________________
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
વિનોબાજીના ચિંતનમાં જૈન ધર્મની વિશેષતા
- ડૉ. ગીતા મહેતા
(ડૉ. ગીતાબહેન કે.જે. સોમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ઈન જૈનીઝમના પ્રોફેસર છે. તેમણે ‘સમણસુત્તમ' ના અનુવાદ અને સંપાદનનું કાર્ય કર્યું છે. અભ્યાસપૂર્ણ શોધપત્રો રજૂ કરે છે.)
પ્રસ્તાવના :
ગાંધીજીના શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક સાન્નિધ્યમાં ઉછરેલા વિનોબા માટે સર્વધર્મ-સમભાવની જ સમજણ ઘટે. તે મુજબ તેમણે સાહિત્ય રચના કરી, દરેક ધર્મના ઈશ્વર માટે વપરાતા નામોને સમાવીને નામમાળાની રચના કરી. જે આજે શાળાઓમાં અને ઘરોમાં પ્રાર્થના તરીકે ગવાય છે. નામમાળાની બીજી જ કડીમાં જૈન અને બૌદ્ધ ધર્મને સાંકળી લેવામાં આવ્યા
છે. ‘સિદ્ધ બુદ્ધ તેં સ્કંદ વિનાયક સવિતા પાવક તૂં.' શક્ય એટલા ધર્મ-પુસ્તકોનો સાર કાઢી લોકો સમક્ષ મૂક્યો. કુરાન-સાર, ખ્રિસ્તી-સાર, ધમ્મપદ, જપૂજી, ભાગવત્ ધર્મ સાર, નામ-ઘોષ સાર, ઋગ્વેદ સાર - આ બધા ધર્મ-પુસ્તકોને તેની મૂળ ભાષામાં વાંચી સર્વધર્મ સમન્વયની દૃષ્ટિએ એમણે તે તે પુસ્તકોનો સાર સમાજ સમક્ષ મૂક્યો. હિંદુધર્મનું સારરૂપ પુસ્તક ગીતા છે જ. સમણસુત્તમ્નું સંકલન :
વિનોબાજીને એક વાતનો વસવસો હતો કે જૈન આટલો પ્રાચીન ધર્મ
હોવા છતાં એનો કોઈ એક ધર્મગ્રંથ નથી. વિદ્વત્વર્ય જિનેન્દ્ર વર્ણીજીને આ વાત ઠીક લાગી અને એમણે ‘જિન-ધર્મ-સાર’ પુસ્તક તૈયાર કરી વિનોબાજીને બતાવ્યું, જૈન ધર્મના તથા અન્ય વિદ્વાનોને મોકલી આપ્યું. એના પર કેટલાક સુધારા-વધારા સૂચવવામાં આવ્યા. તેથી ચર્ચા માટે એક સંગીતિ બેસાડવાનો (૩૯)
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
વિનોબાજીએ આગ્રહ રાખ્યો અને તીર્થંકર મહાવીરના ૨૫૦૦ વર્ષના સંદર્ભમાં એક સંગીતિ બેઠી અને સમણસુત્ત્તનું સંકલન થયું. સંગીતિમાં મુનિ, આચાર્ય, અન્ય વિદ્વાન અને શ્રાવક વગેરે ગણીને કુલ ૩૦૦ વ્યક્તિ એકત્ર થયા હતા. સાત દિવસ આ સંગીતિ ચાલી અને હજાર વર્ષમાં નહોતું થયું એટલું મહાન કાર્ય પાર પડ્યું. સમણસુત્તમાં ૭૫૬ ગાથાઓ છે, ૭ નો અંક જૈનોને બહુ જ પ્રિય છે. ૭ x ૧૦૮ મળીને ૭પ૬ ગાથાઓ મળે છે.
સમણસુત્ત ગ્રંથમાં જૈનધર્મ-દર્શનની સારભૂત વાતોનું સંક્ષેપમાં ક્રમપૂર્વક સંકલન થયું છે. એમાં ચાર ખંડ છે અને ૪૪ પ્રકરણ છે. ગાથાઓનું ચયન પ્રાયઃ પ્રાચીન મૂળ ગ્રંથોમાંથી કરાયું છે. તેથી ‘સમણસુત્ત’ પણ ‘આગમ-વત્’ સ્વતઃ પ્રમાણ છે. મૂળરૂપે જૈન-સિદ્ધાંતનો, આચાર-પ્રણાલીનો, જીવનની ક્રમિક વિકાસ-પ્રક્રિયાનો પરિચય કરાવવા માટેનો પૂર્વસંમત પ્રાતિનિધિક ગ્રંથ છે. આ ગ્રંથની ગાથાઓનો અનુવાદ ગુજરાતી, મરાઠી, હિંદી, અંગ્રેજી, સંસ્કૃત, કન્નડ વગેરે ઘણી ભાષાઓમાં થયો છે, પરંતુ એનો પ્રચાર અપેક્ષા પ્રમાણે જેટલો થવો જોઈએ એટલો ન થયો. તેથી મને વિચાર આવ્યો કે આ ગ્રંથની ગાથાઓનો અન્વય કરી, એક એક શબ્દોને છૂટા કરી એનો અર્થ સમજાવી, એના પર ઉપલબ્ધ વિવેચન સાધકો અને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવા જોઈએ. સોમૈયા જૈન સેંટરમાં વિદ્યાર્થીઓને શીખવાડતાં એનો પ્રતિભાવ સારો આવ્યા
પછી આ રીતનું પુસ્તક તૈયાર કરવાનું બીડું ઝડપ્યું અને Saman - Suttam; A Comprehensive study ના હિંદી અને અંગ્રેજી વિવેચનો સાથે બે ખંડ તૈયાર થઈ ગયા છે. ત્રીજો અને ચોથો તૈયાર થઈ રહ્યો છે. આશા છે કે જૈન
સમુદાય આ ગ્રંથોનું અધ્યયન કરી તત્ત્વોનું ઊંડું ચિંતન કરશે.
(૪૦)