________________ જાય તો પણ તેની ચિંતા નથી, કારણ કે તે દ્રવ્યવિરાધના હોવાથી વસ્તુતઃ અવિરાધના જ છે. દ્રવ્યવિરાધના અને ભાવવિરાધનાની વાત એટલા માટે કરી છે કે જેથી આજીવનિકાયની હિંસા વિના જીવવાનું અશક્ય છે - એમ માનીને કોઈ આ માર્ગની ઉપેક્ષા કે અવિશ્વાસ ન કરે. જીવ મરે તે વિરાધના નથી. પ્રમાદના યોગે જે કાંઈ વર્તન થાય તે વિરાધનામાં ગણાય છે. જીવને મારવાનો પરિણામ એ હિંસા છે અથવા જીવને બચાવવાનો પરિણામ ન હોય તેનું નામ હિંસા છે. આવા પ્રકારના કથનથી; કેટલાક દર્શનકારોએ જૈનદર્શન ઉપર જે આક્ષેપ કરેલો કે - ‘તમારે ત્યાં તો પાણીમાં જીવ છે, પૃથ્વીમાં જીવ છે, પવનમાં જીવ છે, દરેક ઠેકાણે જીવ છે, તો જીવથી વ્યાસ એવા આ લોકમાં ભિક્ષ અહિંસક કઈ રીતે રહી શકે ?' તેનું પણ નિરાકરણ થઈ જાય છે. અહિંસાધર્મ અસંગત છે - એવું જે કહે છે તે ખોટું છે. કારણ કે જીવ ન મરે તે અહિંસા નથી, જીવ મરે નહિ - એવી અપ્રમત્તપણે કરેલી યતના તેનું જ નામ અહિંસા છે અને ચૌદરાજલોકમાં જે ઠાંસી-ઠાંસીને જીવો ભરેલા છે તે સૂમ જીવોની તેવા પ્રકારની વિરાધનાનો સંભવ નથી, તેથી કોઈ જ દોષ નથી. આરાધના કરતાં પણ અવિરાધના મહત્ત્વની છે. આ વિરાધનાથી બચવા માટે જીવાજીવનું સેમ્યજ્ઞાન, તત્ત્વ પ્રત્યેની રૂચિ અને યતના : આ ત્રણ ગુણો આત્મસાત્ કરવા જરૂરી છે. જ્ઞાન, રુચિ અને યતનાનો પરિણામ જાગ્યા પછી પણ પ્રમાદ જોર કરે તો વિરાધનાથી બચવાનું શક્ય નથી. તેથી સમ્યગ્દર્શન અને યતનાને પામ્યા પછી પણ અપ્રમત્તદશા કેળવવા માટે પ્રયત્નવિશેષ કરવાની જરૂર છે. આ અધ્યયનમાં જે માર્ગ બતાવ્યો છે તેને આત્મસાત્ કરી લઈએ તો એકબે ભવમાં મુક્તિ નિશ્ચિત થઈ જાય. આ માર્ગની અવિરાધનાપૂર્વકની આરાધના માટે અમે પ્રયત્નશીલ બની રહીએ અને તમે ‘આવી અવસ્થા ક્યારે પામીએ ?' એવા ભાવમાં રમતા થાઓ અને યથાશક્તિ તે માટે પ્રયત્નશીલ રહો તો તમારું અને અમારું કલ્યાણ થયા વિના ન રહે. અંતે આપણે સૌ આ માર્ગને અનુસરવા દ્વારા વહેલી તકે પરમપદે પહોંચી જઈએ - એ જ એક શુભાભિલાષા. (180)