________________
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
જૈન ધર્મ અને મહાત્મા ગાંધીજીના અહિંસા વિચાર - ડૉ. પૂર્ણિમા એસ. મહેતા
(જૈન ધર્મના અભ્યાસુ પૂર્ણિમાબહેન ગુજરાત વિધાપીઠ સંચાલિત આંતરરાષ્ટ્રીય જૈન અધ્યયન વિધા કેન્દ્રના ઈન્ચાર્જ છે અને અવારનવાર જૈન સત્રોમાં શોધપત્રો પ્રસ્તુત કરે છે.)
વિશ્વની તમામ સંસ્કૃતિઓએ એક યા અન્ય રીતે અહિંસાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. પ્રમાણ અને વ્યવહાર ઓછાવત્તા અંશના હોય એ શક્ય છે કારણ કે કોઈપણ સમાજરચનાનું મહત્ત્વનું પાસું છે સહઅસ્તિત્વની ભાવના ! સહઅસ્તિત્વ વગર સમાજનું માળખું સુદૃઢ થતું નથી. સહઅસ્તિત્વ એ જ સમાજ છે. ભારતીય ધર્મોમાં ઋષિ-મુનિ, તીર્થંકરો-ધર્મોપદેશકો, સાધકોનું પ્રદાન અને સંચાલન અત્યંત મહત્ત્વનું હોવાથી અહિંસાનો સિદ્ધાંત સુદૃઢપણે અપનાવાયો છે.
એમાંયે જૈન ધર્મ ત્યાગપ્રધાન અને સમગ્ર જીવસૃષ્ટિના તમામ નાના મોટા જીવો પ્રત્યે મૈત્રીભાવની વાત કરે છે. અન્ય જીવને પણ જીવવાનો એટલો જ હક છે - અધિકાર છે, જેટલો એક જીવને છે. આ પાયાની વિચારણાના લીધે અહિંસાનો સિદ્ધાંત વધુને વધુ સ્વીકાર્ય બન્યો.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અને એમની પરંપરાના પ્રાચીન આચાર્યોએ અનેક રીતે અહિંસાની વ્યાખ્યા, વિવેચના તથા સમજણ સ્પષ્ટ કરી છે. જીવનના તમામ ક્ષેત્રોમાં, તમામ પાસાઓમાં અહિંસાની ઉપયોગિતા જ નહીં, પણ અનિવાર્યતાને ઉપદેશી છે.
જૈન ધર્મની આ વિચારધારાની અસર ભારતીય ધર્મોની પરંપરામાં પણ થઈ ! ખાસ કરીને બ્રાહ્મણ પરંપરાના વિદ્વાન આચાર્યો, જેઓ જૈન ધર્મ તરફ (૨૯)
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
વળ્યા. જૈન ધર્મને જીવનશૈલી તરીકે અપનાવ્યો. આ બધાના લીધે જૈન ધર્મની અહિંસા સર્વગ્રાહી બની ગઈ. અહિંસાને અનેક રીતે જોવામાં આવી છે.
જૈન ધર્મનો પાયો અહિંસાના સિદ્ધાંત પર રચાયેલો છે. અહિંસાને મૂળભૂત ધર્મ તરીકે સ્વીકારીને જીવનની તમામ વ્યવસ્થાઓ જૈન ધર્મની વિચારધારા ગોઠવે છે. જીવનના તમામ ક્ષેત્રોમાં તમામ રીતે અહિંસક આચરણ, અહિંસક વાણી વ્યવહાર અને અહિંસક વિચારધારા કે મનોવૃત્તિને જૈનધર્મના આચાર્યોએ અનિવાર્ય અને આવશ્યક માની છે.
તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિજી આચાર્ય ‘પ્રમત્તયોનાત્ પ્રાળયપરોપળ હિંસા’ કહીને હિંસાને પ્રમાદથી કરાતા પ્રાણવધના રૂપે નિરૂપી છે. પ્રમાદની વ્યાખ્યા અત્યંત વિશાળ પણ છે, સાથે સાથે સૂક્ષ્મ પણ છે. શારીરિક આળસથી માંડીને માનસિક લાપરવાહી કે મૂર્છિત-બેહોશીની અવસ્થાને પ્રમાદમાં સાંકળી છે. તમામ અકાર્યોના મૂળ તરીકે હિંસાને જોવાઈ છે. હિંસાને માત્ર મનુષ્ય કે પશુવધ સુધી સીમિત ન રાખતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ ઉપરાંત સૂક્ષ્મ જીવજંતુને પણ પીડા પહોંચાડવી એને પણ હિંસા ગણી છે. આચારાંગ સૂત્રથી માંડીને અનેક આગમોમાં હિંસાથી નિવૃત્ત થવાનો, હિંસાથી દૂર રહેવાનો ઉપદેશ અપાયો છે.
વૈદિક પરંપરાએ જ્યાં પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુને દેવતા માનીને એની પૂજા કરવાની વાત કરી છે ત્યારે જૈન વિચારધારા એ તમામમાં જીવત્વ માનીને ‘પ્રત્યેક જીવને જીવવાનો અધિકાર છે. પોતાના પ્રાણને સુરક્ષિત રાખવાનો હક છે. એ અધિકાર ઝૂંટવી ના શકાય ! એ જીવનો મૂળભૂત અધિકાર છે' આવી ઉદ્ઘોષણા કરી. વૈશ્વિક સ્તરે જૈન ધર્મની ‘પ્રાણીમાત્રને જીવવાના અધિકાર’ ની વાત બહુ મહત્ત્વની બની જાય છે. અન્યના અધિકારોનું જતન એ અહિંસાનો જ પ્રકાર છે.
(૩૦)