________________
ધર્મની બાબતમાં “એ તો બધું ચાલે', “ગમે તેવું ગરબડિયું પણ ચાલે” મનમાં ઘર કરી ગયેલી આવી માન્યતા દ્વારા ઉત્પન્ન થયેલી મનોદશાને કારણે ઘણી વાર મહત્ત્વની બાબતોને પણ સામાન્ય સમજીને એની ભારોભાર ઉપેક્ષા કરવામાં આવતી હોય છે.
ભાષાની બાબતમાં પણ આપણે ગમે તેમ બોલીએ તોય ચાલે એવી એક માન્યતાને કારણે, ઉચ્ચારણશુદ્ધિની અવગણના કરીને એના પ્રત્યે ભારે દુર્લક્ષ સેવાતું હોય છે. પોતાના ઉચ્ચારણની ખામીઓ પોતાને ખટકે જ નહિ, પછી એ દૂર થવાનો અવકાશ રહેતો નથી. અશુદ્ધ ઉચ્ચારણ કે લેખન, આપણું પોતાનું હોય કે ભલે પારકું હોય તોપણ આપણને એ આંખમાં પડેલા કણાની જેમ ખૂંચવું જોઈએ, પગમાં વાગેલા કાંટાની જેમ ખટકવું જોઈએ.
આવો ખટકો જેમને હતો એવા શ્રી વૃદ્ધવાદીસૂરિજીએ પોતાના વિદ્વાન શિષ્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીને ઉદ્દેશીને કહ્યું હતું કે, “મને બીજી કોઈ એવી પીડા નથી કે જેવી પીડા તારા “વાથીને બદલે “નાથસિ' એવા ખોટા શબ્દ-પ્રયોગની છે.”
અશુદ્ધિઓ પ્રત્યેનો આવો ખટકો જો આપણામાં પણ આવી જાય તો ઉચ્ચારણશુદ્ધિ પ્રત્યે આપણું લક્ષ જરૂર વિશેષ પ્રકારે રહ્યા કરે.
પડતા કાળના પ્રભાવે સામાયિક-પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓ કરનારો વર્ગ દિન-પ્રતિદિન કુશ અને કૃશતર થતો જાય છે. જે એક નાનકડો વર્ગ પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓ કરે છે, તેમાં પણ વિશેષ કરીને વૃદ્ધો જ હોય છે. બાલ અને યુવાન વર્ગ તો નહિવત જ હોય છે. જે વૃદ્ધ શ્રાવકો થોડી-ઘણી ધર્મક્રિયાઓ કરે છે, તેમાંનો પણ મોટો ભાગ એવો છે કે જેમને સૂત્રો, વિધિ વગેરે કાંઈ પણ આવડતું હોતું નથી. જે થોડાક શ્રાવકોને સામાયિક-પ્રતિક્રમણ આદિની વિધિ અને સૂત્રો આવડે છે, તે પણ તેમણે માંડ-માંડ ગોખીને તૈયાર કરેલાં હોય છે અને યાદ પણ મહામુસીબતે રાખેલાં હોય છે. તેમાં ભૂલો અને અશુદ્ધિઓ પાર વગરની હોય છે. જોડાક્ષરોનું જ્ઞાન જોઈએ તેવું હોતું નથી. રેફ-અનુસ્વાર-વિસર્ગ વગેરેની અશુદ્ધિઓ પણ પારાવાર હોય છે. તેથી ઉચ્ચારણ ઘણાં અશુદ્ધ હોય છે. અશુદ્ધ ઉચ્ચારણનો આવો વારસો તેઓ ક્યારેક પરંપરામાંથી મેળવી લેતા હોય છે, તો ક્યારેક એમાં પોતાની બેદરકારી પણ કારણભૂત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org