Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 62
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા રહેતા તેમણે આચરીને બતાવ્યું. ‘ભાજન ભેદ કહાવત નાના એક કૃત્તિકા રૂપરી.’ અર્થાત્ ભાજનભેદ જેમ જુદાં જુદાં તેમ ધર્મસ્થાનક ભલે જુદાં પણ માટી બધામાં એક જ હોય તેમ ધર્મના મૂળ સિદ્ધાંતો બધાના સમાન જ હોય. તેઓ દરેક કોમ અને જાતિના લોકો સાથે આત્મીયતાની દૃષ્ટિથી જોતા. માટે જ તેમના પ્રવચનો સાંભળી જૈનેતરો પણ આદર્શ જીવન જીવતા શીખ્યા. માનવતા એ ધર્મનો મૂળભૂત પાયો છે. જેમ જળ વિનાના સરોવરમાં તિરાડો પડી જાય છે, તેમ માનવતાવિહોણો ધર્મ અસ્ત-વ્યસ્ત બની જાય છે એમ તેઓ માનતા. આથી એમના સર્વ પ્રવચનો, લખાણો, વ્યાખ્યાનો અને ઉપદેશોમાં હંમેશાં માનવતાનો સૂર અવશ્ય પ્રધાનપણે ગૂંજતો રહેતો. તેમના મતાનુસાર જૈનધર્મમાં જેટલું મહત્ત્વ ક્રિયાકાંડ અને તપનું, એટલો જ મહિમા સેવા ધર્મનો વર્ણવાયો છે. પ્રભુ મહાવીરની છેલ્લી દેશના એટલે ઉત્તરાધ્યયન સૂત્રમાં આ જ વાત કહી છે કે, માણસ પહેલા મનુષ્યત્વ પ્રાપ્ત કરે, માનવધર્મ પામે પછી જ યથાર્થ સાંભળનારમાં ઉત્તમ પ્રકારની આત્મશ્રદ્ધા પ્રગટે છે. એવો શ્રદ્ધામય પુરુષ જ મોક્ષમાર્ગ તરફ ગતિ કરી શકે છે. તેથી જ માનવતા આધ્યાત્મિકતાનો એકડો છે, એવું તેઓ દૃઢપણે માનતા, કારણ કે સ્વધર્મઆત્મધર્મનો પાયો માનવધર્મ જ છે. ‘માત્ર માનવ માનવ વચ્ચે જ નહીં પણ સમસ્ત વિશ્વ સાથે પ્રેમની સાંકળ સાધે તે ધર્મ' ગાંધીજીના આ વાક્યનો યથાર્થ મર્મ તેઓ બરાબર સમજ્યા હતા. માનવજાતની સેવા માટે તેમણે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. પ્રાણી માત્ર પ્રત્યે તેઓ અનુકંપા અને કરુણા ધરાવતા હતા. તેમને સર્વ પ્રાણીઓમાં પ્રભુ અને પ્રભુમાં પ્રાણીમાત્રના દર્શન થતા હતા. ‘જનસેવા એ જ પ્રભુની સેવા’ તેમના જીવનનો મહામંત્ર હતો. (૧૨૩) જૈનદર્શન અને ગાંધી વિચારધારા પૂજ્ય શ્રી નાનચંદ્રજી મહારાજે એક મહાન રાષ્ટ્રસંતનું પણ નિર્માણ કર્યું. આધ્યાત્મિક સાધના તથા પ્રભુ મહાવીરના સિદ્ધાંતોને જીવનમાં સાક્ષાત્ કરનાર ક્રાંતિકારી ગુરુના શિષ્ય પણ ક્રાંતિકારી જ હોય. એવા મુનિ શ્રી સંતબાલજી તેમના શિષ્ય હતા. જેમણે રાષ્ટ્રની નાડ પારખી ગામડાઓને આધાર માની ગુરુદેવની જે ભાવના હતી તેને સાકાર રૂપ આપવા માટે ધર્મમય સમાજ રચવા કટિબદ્ધ થયા, પરંતુ પૂજ્ય સંતબાલજીની સાધુવેશમાં ક્રાંતિકારી વિચારસરણી સમાજ અપનાવી શક્યો નહિ. પરિણામે તેઓને ગુરુદેવથી અલગ થવું પડ્યું. જૈન સાંપ્રદાયિક વેશધારી સાધુ આવી વિશ્વવ્યાપક કર્તવ્યપ્રેરણા અને ઉપદેશ આપે તે સાંપ્રદાયિક મમત્વવાળા રૂઢિગત પરિબળોમાં ઉહાપોહ જગાવે એ નિર્વિવાદ હતું, પરંતુ આવા પ્રચાર અને પ્રયત્નો સામે પૂજ્યશ્રી નાનચંદ્રજી મહારાજે લાક્ષણિક રીતે પ્રેમવર્ષણ કર્યું. તેમજ અંત સુધી સંતબાલજી પ્રત્યે અમીદષ્ટિ રાખી. પૂજ્ય સંતબાલજીએ ભાલનળકાંઠા વગેરે અનેક સ્થળોએ રચનાત્મક કાર્ય દ્વારા અનેકના હૃદય પરિવર્તન કરી સન્માર્ગે વાળ્યા. વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ દ્વારા સમાજોપયોગી કલ્યાણકારી પ્રવૃત્તિઓ ચાલુ કરી. આજે પણ ચીંચણમાં મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સમાજકલ્યાણનો પ્રેરક સ્થંભ બની માર્ગદર્શન આપી રહ્યું છે. પૂજ્ય નાનચંદ્રજી એક ક્રાંતિકારી સાધુ હતા. જ્યારે જ્યારે તેમના અંતરમાંથી અનાહત નાદનો રણકો ઊઠે ત્યારે ત્યારે તુરંત જ તેઓ પ્રયત્નપૂર્વક તેનો અમલ પણ કરતા. વર્તમાન યુગને અનુસરીને આગેકૂચ કરતા. ગ્રામાનુગ્રામ વિચરીને સમાજને માનવતાના પાઠોનું અમૃતપાન કરાવતા. સમાજ અને રાષ્ટ્રના હિત માટે ગાંધીજીની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપતા. ‘સર્વજન હિતાય’ માટે વિવિધ વિષયો પર ગાંધીજી સાથે વાર્તાલાપ, ચર્ચા (૧૨૪)

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94