________________
_જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ઉપરની કડીમાં શાસ્ત્રાનુસાર આ ચાર કારણનો નિર્દેશ કર્યો છે : (૧) પૂર્વપ્રયોગ, (૨) ગતિપરિણામ, (૩) બંધનછેદ અને (૪) અસંગ. “વિશેષાવશ્યક ભાષ્યમાં પણ આ ચાર હેતુઓ સમજાવવામાં આવ્યા છે, અને તેનાં દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે.
(૧) પૂર્વપ્રયોગ – એ માટે બાણની ગતિ અથવા કુંભારના ચાકડાની ગતિનું દૃષ્ટાંત આપવામાં આવે છે. ધનુષ્યમાંથી બાણ છૂટીને ગતિ કરે છે, પણ તે પૂર્વે કશુંક કરવામાં આવ્યું હોય તો જ બાણ છૂટે. બાણ છોડતાં પહેલાં ધનુષ્યની પણછ ખેંચવામાં આવે છે. એથી ધનુષ્ય પણ વાંકે વળે છે અને પણછ પણ વાંકી ખેંચાય છે. આ પૂર્વપ્રયોગ પછી પણછ અને ધનુષ્ય પોતાનાં મૂળ સ્થાને આવે કે તરત બાણ છૂટીને ગતિ કરે છે.
બાણને પણછનો જે ધક્કો વાગે છે તે તેનો પૂર્વપ્રયોગ છે, તેવી રીતે કુંભારના ચાકડામાં દાંડો ભરાવી તેને જોરથી ફેરવવામાં આવે છે. પછી દાંડો કાઢી લીધા પછી પણ ચાકડો ઘણી વાર સુધી ફરતો રહે છે, એમાં દંડા વડે ચાકડાને ફેરવવો તે એનો પૂર્વપ્રયોગ છે.
આવી જ રીતે સર્વથા કર્મમુક્ત થવું એ જીવનો પૂર્વપ્રયોગ છે, એમ થતાં મુક્ત જીવની ઊર્ધ્વગતિ થાય છે.
(૨) ગતિપરિણામ – એ માટે અગ્નિની જ્વાળા અને ધુમાડાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. જ્યારે આગ લાગે છે ત્યારે એની જ્વાળા અને ધુમાડો સ્વભાવથી સહજ રીતે જ ઊંચે ગતિ કરે છે. તેવી રીતે જીવ સંપૂર્ણ કર્મક્ષય કરે છે ત્યારે એના પરિણામરૂપે સ્વભાવથી સહજ રીતે ઊર્ધ્વ ગતિ કરે છે.
(૩) બંધન છેદ – એ માટે એરંડાના મીંજનું દૃષ્ટાંત આપવામાં આવે છે. એરંડાના છોડ ઉપર એનું ફળ પાકે છે. એમાં એનું મીંજ રહેલું હોય છે. આ ફળ ડાળીના છેડા ઉપર રહેલું હોય છે, અને છેડા નીચેના કોશને લાગેલું હોય છે. જ્યારે કોશ સુકાઈ જાય છે ત્યારે મીંજ ફટાક કરતું છૂટું પડે છે અને ઊંચે ઊડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org