Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 73
________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા હતા. એને માટે રૂઢિચુસ્ત વર્ગ તરફથી જે કંઈ મુશ્કેલીઓ આવી પડે તે સહી લેતા. આમ, તેઓ સાચા અર્થમાં સુધારક હતા. લગ્ન, મરણ અને બીજા એવા વરા અંગે એમણે જે નિર્ણય બાંધ્યા તેનું જીવનભર પાલન કર્યું. પિતાના મૃત્યુ પ્રસંગે એમણે હિંમતભેર કારજનો વિરોધ કર્યો. શીતળા માતાની નારાજગીથી પોતાને અંધાપો આવ્યો નથી એમ સ્પષ્ટપણે માને છે. ચર્મચક્ષુ ગુમાવનાર પં. સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ બન્યા. ભારતીય તત્ત્વજ્ઞાનની પરંપરાના જયોતિર્ધર એવા પં. સુખલાલજી આચાર્ય હેમચંદ્ર, યોગી આનંદઘન કે શ્રીમદ્ રાજચંદ્રની માફક સાંપ્રદાયિકતાથી પર બનીને ધર્મના મર્મને શાસ્ત્ર અને બુદ્ધિ વિવેકની સહાયથી શુદ્ધ સ્વરૂપમાં પામ્યા હતા. માત્ર વેદાંતદર્શનથી જ નહીં, પરંતુ દુનિયાના બીજા અનેક ધર્મોના ચિંતન-મનનથી એમની ચેતના સભર હતી. આવી પ્રતિભા જ્યારે જૈનધર્મ અને ગાંધીવિચારધારા વચ્ચે અભ્યાસ કરે, ત્યારે આપણી ઘણી ભ્રામક માન્યતાઓ દૂર થાય છે અને સત્યના પ્રકાશમાં હકીકતોની સચ્ચાઈ સામે આવે છે. પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીની દૃષ્ટિએ જૈન ધર્મ અને ગાંધીજીના વિચારોના સંદર્ભમાં મહત્ત્વની બાબત એ છે કે આપણે મહાત્મા ગાંધીજીને સાચી રીતે સમજીએ તો એમની વિચારધારાને કોઈપણ ધર્મના બીબામાં ઢાળી શકાય નહીં. સામાન્ય રીતે જુદા જુદા ધર્મપંથવાળા ગાંધીજીમાં પોતાના ધર્મની ભાવનાની છબી જોવા પ્રયાસ કરતા હતા. આ સંદર્ભમાં પંડિત સુખલાલજી કહે છે કે ગાંધીજીને સનાતન પંથ સાથે મેળ બેઠો નહીં, કારણ કે સનાતન એ અચલ પંથ છે, એ બુદ્ધિપૂર્વક ફેરફાર કરવામાં કે કોઈ પરિવર્તન કરવામાં પહેલ કરનારો પંથ નથી. આમ, ગાંધીજીના ધર્મવિચાર સાથે સનાતન ધર્મના તત્ત્વોનો મેળ બેસતો નહોતો. ગાંધીજીને તો એવો પંથ-માર્ગ જોઈતો હતો કે જેનામાં આત્માની શોધનો અને ઉપયોગી વસ્તુને પચાવવાનું અસાધારણ બળ (૧૪૫) જ જૈનદર્શન અને ગાંધી વિચારધારા હોય. આપણે જાણીએ છીએ કે એમના ખ્રિસ્તી ધર્મના મિત્રોએ એમને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવા પ્રયત્ન કર્યો. શેખ અબ્દુલ્લાને કારણે એમણે કુરાન-એશરીફનો પણ અભ્યાસ કર્યો. જરથોસ્તી ધર્મના પુસ્તકો પણ વાંચ્યા. શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી – ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ કે ‘યોગવશિષ્ઠ' ગ્રંથનો અભ્યાસ કર્યો, પરંતુ એમની આધ્યાત્મિક ભીડ અંતે શ્રીમદ્ રાજચંદ્રજીને દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરથી પત્ર દ્વારા પૂછાયેલા ૨૭ પ્રશ્નોના ઉત્તરમાં સંતોષાઈ અને આને પરિણામે એમનું મન હિંદુ ધર્મમાં ઠર્યું. ગાંધીજીને માટે ધર્મ એ માત્ર આત્મિક ઉત્થાનની બાબત નહોતો. ધર્મ એ મોક્ષની વાતો કરે, પરંતુ જો એનામાં કરુણા ન હોય તો એવો ધર્મ એમને ખપતો નહોતો. અસ્પૃશ્યતામાં માનનાર કોઈપણ ધર્મને ગાંધીજી સ્વીકારવા તૈયાર થાય નહીં. આ સંદર્ભમાં પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી માર્મિક રીતે કહે છે, “ગાંધીજી વેદોને માનશે પણ વેદાનુસારી યજ્ઞો નહિ કરે. તેઓ ગીતાનો સાથ નહિ છોડે પણ તેમાં વિહિત શસ્ત્ર દ્વારા દુષ્ટ દમનમાં નહિ માને. તેઓ કુરાનને આદર કરશે પણ કોઈને કાફર નહિ માને. તેઓ બાઈબલનો પ્રેમધર્મ સ્વીકારશે પણ ધર્માતરને સાવ અનાવશ્યક સમજશે. તેઓ સાંખ્ય, જૈન અને બૌદ્ધોના ત્યાગને અપનાવશે પણ જગતરૂપ મિથિલા કે માનવરૂપ મિથિલા દુઃખાગ્નિથી દાઝી કે બળી રહી હોય ત્યારે મહાભારત અને બૌદ્ધજાતકના વિદેહજનકની પેઠે અગર તો જૈનોના નમિરાજર્ષિની પેઠે “મારું કશું જ બળતું નથી' એમ કહી એ બળતી મિથિલાને છોડી એકાન્ત અરણ્યવાસમાં નહીં જાય.” આમ, ગાંધીજીનો જેમ ગુરુ વિશેનો વિચાર આગવો હતો, એ જ રીતે ધર્મ વિશેનો વિચાર પણ આગવો છે. સત્યની ધારે અને આત્મચિંતનના સહારે ચાલનારને માટે ધર્મ એક જીવંત, વ્યાપક, ઉદારતા અને માનવતાથી ભર્યો હોવો જોઈએ. એકેય પ્રવર્તમાન ધર્મનો મેળ ગાંધીજીની વિચારધારા સાથે પૂરેપૂરો (૧૪૬)

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94