________________
બની સિદ્ધિગતિરૂપ ક્ષેત્રને પામે છે ત્યારે તે ત્રણે લોકના મસ્તકરૂપી ઊર્ધ્વભાગમાં રહેલ શાશ્વત એવા સિદ્ધ થાય છે. કર્મરૂપી બીજનો અભાવ થવાથી ફરી સંસારમાં ઉત્પન્ન થવાનો સ્વભાવ ન રહેવાથી તે આત્મા શાશ્વત એટલે કે સદા કાળ માટે સિદ્ધ થાય છે.
આ રીતે છઠ્ઠો ફલાધિકાર પણ પૂર્ણ થયો. આ ચારિત્રધર્મ અને એનું ફળ આટલું ઉત્તમ છે તો તે ચારિત્ર લેવું કઈ રીતે અને પાળવું કઈ રીતે કે જેથી તે સારી રીતે વહેલી તકે ફલસાધક બને તે હવે જણાવે છે. આ ચારિત્રધર્મ અને તેના લાધિકારને સાંભળીને કોઈને એવી શંકા થાય કે સાધુપણું આટલું સરસ છે તો બધાં સાધુસાધ્વી મોક્ષે કેમ નથી જતાં ? જો બધાનો મોક્ષ ન થતો હોય તો ચોક્કસ માનવું રહ્યું કે આ ધર્મનું પાલન અને તેનું ફળ દુર્લભ છે તેથી આ ધર્મનું ફળ કોને દુર્લભ છે અને કોને સુલભ છે – તે હવે જણાવે છે. શાસ્ત્રકારોએ કોઈના ચારિત્રની ટીકા નથી કરી. પરંતુ કયું ચારિત્ર ટીકાપાત્ર બને છે અને કયું ચારિત્ર પ્રશંસાપાત્ર બને છે એ તો જણાવવું જોઈએ ને ? આ ઉત્તમ ફળ બધાને કેમ નથી મળતું, તેમાં તેમની ક્યાં ભૂલ થાય છે અને એ ફળને પ્રાપ્ત કરવા માટે કયા દોષો ટાળવા જોઈએ અને કયા ગુણો મેળવવા જોઈએ તે જણાવવા માટે આગળની ગાથાઓ છે :
सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स । उच्छोलणापहोअस्स, दुलहा सुगई तारिसगस्स ||२६||
तवोगुणपहाणस्स, उज्जुमइ खंतिसंजमरयस्स । परीसहे जिणंतस्स, सुलहा सुगई तारिसगस्स ||२७||
पच्छा वि ते पयाया, खिप्पं गच्छंति अमरभवणाई । जेसिं पिओ तवो संजमो अ खंती अ बंभचेरं च ||२८||
જે દ્રવ્યથી પ્રવ્રુજિત થયેલો એવો સાધુ સુખાસ્વાદક છે, શાતામાં જ આકુળ છે, નિકામશાયી છે અને ઉચ્છોલનાપ્રધાવી છે તેવા ભગવાનની આજ્ઞાના લોપક એવા સાધુને સિદ્ધિગતિસ્વરૂપ મોક્ષ છે અંતમાં જેના એવી સુગતિ દુર્લભ છે. જે સાધુ તપરૂપ ગુણને પ્રધાન ગણીને આચરે છે, જે ઋજુમતિ છે અર્થાત્ જેની
(૧૭૬)
મતિ માર્ગાનુસારી છે, જે ક્ષમાપ્રધાન એવા સંયમધર્મનું આસેવન કરવાના સ્વભાવવાળો છે અને જે ક્ષુધાદિ પરિષહોનો પરાભવ કરવામાં તત્પર છે તેવા ભગવાનની આજ્ઞાને પાળનારા સાધુને સિદ્ધિગતિ સ્વરૂપ સુગતિ સુલભ છે. સુખાસ્વાદક તેને કહેવાય કે જે મળેલાં સુખોને અત્યંત આસક્તિથી ભોગવે જરૂરિયાત હોય તેથી લેવું તેને વાપર્યું કહેવાય, ભાવે-ફાવે એવું લેવું તેને સ્વાદ કહેવાય અને આસક્તિથી માણવું તેને આસ્વાદ કહેવાય. સાધુપણામાં પ્રાપ્ત થનારાં આહારવસ્ત્રપાત્રવસતિ વગેરેનાં સુખોને જે અભિષ્યંગથી-અતિરાગથી ભોગવે છે તેને ચારિત્રનું ફળ નથી મળતું. પુણ્યથી મળેલાં સુખોને સ્વાદથી માણે તેને સાધુપણું પણ દુર્લભ છે અને સાધુપણાનું ફળ પણ દુર્લભ છે. એક બાજુ સાધુને સુખાસ્વાદક કહેવા અને બીજી બાજુ શ્રમણ કહેવા : એ બેમાં પરસ્પર વિરોધ આવે, તેથી ટીકામાં ‘શ્રમણ’નો અર્થ ‘દ્રવ્યસાધુ’ કર્યો છે. જે સાધુને જ્ઞાનનો રસ હોય તેનો સુખનો રસ સુકાયા વિના ન રહે. સમ્યગ્દર્શન પામ્યા પછી પણ સુખનો રસ ન સુકાય ત્યાં સુધી ચારિત્રપાલન દુષ્કર છે. શ્રદ્ધા અને ચારિત્ર વચ્ચેનું કોઈ માધ્યમ હોય તો તે જ્ઞાનનો રસ છે. આ જ્ઞાનના રસને સૂકવી નાંખે એવો સુખનો રસ છે. તમારે ત્યાં પણ આ જ હાલત છે ને ? અર્થકામનો રસ જાગે તો જ્ઞાનનો રસ સુકાઈ જાય ને ? ભણતાં ભણતાં પાર્ટટાઇમ જોબ કરનારા જોઈએ એટલા છે, પણ જોબ કરતી વખતે પાર્ટટાઇમ ભણનારા મળે ? સુખનો રસ ભયંકર છે, તેથી તેને વહેલી તકે સુકવવો છે. સુખના રસિયા ભગવાનની આજ્ઞાનો લોપ કર્યા વિના રહેતા નથી. ત્યાર બાદ જણાવે છે કે - શાતામાં આકુળ તેને કહેવાય કે જેનું ચિત્ત ભવિષ્યમાં શાતા મળે એવી વિચારણા, આયોજનથી વ્યાક્ષિસ હોય. મળેલા સુખને ભોગવી તેમાં તૃપ્ત થઈ તેને બાજુએ મૂકે તેવાને હજુ નભાવાય, પરંતુ ભવિષ્યમાં શાતા ભોગવવા મળે એવી આશાથી જેનું ચિત્ત આકુળવ્યાકુળ બન્યું હોય તે સાધુપણું કઈ રીતે પાળી શકે ? ભગવાને કહ્યું છે કે સુખનો પડછાયો પણ નથી લેવો; સુખ મળતું હોય, શાતા મળતી હોય તોપણ ભોગવવી નથી એના બદલે શાતાની પ્રાપ્તિમાં જ જેનું ચિત્ત ચોંટ્યું હોય તેની શી દશા થાય ? સાધુભગવંતને સુખનો પડછાયો લેવાની ના પાડી, તમે સુખના ઢગલામાં બેસો તો ચાલે ને ? આજે સગા દીકરાને ભોગસુખથી દૂર રાખનારા, નિયંત્રણમાં રાખનારા; પોતાના આત્માને ભોગસુખથી દૂર રાખવા માટે કોઈ પ્રયત્ન ન કરે –
(૧૭૭)