Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 81
________________ પાછા ચોથે માળે આવે, વળતાં પાંચમે માળે વંદન કરતા આવીએ – એવું નહિ. અમે તો સવારે સ્થંડિલ જઈએ ત્યારે વળતાં વંદન કરી આવીએ. જ્યારે તેઓશ્રી ચોથે માળે આવીને પાછા વંદન-રાઇમુહપત્તી કરવા માટે પાંચમે માળે ચઢે. પાછું એમ પણ નહિ કે નવકારશી વખતે વાપરવા માટે જઈશુ ત્યારે વંદન કરી લઈશું. પાછા વાપરીને નીચે આવે અને વ્યાખ્યાન માટે જતી વખતે ગુરુને પૂછીને જવાનું તેથી વ્યાખ્યાન પહેલાં આજ્ઞા લેવા માટે પાછા ઉપર ચઢે. વાપરીને ઊતરતી વખતે વ્યાખ્યાનની રજા લેતા ઊતરવું – એવું ય નહિ. જે ક્રિયા જે કાળે કરવાની હોય ત્યારે જ કરવી અને તે વિનયપૂર્વક કરવી : એ યતના જાળવવાનો ઉપાય છે. આજે આવો વિનય જોવા મળે ? મહાપુરુષની મહાપુરુષતા પાછળ આ વિનયનું બળ કામ કરતું હોય છે. મહાપુરુષો આકાશમાંથી નથી આવતા, તેમનો જન્મ વિનયમાંથી થાય છે. સમર્થ જ્ઞાન, સમર્થ પુણ્ય, સમર્થ પરિવાર છતાં આવો વિનય સાચવવાનું કામ સહેલું નથી. તેઓશ્રીના હૈયામાં શાસન અને ગુરુ પ્રત્યેનું બહુમાન ઠાંસી-ઠાંસીને ભરેલું હતું. આજે યતના કે અયતનાનું જ્ઞાન નથી તેથી અયતનાનો ત્યાગ અને યતનાનું પાલન નથી થતું – એવું નથી. જ્ઞાન તો નવ્વાણું ટકા સાધુસાધ્વીને છે, પરંતુ એ જ્ઞાન પચ્યું નહિ, પરિણામ પામ્યું નહિ તેથી અયતના જીવનમાંથી નાબૂદ થતી નથી. ગુરુના ઉપદેશથી સૂત્રાજ્ઞાનુસારી જે શિસ્તબદ્ધ જીવન જિવાય છે તે આપણા માટે આશીર્વાદરૂપ છે. કામ બધું આપણે કરવાનું, પણ જવાબદારી આપણી એકે નહિ, આપણે છૂટાને છૂટા. જે ગુરુની આજ્ઞાથી બંધાય તેને માથે કોઈ જાતનો ભાર રહે જ નહિ તેથી મુક્તતાનો અનુભવ થાય. ગુરુને પૂછીને, ગુરુના ઉપદેશથી કર્યું હોય તો બધી જવાબદારી ગુરુની. અને આપણી ઇચ્છાથી કરીએ તો બધી જવાબદારી આપણી પોતાની ! આવી મૂર્ખાઈ કોણ કરે ? ગુરુની નિશ્રામાં રહેવું હોય તો ગુરુનો તાપ વેઠવો પણ પડે. ગુરુના નામનું અને શાસનના નામનું પુણ્ય બધું પચાવી પાડવું અને ગુરુનો તાપ વેઠવા તૈયાર ન થવું – એ ચાલે ? ગુરુનો ઉપદેશ અને સૂત્રાજ્ઞા આ બેનો મેળ જામે તો જ જયણા સચવાશે, નહિ તો અજયણા આવવાની જ. જે જેમ ચાલવાનું જયણાપૂર્વક છે તેમ ઊભા રહેવાનું પણ જયણાપૂર્વક કરવાનું છે. પવન આવે તેવી જગ્યાએ, બારીમાં તેમ જ લીલી વનસ્પતિ વગેરે ઉપર ઊભા ન રહેવાય. જો ઊભો રહે તો અયતનાના કારણે ક્લિષ્ટ કર્મનો બંધ કરે. (૧૫૮) સ૦ બારી પાસે ઊભો રહે, પણ પવનમાં શાતા ન અનુભવે, અધ્યવસાય ન ભેળવે તો ચાલે ને ? અધ્યવસાયની વાત તમને ફાવે ત્યારે લેવા માટે નથી. પ્રવૃત્તિનું નિવારણ કોઈ પણ રીતે શક્ય ન બને ત્યારે આત્માને બચાવવા માટે અધ્યવસાય ન ભેળવવાની વાત છે. તમને પ્રવૃત્તિ ટાળવી ન પડે માટે અધ્યવસાયમાં ચાલ્યા જાઓ એ ન ચાલે. જમાડતી વખતે પ્રવૃત્તિ ઓછી-વધતી હોય પણ અધ્યવસાય સારો હોય તો ચાલે ? રોટલી ભાવથી પીરસી હોય પણ કડક હોય, દાળ દાઝી ગઈ હોય, ભાત કાચા રહ્યા હોય તો ખાવું ફાવે ને ? જે દિવસે આવું ખાવું ફાવે ત્યારે અધ્યવસાયની વાત કરજો ! ત્યાં જેમ ભાવ સાથે પ્રવૃત્તિને મેળ છે તેમ અહીં પણ પ્રવૃત્તિ અને ભાવનો મેળ જામે તો વિનય આવ્યા વિના ન રહે. તમે વિનય કરો એ તમારા હિત માટે છે, બાકી અમારે આવી કોઈ અપેક્ષા નથી. જેને સુધરવું છે, તેના માટે વાત છે; બાકીનાની તો અમે ઉપેક્ષા કરીશું. અયોગ્ય જીવો માટે ઉપેક્ષાજેવું એકે ઔષધ નથી. યોગ્યને કહેવું, અયોગ્યને કાંઈ ન કહેવું. એક વાર ઉપેક્ષા કરીએ તો ચાર દિવસે, આઠ દિવસે ઠેકાણું પડે. થોડી પણ યોગ્યતા પડી હશે તો તેને ગુરુની ઉપેક્ષાથી અકળામણ થયા વિના નહિ રહે. બાકી જે ઉપેક્ષાને પણ પચાવી લે તેના માટે કોઈ ઔષધ નથી. અયોગ્યને વારંવાર ટપારવામાં કોઈ લાભ નથી. કદાચ તેમાં દેખીતી રીતે પ્રવૃત્તિ સુધરી હોય, સંબંધ સુધર્યા હોય એવું લાગે. પરંતુ એ તો દ્રવ્યએકતા છે. કારણ કે એમાં હૈયું સુધરતું નથી. સ્વાર્થ ખાતર સંબંધ સુધારવા એ તો દ્રવ્યએકતા છે; આજ્ઞા ખાતર સંબંધ ન બગાડવા એ ભાવએકતા છે, જેને ગુરુની જરૂર હોય તેના માટે આ હિતશિક્ષા છે. ગુરુએ તમને મોક્ષે પહોંચાડવા માટે દીક્ષા નથી લીધી, તમારે મોક્ષે જવું હોય તો ગુરુ માર્ગ બતાવશે. ગુરુભગવંત તો ધર્માસ્તિકાયની જેમ સહાય કરે. જેને ચાલવું હોય તેને ધર્માસ્તિકાય સહાય કરે, બાકી ધર્માસ્તિકાયના કારણે તમે ચાલવા માંડો – એવું નહિ ને ? તેમ જેને મોક્ષે જવું હોય તેને ગુરુ સહાય કરે, જેને મોક્ષે જવું જ ન હોય તે ગુરુના કારણે મોક્ષે પહોંચી જાય : એવું તો ક્યારે ય ન બને. ચિત્રમુનિના જીવે બ્રહ્મદત્તચક્રવર્તીની ઉપેક્ષા કેવી કરી હતી ? પહેલાં ઘણું સમજાવ્યું. સાધુ ન થવાય તો શ્રાવકપણાનાં, માર્ગાનુસારીપણાનાં કર્તવ્યો કરવાનું જણાવ્યું. પણ જ્યારે ચક્રવર્તીએ કહ્યું કે ‘નીર અને તીરથી ઉભયથા ભ્રષ્ટ થયેલા કાદવમાં ખૂંચેલા હાથી જેવી મારી દશા છે.' (૧૫૯)

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92