Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૧૨]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૨
વગેરે વિષયોને પ્રિય ગણે છે. સત્ત્વ મુખ્ય હોય, ત્યારે એ તત્ત્વમાં પ્રણિધાન કરવા ઇચ્છે છે, છતાં તત્ત્વ તમોગુણથી આવૃત્ત હોવાથી, અણિમા વગેરે ઐશ્વર્યને જ તત્ત્વ માનતું હોવાથી એમનું પ્રણિધાન કરવા ઇચ્છે છે અને ખરેખર એકાદ બે ક્ષણો માટે પ્રણિધાન કરે પણ છે. રજોગુણથી અસ્થિર બનેલું ચિત્ત તે તે પ્રિય લાગતા વિષયોમાં પણ સ્થિર રહી શકતું નથી. શબ્દ વગેરે વિષયોમાં એનો પ્રેમ એકધારો અને ગાઢ છે. આનાથી વિક્ષિપ્ત ચિત્ત કહ્યું. “તદેવ તમસાનુવિદ્ધમ્.” વગેરેથી ક્ષિપ્ત ચિત્તને દર્શાવીને મૂઢ ચિત્તની પણ સૂચના કરે છે. જયારે રજોગુણને જીતીને તમોગુણ મુખ્ય બને, ત્યારે ચિત્તસત્ત્વમાં પોતાનું આવરણ કરનાર અંધકારને દૂર કરવાની શક્તિ ન હોવાથી, રજસ્, તમસથી સ્થગિત થયેલું ચિત્ત અધર્મ વગેરે તરફ વળે છે. અજ્ઞાન એટલે ઊલટું જ્ઞાન અને અભાવજ્ઞાનને અવલંબતું નિદ્રાજ્ઞાન છે. આનાથી મૂઢ અવસ્થા પણ સૂચવી છે. અનૈશ્વર્ય એટલે બધે ઇચ્છા પાછી પડે એવી સ્થિતિ. ચિત્તમાં અધર્મ વગેરે વ્યાપી જાય છે, એવો અર્થ છે. ક્ષીણમોહાવરણ વગેરેથી કહે છે કે એ જ ચિત્તસત્ત્વમાં સત્ત્વગુણનો આવિર્ભાવ થાય, અને તમોગુણનું અંધારું દૂર થાય અને રજોગુણ મુખ્ય બને, ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય તરફ વલણ ધરાવતું બને છે. મોહ એટલે અંધકાર કે આવરણ. એ દૂર થાય ત્યારે ચિત્ત વિશેષ, અવિશેષ, લિંગમાત્ર અને અલિંગ તેમજ પુરુષ સુધીના બધા પદાર્થોને પ્રકાશિત કરતું હોવા છતાં, પ્રવૃત્તિના અભાવ (કે મંદતા)ને કારણે ધર્મ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે સમર્થ બનતું નથી. તેથી “અનુવિદ્ધ રજમાત્રયા”. વગેરેથી રજોગુણની માત્રા ઓછી હોવાથી આમ બને છે, એવું કહ્યું. કારણ કે પ્રવૃત્તિ રજોગુણના કારણે થાય છે, જેથી ધર્મ વગેરેનું સંપાદન શક્ય બને છે. આનાથી સંપ્રજ્ઞાત સમાધિવાળા, મધુમતી, પ્રજ્ઞા જયોતિષ્મતી ભૂમિ સુધી પહોંચેલા, મધ્યમ પ્રકારના યોગીઓના ચિત્તની અવસ્થા કહી.
હવે ચોથી ઉત્તમ ભૂમિમાં પહોંચેલા, પદાર્થભાવનાથી પર ગયેલા, ધ્યાનનિષ્ઠ યોગીની ચિત્તની અવસ્થા વિષે કહે છે એ જ ચિત્ત રજોગુણના અલ્પમળરૂપ દોષથી પણ રહિત બને, તેથી પોતાના સાચા (સત્ત્વમય) સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. એટલે કે અભ્યાસ અને વૈરાગ્યના પુટપાકના પ્રયોગથી બુદ્ધિસત્વરૂપ સુવર્ણ રજ-તમસના મળોવિનાનું બનીને સ્વરૂપમાં સ્થિર થાય છે. આવા ચિત્તે વિષયોમાંથી ઇન્દ્રિયોના પ્રત્યાહારનું કાર્ય પૂરું કર્યું છે, છતાં હજી વિવેકખ્યાતિરૂપ મુખ્ય કર્તવ્ય બાકી છે. તેથી એ આગળનું કાર્ય કરતું જ રહે છે, એમ કહે છે.
સત્ત્વ અને પુરુષની ભિન્નતાના જ્ઞાનવાળું ચિત્ત ધર્મમેઘ સમાધિ તરફ વળે છે. ધર્મમેઘ વિષે આગળ કહેવામાં આવશે. અહીં યોગીઓમાં પ્રસિદ્ધ “પર