________________
-
જૈનદર્શન અને ગાંધી વિચારધારા )
મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને મનિ સંતબાલજીના
સર્વધર્મ સમભાવ વિશેના વિચારો (સર્વ ધર્મ માનવસેવામાં સમાઈ જાય છે.)
- સોનલ પરીખ
(મહાત્મા ગાંધીજીના પાંચમી પેઢીએ વંશજ સોનલબહેન મણીભુવન’ ભારતીય વિદ્યાભવન તથા મુંબઈ સર્વોદય મંડળ સાથે સંકળાયેલા છે. તેમના ૧૫ પુસ્તકો પ્રગટ થયા છે.)
સર્વધર્મ સમભાવ એટલે ભારતની બધા ધર્મોને સમાન ગણતી વિશિષ્ટ વિભાવના. આ વિભાવનાનું મૂળ આપણને છેક વેદકાળમાં મળે છે. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના ઉપદેશોમાં, રમણ મહર્ષિ અને શ્રીમદ્ રાજચંદ્રના વિચારોમાં તેની જ ઝાંખી થાય છે. આ સૌ આપણે જેને ધર્મ કહીએ છીએ તેને પરમ ચેતનાને પામવાના વિવિધ માર્ગો ગણતા હતા, અને જુદા જુદા રૂપકોથી આ વાત સમજાવતા હતા. ભારત જેવા બહુધર્મી, બહુભાષી અને વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ ધરાવતા રાષ્ટ્રને એક રાખવા માટે સર્વધર્મ સમભાવ કેળવવો અનિવાર્ય છે, પણ આ વ્યાવહારિક મૂલ્ય જેવું ઉપયોગી છે તેટલું જ ઊંચું તેનું આધ્યાત્મિક મૂલ્ય છે.
સર્વધર્મ સમભાવ વિશેના મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને મુનિ સંતબાલજીના વિચારોને અહીં આપણે જોવાના છીએ.
સપ્ટેમ્બર ૧૯૩૦ માં સર્વધર્મ સમભાવ શબ્દનો પ્રયોગ મહાત્મા ગાંધીએ કર્યો હતો. બ્રિટિશ શાસનમાં વધતું જતું હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય જોઈ તેમણે પ્રજાને સર્વધર્મ સમભાવ કેળવવાની હાકલ કરી હતી, જેનો અર્થ થતો હતો - પોતાના તેમ જ અન્યના ધર્મનો સમાનભાવે, આદરપૂર્વક સ્વીકાર. આ
(૧૦૩)
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) પાયા પર ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષતાની નીતિ વણી લેવાઈ; જેમાં બધા ધર્મોનો સ્વીકારી કરતી પણ તેનાથી નિરપેક્ષ રહીને ચાલતી રાજય વ્યવસ્થાની હિમાયત કરવામાં આવી હતી.
મહાત્મા ગાંધીના પ્રબોધેલા અગિયાર મહાવ્રતમાંનું એક છે ‘સર્વધર્મ સરખા ગણવા.’ તેમણે પોતાના સત્યાગ્રહ, સર્વોદય, સ્વરાજ, સ્વદેશી, બુનિયાદી તાલીમ, ધન અને સત્તાનું વિકેન્દ્રીકરણ, ટ્રસ્ટીશીપ, સંવાદિતા, આર્થિક સમાનતા, લોકશાહી જેવા સિદ્ધાંતોમાં સર્વધર્મ સમભાવનો સમાવેશ કર્યો હતો. અંગ્રેજોએ ભારતમાં વાવેલા કોમી વિખવાદનું ભયાનક ભવિષ્ય તેમને દેખાયું હતું. સર્વધર્મ સમભાવ વડે તેઓ ભારત જેવા બહુધર્મી રાષ્ટ્રમાં કોમી સહિષ્ણુતા સ્થાપવા માગતા હતા. મહાત્મા ગાંધી માનતા કે માનવજાત ધર્મ, સમાજ, રાજકારણ વગેરેથી વહેંચાઈ શકે નહીં. માનવ-માનવ વચ્ચે દીવાલ ઊભી કરતી દરેક બાબતનો ઉકેલ આપવા તેઓ પ્રયત્નશીલ હતા. જૈમનૈતિક સંઘર્ષનો ઉકેલ અહિંસા અને અનાસક્ત કર્મ છે તેમ ધાર્મિક કટ્ટરતાનો ઉકેલ સર્વધર્મ સમભાવ છે તેમ તેઓ દૃઢપણે માનતા. નઈ તાલીમમાં સર્વધર્મ સમભાવની કેળવણીનો સમાવેશ હતો, તે ત્યાં સુધી કે તે સમયે ઘણા ગાંધીવાદી હિંદુઓ પોતાના સંતાનોના નામ મહંમદ, યુનુસ, અબ્દુલ વગેરે રાખતા. સમાજને સ્વસ્થ રાખવા માટે તેમણે આપેલા અસ્પૃશ્યતા નિવારણ, સર્વોદય, દારૂબંધી, સ્ત્રી સશક્તિકરણ, ખાદી, ગ્રામોદ્યોગ વગેરે રચનાત્મક કાર્યક્રમો આપેલા, જે કોઈપણ ધર્મ પાળતા ભારતીયને લાગુ પડતા હતા. ઉપરાંત, રાજકીય ક્ષેત્રે બૌદ્ધિકોનો સહભાગ, સત્તાનું વિકેન્દ્રીકરણ, ટ્રસ્ટીશીપ, સ્વદેશી, શ્રમ, ધનનું વિકેન્દ્રીકરણ આ બધું પણ દરેક ભારતીય માટે, ધર્મથી પર સિદ્ધાંતમૂલ્ય ધરાવે છે.
(૧૦૪)