________________
સ૦ સુખનો ભંડાર એવો આત્મા છે તો તે દુ:ખ શા માટે વેઠે ? આત્મા એ સુખનો ભંડાર છે એ વાત સાચી, પણ તે કયો આત્મા ? શુદ્ધ કે અશુદ્ધ ? કર્મરહિત આત્મા સુખનો ભંડાર છે, કર્મયુક્ત આત્મા તો દુ:ખી રહેવાનો જ. જે સિદ્ધના આત્માનું સ્વરૂપ છે તે અત્યારે આપણું માની બેસીએ – એ ચાલે ? આ તો ઘરે ચામાં નાંખવા માટે સાકર ન હોય અને અમેરિકાના અર્થતંત્રની વાતો કરે - એના જેવી દશા છે ને ? કર્મ જ્યાં સુધી છે ત્યાં સુધી સુખ ક્યાંથી મળે ? ગુણરહિત બનીને સુખ ખંખેરવાની વૃત્તિ કાઢી નાંખો. કર્મરહિત બનવા માટે સંસારના સુખની લાલચ છોડવાનો પ્રયત્ન કરવાની જરૂર છે.
સ૦ આત્મામાં સુખની યોગ્યતા તો પડી જ છે ને ?
તેથી જ તો આટલો પુરુષાર્થ ચાલુ છે. પણ એનો અર્થ એ નથી કે અત્યારથી સુખ ભોગવવા માંડયું. સુખ ભોગવવાની યોગ્યતા તો કર્મ ગયા પછી પ્રગટશે. ત્યાં સુધી તો દુ:ખ ભોગવવું જ પડશે. યોગ્યતા વિકસાવવી હોય તો પહેલાં પોતાની જાતને અયોગ્ય માનવા માંડો. જ્યાં સુધી કર્મો પડ્યાં છે ત્યાં સુધી આપણે સુખ ભોગવવા માટે અયોગ્ય છીએ. સાધુપણું કર્મોની નિર્જરા કરવા માટે છે, સુખ ભોગવવા માટે નિહ. એક વાર આચાર્યભગવંતે કહ્યું હતું કે - આજે તો સાધુસાધ્વી દીક્ષા લીધી એટલે સિદ્ધાવસ્થા આવી ગઈ - એમ સમજીને જીવવા લાગ્યાં છે ! દીક્ષા લીધી એટલે કામ પૂરું નથી થતું, શરૂ થાય છે. નોકરી મળે એટલે કામ પૂરું થયું કે શરૂ થાય છે ? સાધનાની શરૂઆતમાં જ સાધનાનો વિરામ આવ્યો હોય - એ રીતે વર્તે : એ ચાલે ? આ ચોથું અધ્યયન સાધુસાધ્વીને માટે અત્યંત મહત્ત્વનું છે. આજે શ્રાવકોને કાંઈ ન કહીએ, પણ સાધુસાધ્વીને કહ્યા વિના ચાલે એવું નથી. કારણ કે સાધુસાધ્વીજી તો સમસ્ત સંસારનો ત્યાગ કરી સાધના કરવા માટે નીકળેલાં છે.
સ૦ અમે આપને ગુરુ બનાવ્યા હોય તો અમને કહો ને ?
તમે અમને ગુરુ બનાવો ત્યારે કહીશું, પણ તમે ગુરુને બનાવ્યા કરો તો કોઈ ગુરુ તમારી ખબર નહિ લે. સાધનાની પૂર્વતૈયારી ગૃહસ્થપણામાં થાય, પરંતુ સાધનાની શરૂઆત તો સાધુપણામાં જ થશે. તેથી જે કાંઈ પ્રયત્ન કરો તે સાધુ થવા માટે કરો.
(૪)
નિક્ષેપટ્ટાર પછી પ્રરૂપણાાર જણાવ્યું છે. તેમાં જીવો કેટલા પ્રકારના છે, કેવા છે અને ક્યાં રહેલા છે તે જણાવ્યું છે. સૂક્ષ્મ તથા બાદર : એમ બે પ્રકારના જીવો છે. સૂક્ષ્મનામકર્મના ઉદયના કારણે જે જીવો છેદન-ભેદનાદિ કોઈ વ્યવહારમાં આવતા નથી તેમને સૂક્ષ્મ કહેવાય છે, જ્યારે બાદર જીવો તો
બાદરનામકર્મના ઉદયના યોગે છેદનાદિ દરેક પ્રકારના વ્યવહારને યોગ્ય હોય છે. આ સૂક્ષ્મ કે બાદર જીવો ચૌદ રાજલોકમાં છે, લોકની બહાર અલોકમાં કોઈ જીવતત્ત્વનું અસ્તિત્વ નથી. સૂક્ષ્મ અને બાદર : આ બન્નેના પર્યાય અને અપર્યામ એમ બે પ્રકાર છે. સૂક્ષ્મજીવો ચૌદે ય રાજલોકમાં ઠાંસી-ઠાંસીને રહેલા છે. બાદર જીવો સમસ્ત લોકમાં નથી, કોઈ સ્થાને સૂક્ષ્મજીવો હોવા છતાં બાદર જીવો હોતા નથી. આ રીતે અનંતાનંત જીવોથી ભરેલા આ સંસારમાં એકમાત્ર ભગવાનની આજ્ઞા ન માનવાના કારણે એ જીવોને આપણે દુ:ખ આપવાનું કામ કરીએ છીએ. આપણે અશુદ્ધ હોવાથી બીજાને દુ:ખી કરીએ છીએ, એક વાર આપણે શુદ્ધ બની જઈએ તો આપણા તરફથી તે જીવોને દુઃખ આપવાનું ન બને. આ સંસારમાં બીજાને દુઃખ આપ્યા વગર જિવાય એવું નથી - માટે આ સંસારનો ત્યાગ કરવાનું ભગવાને કહ્યું છે. આપણા મનવચનકાયાના યોગે બીજાને દુ:ખ આપવું ન પડે તે માટે દુ:ખ વેઠી લેવા અને સુખ છોડવા તૈયાર થઈ જવું છે. આ સંસારમાં એક વસ્તુ એવી નથી કે જે આપણે ભોગવી ન હોય અને એક પણ વસ્તુ એવી નવી નથી આવવાની કે જે ભોગવી ન હોય. જે સુખ બીજાને દુઃખ આપ્યા વિના ભોગવાતું નથી અને જે સુખ અનંતીવાર ભોગવ્યું છે – એવા સુખ માટે આ સંસારમાં રહેવાનું કામ શું છે ? દુઃખ ટાળવાનો ઉપાય ડોક્ટરો બતાવે પણ દુ:ખ વેઠવાનો ઉપાય તો ગુરુ જ બતાવે. ઓઘજીવનું સ્વરૂપ આ જ આશયથી બતાવ્યું છે, કે જેથી ‘અનાદિકાળથી આ સંસારમાં રહેલા આપણે દરેક પ્રકારના ભોગો અનેક વાર ભોગવ્યા છે' - એવું સમજાય તો ભોગોની ઇચ્છા નાશ પામે. વિ.સં. ૨૦૨૫ ની સાલમાં આચાર્યભગવંત (પ.પૂ.આ.ભ.શ્રી.વિ. રામચંદ્રસૂ.મ.) શ્રી અનુયોગદ્ગારસૂત્ર ઉપર વાચના આપતા હતા. તે વખતે અમે તો નાના હતા, તેથી સૌથી છેલ્લે બારી પાસે બેસતા. મોટાઓને લગભગ દરેક રીતે વેઠવાનું આવે, દ્રવ્યથી પણ ગરમી વેઠવી પડે અને ભાવથી પણ ગરમી વેઠવી પડે. તે વખતે વાચનામાં દ્રવ્યાનુયોગના પદાર્થો આવે ત્યારે અમે મશ્કરી કરતા, કારણ કે એમાં રસ પડતો ન હતો. દ્રવ્ય,
(૨૫)