Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 76
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા જાય છે.” આ વાતને બહુ સુંદર દૃષ્ટાંતથી તેઓ સમજાવે છે. આંબલી અને આંબા, બાવળ અને લીંબડો, ગુલાબ અને ચંપો જેવા એકબીજાથી વિરુદ્ધ રસ અને ગંધવાળા પુષ્પો અને વૃક્ષોમાંથી ભ્રમર જુદો જુદો રસ ખેંચીને મધપૂડો તૈયાર કરે છે. મધુપટલની સ્થૂળ રચના અને તેમાં સંચિત થતાં મધુરસમાં દરેક રસ સામેલ હોય છે, પણ તે મધ નથી હોતું આંબલીની પેઠે ખાટું કે આંબાની પેઠે ખાટું તૂરું, તે નથી હોતું લીંબડા જેવું કડવું કે નથી હોતું બાવળના રસ જેવું. તે નથી હોતું ગુલાબના રંગ કે સ્વાદવાળું અથવા તો ચંપાના રંગ કે સ્વાદવાળું. મધુકરની ક્રિયાશીલતા અને પાચનશક્તિ દ્વારા મધ બને છે. આ બધામાંથી યંત્ર દ્વારા કે અન્ય પદ્ધતિથી રસ ખેંચે તો તેમાં મધની મીઠાશ કે ગુણો નહીં આવે. એ રીતે ગાંધીજીના જીવનવહેણમાં જુદા જુદા ધર્મસ્રોતો ભલે આવીને મળ્યા હોય, પણ તે બધા સ્રોતો પોતાનું નામરૂપ છોડી તેમના જીવનપટલમાં મધુરતમ રૂપે એક નવીન અને અપૂર્વ ધર્મસ્વરૂપમાં ફેરવાઈ ગયા છે. કારણ કે ગાંધીજીએ તે તે ધર્મના તત્ત્વો પોતાના જીવનમાં ઉધાર લીધેલા નથી કે આગંતુક રીતે ગોઠવ્યા નથી, પણ એમણે એ તત્ત્વોને પોતાના વિવેક અને ક્રિયાશીલતાથી જીવનમાં પચાવી તેમાંથી પરસ્પર કલ્યાણકારી એક નવું જ ધાર્મિક દૃષ્ટિબિંદુ નિપજાવ્યું છે. મૂળભૂત વાત એ છે કે ગાંધીજી પર અહિંસા, કરુણા, અનેકાન્ત, શાકાહાર, વૈરાગ્ય અને સંયમ જેવી બાબતોમાં જૈન પરંપરાના આચારવિચારની પીઠિકા જોવા મળે છે. એ પીઠિકા પર ગાંધીવિચારની આખી ઈમારત ઊભેલી છે. આથી વિશ્વભરમાં ગાંધીવિચારના જે આંદોલનો જોવા મળે છે એના કેટલાક અંશોના મૂળ જૈન વિચારસરણીમાં પડેલા છે એટલું તો નિઃશંકપણે કહી શકાય. (૧૫૧) જૈનદર્શન અને ગાંધી વિચારધારા જૈનધર્મમાં પંચમહાવ્રત અને ગાંધી વિચારધારામાં એકાદશ વ્રત મહિમા - ડૉ. દીક્ષા એચ. સાવલા (જૈન ધર્મના અભ્યાસુ દીક્ષાબહેન ગુજરાત આર્ટ્સ કૉલેજ, અમદાવાદના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ છે અને તેમના ચાર પુસ્તકો પ્રગટ થયા છે.) મોક્ષપ્રાપ્તિની દૃષ્ટિએ રાગદ્વેષાદિમાંથી મુક્ત થવાને માટે વ્રતોની આવશ્યકતા સહેજે પ્રતીત થાય છે. વ્રતબદ્ધ જીવનથી અનેક પ્રકારની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ મનુષ્યમાં આપોઆપ પાંગરે છે અને એવી રીતે પાંગરેલી શક્તિઓનો વિવેકપૂર્વકનો ઉપયોગ વ્યક્તિ અને સમાજ બંનેને ઉદ્ધારક નીવડે છે. તેથી બંને દૃષ્ટિએ ગાંધીજી વ્રતપાલનને મહત્ત્વ આપતા. તેથી સામાજિક જીવનમાં પણ પોતાના સાથીઓમાં આત્મશુદ્ધિ, શિસ્ત અને ઉચ્ચ સેવાવૃત્તિનું નિર્માણ કરવા એમણે પોતાની સંસ્થાઓમાં વ્રતો દાખલ કર્યા. આ એકાદશ વ્રત એ ગાંધીજીના ધર્મદર્શન અંગરૂપ છે. આચાર્ય વિનોબાજીએ એમને આ રીતે સૂત્રબદ્ધ કર્યા : अहिंसा सत्य अस्तेय ब्रह्मचर्य असंग्रह । शरीरश्रम अस्वाद सर्वत्र भयवर्जन ॥ सर्व धर्मे समानत्व स्वदेशी स्पर्शभावना । हीं एकादश सेवावी नम्रत्वे व्रत निश्चये ॥ આ વ્રતો પૈકીના પહેલા પાંચ ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે. પ્રત્યેક મોક્ષાર્થીને માટે આ વ્રતોનું પાલન અનિવાર્ય ગણાય છે. પતંજલિના યોગસૂત્રમાં તેમને ‘યમ’ તરીકે ઓળખાવ્યા. યોગસૂત્ર પૂર્વે બુદ્ધ અને મહાવીરે પણ પોતાના (૧૫૨)

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94