________________
નચિકેતા અને નવો અવતાર • ૯ વાક્યથી સૂચવાતી કથાનો સ્થૂળ સાર એ છે કે પિતા યજ્ઞને અંતે પ્રણાલિકા પ્રમાણે દાન આપે છે–પણ તે જાણે પ્રણાલિકાને સાચવવા પૂરતું જ ન આપતો હોય તેવી રીતે. તે કાળે ગોદાનની પ્રથા બહુ વ્યાપક હતી અને તેનાં મૂળ ઊંડે સુધી ગયાં હતાં. પિતા પોતાની પાસેની દુધાળ, તરુણ, નવવત્સ ગાયોને રાખી, આજકાલની ભાષા વાપરીએ તો, પાંજરાપોળમાં મૂકવા જેવી ગાયો દાનમાં આપે છે. વાજશ્રવસ્ શ્રદ્ધાળુ અવશ્ય છે, પણ તે સાથે તે લોભી અને ગણતરીબાજ પણ છે. દાન આપવું તો એવી વસ્તુ કેમ ન આપવી કે જેને હવે સાચવવાનો બહુ અર્થ ન હોય !
સજીવ શ્રદ્ધા
નચિકેતાની પ્રકૃતિ સાવ જુદી છે. તે શ્રદ્ધાળુ હોવા ઉપરાંત તદ્દન ઉદાર અને વિવેકી છે. પિતાની પ્રવૃત્તિ જોઈ પુત્રને દુઃખ થાય છે. તેને એમ થાય છે કે જો દાન કરવું તો પછી સજીવ શ્રદ્ધા સાથે પોતાની પાસે હોય તેમાંથી સારી વસ્તુ કેમ ન આપવી ? તેને પિતાની સીધી ટીકા કરતાં વિવેક રોકે છે, એટલે તેણે બીજો માર્ગ લીધો અને પિતાને કહ્યું કે, તમે મારું જ દાન કરી દો ને ! તમે મને કોને આપશો ? તેણે તો આ માગણી સાચા દિલે કરી હતી, પણ તેની જીદ જોઈ પિતાએ આવેશમાં કહી દીધું કે હું યમને તારું દાન કરીશ.
આવેશમાં બોલતાં તો બોલાઈ ગયું, પણ પુત્ર તો પિતાના વચનને ઝીલી સીધો યમને ઘરે સિધાવ્યો. યમ ઘેર ન હતો, એટલે નચિકેતા ત્રણ દિવસ તેને આંગણે ઉપવાસ સાથે રહ્યો. આંગણે આવેલ અતિથિ આમ અન્નપાણી વિના રહે તે આતિથેયને જીવનધર્મ માનનાર માટે એક ધર્મશૂળ હતું. યમે ઘેર પાછા ફરી જ્યારે એ ધર્મશૂળની વાત જાણી ત્યારે તેણે પ્રાયશ્ચિત્ત કરવા અથવા તો આતિથેય ધર્મને સદા માટે દીપાવવા એ બ્રાહ્મણ અતિથિને સત્કારપૂર્વક ત્રણ લાંઘણ બદલ ત્રણ વર માગવા કહ્યું.
વિવેકી નચિકેતાએ જે વ૨ માગ્યાં તે તેની આધ્યાત્મિક સાધના અને વિવેકના સૂચક છે. એ પહેલું વર માગે છે કે એનો પિતા એના પ્રત્યે રોષમુક્ત થઈ પ્રસન્ન થાય. કુપિત પિતાને પ્રસન્ન જોવા તત્પર આ કુમારની વડીલભક્તિ તેમ જ અખંડ કૌટુમ્બિકતાની વૃત્તિ જોઈ યમ ત્રણ વ૨ ઉપરાંત કંઈક વધારે આપતાં નચિકેતાને કહે છે કે બીજા વરમાં જે તેં સ્વર્ગ્યુ અગ્નિ વિશે જાણવાની માગણી કરી છે તે અગ્નિ હવે પછી તારા નામથી પ્રસિદ્ધ થશે.
બીજું વરદાન નચિકેતાએ માગ્યું તે એ છે કે કયો અને કેવા પ્રકારનો અગ્નિ સ્વર્ગપ્રદ બને છે તે જ્ઞાન આપો. યમ આ માગણી સહેલાઈથી સ્વીકારી નચિકેતાને એ જ્ઞાન આપે છે. તે કાળમાં યાશિકો સ્વર્ગપ્રાપ્તિના એક સાધન લેખે અગ્નિના ચયન અને યજનને એક આવશ્યક કર્મ લેખતા. બ્રાહ્મણ માટે એવું જ્ઞાન મેળવવું તે જરૂરી પણ મનાતું. તેથી એ કુળપરંપરાગત કર્મઠ સંસ્કારોને નચિકેતાએ પોષ્યા અને બ્રાહ્મણ થઈ કુળધર્મ નથી જાણતો એવા રૂઢ આક્ષેપોથી મુક્તિ મેળવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org