક દેવતા થયો. તથાપિ તે ભવમાં પણ મધુને જોવાને સમર્થ થયો નહીં. પાછો ત્યાંથી ચ્યવી સંસારમાં પરિભ્રમણ કરી કર્મયોગે જ્યોતિષીમાં ફરીને ધૂમકેતુ નામે દેવતા થયો. તે વખતે મઘુરાજાનો જીવ સાતમા મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવી કૃષ્ણ વાસુદેવની પટરાણી રૂકમિણિના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પેલો ધૂમકેતુ પૂર્વના વૈરથી તે બાળકને જન્મતાં જ હરી ગયો, અને તેને મારવાની ઇચ્છાથી તે દુષ્ટ એક ટંકશિલા ઉપર તેને મૂકીને ચાલ્યો ગયો, પણ પોતાના પ્રભાવથી તે સર્વ અંગે અક્ષત રહ્યો, અને તેને કાળસંવર વિદ્યાઘર પોતાને ઘેર લઈ ગયો. તેનું નામ પ્રદ્યુમ્નકુમાર રાખ્યું. અંતે માતા રૂમિણિ સાથે તેનો સમાગમ થયો.” (પૃ.૨૮૮) ૪૦૨. પ્રસિદ્ધ રીતે કુટિલતાથી ભોગ વર્ણવું નહીં. (ગૃ૦)
પ્રસિદ્ધ રીતે એટલે પ્રગટપણે ઘન આદિના લોભથી કુટિલતા એટલે માયા વડે ભોગોનું વર્ણન કરું નહીં. કોઈને મોહમાં પાડવા માટે એવું વર્ણન કરે છે તે ભોગોમાં આસક્ત થઈ જાય; તેવું કરું નહીં. સ્થલિભદ્રને ચલાવવા માટે કોશા વેશ્યાએ આવા પ્રયત્ન કર્યા હતા. તે દ્રષ્ટાંત નીચે પ્રમાણે –
“ઉપદેશમાળા'માંથી - કોશા વેશ્યાના ભોગ વર્ણનથી પણ સ્થૂલિભદ્ર ચળ્યા નહીં
સ્થૂલિભદ્રના બ્રહ્મચર્યની દ્રઢતાનું દ્રષ્ટાંત – સ્થૂલિભદ્ર ગુરુની આજ્ઞા લઈ, નમીને ચોમાસુ કરવા કોશા વેશ્યાને ઘેર ગયા. તેમને આવતાં જોઈ કોશા અતિ અતિ હર્ષિત થઈ અને સામે આવીને પગમાં પડી. તેની આજ્ઞા લઈ સ્થૂલિભદ્ર તેની ચિત્રશાળામાં ચાતુર્માસ રહ્યા. તે હમેશાં ષસનો આહાર કરે છે, સમય પણ વર્ષાઋતુનો છે, નિવાસ ચિત્રશાળામાં છે, પ્રીતિ કોશાની છે, અને પરિચય બાર વર્ષનો છે. વળી નેત્ર અને મુખનો વિલાસ, હાવભાવ, ગાન, તાન, માન, વીણાને મૃદંગના મઘુર શબ્દો સહિત નાટ્યવિનોદ વિગેરે નાના પ્રકારના વિષયોને સ્થૂલિભદ્ર આગળ પ્રગટ કરતી અને પોતાનો હાવભાવ બતાવતી કોશા કહે છે કે – હે સ્વામિન્! આ ત્યાગ સાધવાનો સમય નથી, માટે મારી સાથે યથેચ્છ વિષયસુખ ભોગવી તેનો સ્વાદ લ્યો. ફરીથી આ મનુષ્યજન્મ પામવો દુર્લભ છે અને આ યૌવન પણ દુર્લભ છે. પાછળથી વૃદ્ધાવસ્થામાં તપ કરવો તે ઉચિત છે.” તે સાંભળી સ્થૂલિભદ્ર બોલ્યા - હે ભદ્ર! અપવિત્ર અને મળમૂત્રનું પાત્ર એવા કામિનીના શરીરનો ઉપભોગ કરવાને કોણ ઇચ્છે? આવા પ્રકારના ઉપદેશથી બુઝીને કોશા વેશ્યા બોલી : હે સ્વામી! મારો હવે ઉદ્ધાર કરો. પછી સ્થૂલિભદ્રમુનિ પાસે સમ્યકત્વ સહિત બારવ્રત અંગીકાર કરીને તે કોશા પરમ શ્રાવિકા થઈ. (પૃ.૧૨૬)
૨૯૧