________________
સાતસો મહાનીતિ
જેમ પોતાના પતિને અનુસરનારી થાઉં. સુખદુઃખમાં ભાગ લેનારી થાઉં.
‘ઉપદેશામૃત'માંથી :– ‘‘હવે પતિ સાથે કેમ વર્તવું તે વિચારશો. પોતાના પતિને પરમેશ્વરબુદ્ધિએ વિચારવા. તેમનો વિનય કરવો, વૈયાવચ્ચ સાચવવી. તેમના
ચિત્તને પ્રસન્નતા થાય તેવાં વચનથી સંતોષ કરવો અને તેમના ચિત્તમાં કાંઈ પણ ખેદ ન થાય તેમ કરવું. જો કાંઈ તેમને ખેદ હોય તો તેમાં બને તો ભાગ લેવો. તે મહા તપનું કારણ છે.’’ (પૃ.૭૬)
‘શ્રી સુબોધ કથાસાગર'માંથી –
એક નવવધુનું દૃષ્ટાંત પતિના દોષ મારે સાંભળવા નથી. એક નવવધુ પોતાની સાસરીમાં બધા સાથે હળીમળીને રહેતી અને સઘળાંને સાથે આનંદથી વાતચીત કરતી. તેનો પતિ દૂર દેશાંતરે ગયો. એક વખત તેની નણંદે પોતાના ભાઈની વાત કાઢી અને તેમાં ભાઈનું થોડું ઘસાતું બોલી; ત્યારે નવવધુ બોલી ‘તમે એમના દોષ મારી પાસે કાઢશો મા. કારણ કે મારે તો તે સદા પૂજ્ય છે.’ આથી નણંદ બોલી : મારા ભાઈના દુર્ગુણ કહ્યું તેમાં તમારે શું? અમે સાથે ઊછરી મોટા થયેલા છીએ, એક માતાપિતાનાં બાળક છીએ. તું તો કાલે આવીને ઘણિયાણી થઈ. ત્યારે વહુ બોલી : ‘બહેન તમે ચિડાઈ ન જાઓ અને મરજીમાં આવે તેમ ન બોલો, શોભે એવું બોલો. હવે તમારે તો તમારા ભાઈ સાથે બહુ જ થોડા દિવસ કાઢવાના છે, પણ મારે તો તેમની સાથે આખી જિંદગી કાઢવાની છે. અત્યારથી તેમની નિંદા અને દુર્ગુણ સાંભળું તો અમારા બન્ને વચ્ચે જે નિર્મળપ્રેમ બંધાવવો જોઈએ તે બંધાય નહીં, અને અમારો ગૃહસંસાર દુઃખી થઈ પડે. માટે કૃપા કરી મારા પતિની નિંદા મને સંભળાવશો નહીં. (પૃ.૪૮)
શ્રીમદ્ રાજચંદ્રમાંથી :– “જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાર; દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દૃષ્ટિ કર.’' (વ.પૃ.૪)
‘પુષ્પમાળા વિવેચન’માંથી :– ‘ લગ્નનો હેતુ મર્યાદા ધર્મ છે. તે જણાવવા માટે અહીં કહ્યું છે. ધર્મકરણી સંભારવાનું કહ્યું. કારણ કે પતિ-પત્નીમાં મોહનું પ્રધાનપણું હોય છે. મદનરેખા જેવી સતી સ્ત્રીઓએ મોહ છોડી પોતાના પતિની સદ્ગતિ થાય તેમ મદદ કરવી.’’
મદનરેખાનું દૃષ્ટાંત પતિનું કરાવેલ સમાધિમરણ. રાજા મણિરથનો નાનો ભાઈ યુગબાહુ હતો. તેની સ્ત્રી મદનરેખા હતી. તેના ઉપર મણિરથ રાજાની કુદૃષ્ટિ થવાથી, અમુક ગામમાં લોકો રાજવિરુદ્ધ વર્તે છે તેમને વશ કરવાના બહાનાથી નાનાભાઈ યુગબાહુને પરગામ મોકલ્યો અને મદનરેખાને રાજી કરવા અનેક પ્રકારની ભેટો રાજા મોકલવા લાગ્યો. રાજાની કૃપા જાણીને તે લેતી હતી. પણ રાજાએ એક દિવસ પોતાનો દુષ્ટ અભિપ્રાય જાહેર કર્યો. તેમાં એ સંમત થઈ નહીં. યુગબાહુ બહારગામ ગયો હતો. ત્યાં કંઈ તોફાન હતું નહીં, તેથી પાછો આવ્યો. હવે ગામ ઉત્સવના દિવસે યુગબાહુ અને મદનરેખા બન્ને બગીચામાં નિવાસ કરી રહેલા હતા. રાજાને લાગ્યું કે પોતાનો નાનોભાઈ જીવશે ત્યાં સુધી પોતાની કુધારણા પાર પડશે નહીં. તેથી નાનાભાઈને મારવા તે જ રાત્રે તંબુમાં આવ્યો અને યુગબાહુને બોલાવી તલવારનો ઘા મારીને નાસી ગયો. મદનરેખાને ખબર પડતાં ત્યાં આવી અને જાણ્યું કે રાજાનું જ આ કામ છે. પણ તે વખતે તે ગભરાઈ નહીં કે ૨ડવા બેઠી નહીં. પણ હવે શું કરવું તેનો વિચાર કર્યો. તેના પતિના સમાધિમરણ માટે પોતાની શક્તિ પ્રમાણે બોઘ કર્યો અને ધર્મમાં દૃઢ કર્યો. એને જે સત્પુરુષોનો યોગ થયો હતો તે સંભારી આપ્યો અને જણાવ્યું કે – ‘ભાઈ પ્રત્યે દ્વેષ અને મારા પ્રત્યે રાગ રાખશો નહીં. સત્પુરુષના આશ્રયે દેહ છોડવા યોગ્ય છે. જગતની કોઈ વસ્તુમાં દૃષ્ટિ રાખવી યોગ્ય નથી.
૨૭૧