________________
સિદ્ધ પરમાત્મા
સમય પએસ અણફરસી, ચરમ વિભાગ વિશેષ અવગાહન લહી જે શિવ પહોતા, સિદ્ધ નમો તે અશેષ રે. પૂર્વ પ્રયોગ ને ગત પરિણામે, બંધન છેદ અસંગ, સમય એક ઊર્ધ્વ ગતિ જે હતી તે સિદ્ધ પ્રણામો સંત રે. નિર્મળ સિદ્ધશિલાની ઉપરે જોયણ એક લોગંત, સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણામો રંગ રે.
તેરમે - સયોગી કેવલીના - ગુણસ્થાનકેથી જીવ ચૌદમા અયોગી કેવલીના ગુણસ્થાનકે પહોંચે છે ત્યારે અંત સમયે યોગનિરોધ અને શૈલેશીકરણ કરવાને કારણે તેના એ ચરમ શરીરમાં નાસિકાદિ છિદ્રોવાળી પોલાણવાળી જગ્યામાં આત્મપ્રદેશો ઘન બનતાં શરીરનો એક તૃતીયાંશ જેટલો ભાગ ઓછો થાય છે અને બે તૃતીયાંશ જેટલી થયેલી આત્મજ્યોતિ સીધી ઊર્ધ્વગમન કરી સિદ્ધશિલાની ઉપર પહોંચે છે. એમાં કેટલી વાર લાગે છે ? જીવ બીજા જ સમયે ત્યાં પહોંચી જાય છે. વચ્ચે એક સમયનું પણ આંતરું પડતું નથી. મુક્તાત્મા અસ્પૃશદ્ ગતિએ ત્યાં પહોંચે છે એક પણ આકાશપ્રદેશને સ્પર્શ કર્યા વિના તે જાય છે. (જો સિદ્ધાત્મા એક એક આકાશપ્રદેશને એક “સમય” જેટલો અલ્પતમ કાળ સ્પર્શીને સાત રાજલોક ઉપર જાય તો તેમ કરવામાં અસંખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણી જેટલો કાળ સિદ્ધશિલા ઉપર પહોંચતાં લાગે). સ્પર્શ કરવાનું તેમને હવે કોઈ પ્રયોજન કે કારણ હોતું નથી.
સંસારી જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે તો તેને લઈ જનાર કર્મ છે. પરંતુ મુક્તિ પામનાર જીવોને તો કોઈ જ કર્મ રહ્યાં નહિ. તો તેમની ઊર્ધ્વ ગતિ કેવી રીતે થઈ શકે ? એનો ઉત્તર એ છે કે દેહરહિત વિશુદ્ધ આત્માનો સ્વભાવ ઊર્ધ્વ ગતિ કરવાનો છે. તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે :
पूर्वप्रयोगादसंगत्वाद् बन्धच्छेदात्तथागतिपरिणामाच्च । आविद्धकुलालचक्रव्यपगतले पालावुवदेरण्डबीजवदग्निशिरवावच्च ।
આ સૂત્રમાં સિદ્ધોની ઊર્ધ્વગતિ માટે ચાર હેતુ અને દૃષ્ટાંત દર્શાવવામાં આવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org