Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 85
________________ जयं चरे जयं चिट्टे जयमासे जयं सए । जयं भुंजंतो भासंतो पावं कम्मं न बंधड़ ||८|| કઈ રીતે ચાલે, કઈ રીતે ઊભો રહે, કઈ રીતે બેસે, કઈ રીતે સૂઈ જાય, કઈ રીતે આહાર કરે અને કઈ રીતે બોલે તો પાપ-કર્મ ન બંધાય ? આચાર્યભગવંત કહે છે કે જયણાપૂર્વક ચાલે, જયણાપૂર્વક ઉભો રહે, જયણાપૂર્વક બેસે, જયણાપૂર્વક સૂએ, જયણાપૂર્વક આહાર કરે અને જયણાપૂર્વક બોલે તો પાપકર્મ ન બંધાય. જયણાપૂર્વક ચાલવું એટલે સૂત્ર-શાસ્ત્રમાં જે ઉપદેશ આપ્યો હોય અર્થાત્ જે ક્રિયાઓ કરવાનું વિધાન શાસ્ત્રમાં કર્યું હોય તે ક્રિયા માટે જ જવું અને જતી વખતે ઈર્યાસમિતિનું પાલન કરવાપૂર્વક જવું. જે ક્રિયા શાસ્ત્રવિહિત નથી તેવી ક્રિયા માટે ઇર્યાસમિતિનું પાલન કરવાપૂર્વક ચાલવામાં આવે તોપણ યતના સચવાતી નથી. અયતનાનું ફળ જણાવતાં આ વાત જણાવેલી, છતાં યતનાના પાલન વખતે આ વાત ફરી યાદ કરાવી છે, કારણ કે શાસ્ત્રવિહિત ક્રિયાઓ કરવી, એના પર ભાર આપવો છે. જ્ઞાન, દર્શન કે ચારિત્રની આરાધના માટે જવું તે સૂત્રોપદેશ. તે સિવાયના કાર્ય માટે સાધુ ન જાય. સ૦ કોઈને સમાધિ આપવા જવાય ? જવાય, પણ ક્યારે ? દર્દી ભાનમાં હોય - શુદ્ધિમાં હોય ત્યારે. આખી જિંદગી જેણે સમાધિમાં કાઢી હોય તેને મરતાં સમાધિ આપવી ન પડે. એક વાર દુ:ખ વેઠવાનો અધ્યવસાય કેળવી લઈએ તો સમાધિ આપોઆપ મળશે. દવા લીધા વિના સમાધિ રહેતી હોય તો દવા પણ લેવી નથી. દવા ચારિત્રની પુષ્ટિ માટે નથી તેમ જ શરીરની પુષ્ટિ માટે પણ નથી. અસહિષ્ણુતાના કારણે દવા લેવાનો વખત આવે છે. આહાર જેમ સંયમની પુષ્ટિ માટે છે તેમ દવા સંયમની પુષ્ટિ માટે નથી. સંયમની પુષ્ટિ તો રોગ સહન કરવાથી થાય છે. રોગ થયા પછી સૌથી પહેલાં આહારમાં ફેરફાર કરવો. હિત-મિત-પથ્ય આહાર લેવા છતાં ફરક ન પડે અને રોગ અસહ્ય બને તો અપવાદપદે દવા લેવી. અપવાદ સંયમને ટકાવવા માટે છે, સંયમની પુષ્ટિ માટે નહિ : એટલું યાદ રાખવું. એ જ રીતે યતનાપૂર્વક ઊભા રહેવું કે બેસવું એટલે હાથપગ વગેરે અંગોપાંગ સંકોચીને ઉપયોગપૂર્વક બેસવું. યતનાપૂર્વકની નિદ્રા એટલે પ્રતિક્રમણ કર્યા બાદ સ્વાધ્યાય કરીને પછી ઉપયોગપૂર્વક સૂવું. યતનાપૂર્વકનું ભોજન એટલે છ કારણ ઉપસ્થિત થાય ત્યારે જ વાપરવું, પ્રણીત આહાર ન લેવો, પ્રમાણોપેત એટલે કે પુરુષોએ બત્રીસ કોળિયા જેટલો અને સ્ત્રીઓએ અઠ્યાવીસ કોળિયાથી વધુ આહાર ન લેવો. તેમ જ સંયોજના કર્યા વિના આહાર લેવો. દરેક વસ્તુ એકલી વાપરવી તે સિંહભોજન અથવા બધી વસ્તુનો ભેગો પિંડ કરવો કે જેથી સંયોજના કરવાનો વખત જ ન આવે. એ જ રીતે યતનાપૂર્વકની ભાષા એટલે અવસરે બોલવું, સાધુની ભાષામાં બોલવું અને મૃદુતાથી બોલવું. કાળઝામ એટલે અયોગ્ય કાળે ન બોલવું. સાધુભાષાથી એટલે અયોગ્ય રીતે ન બોલવું અને મૃદુ બોલવું એટલે અયોગ્ય શબ્દનો પ્રયોગ ન કરવો. ભગવાને આટલો સરસ માર્ગ બતાવ્યો છે તો આપણે મૂરખ છીએ કે ઇચ્છા મુજબ જીવીને સંસારમાં ભટકીએ ? થોડો મોહ ઓછો કરી નાંખીએ અને ભગવાનની વાત કાને ધરીએ તો આપણું કામ થઈ જાય, વહેલી તકે મોક્ષે પહોંચી જઈએ. રોગનું નિદાન થયું હોય, ડોકટર સારા મળી ગયા હોય, અકસીર દવા આપી હોય અને તેનું સેવન સમયસર વિધિ મુજબ કરીએ તો રોગ જતાં કેટલી વાર લાગે ? એક વાર શરૂઆત કરી લઈએ પછી ન ચલાય તો વિચાર કરવાનો. ઉત્સર્ગમાર્ગે ચાલી ન શકાય ત્યારે અપવાદનો વિચાર કરવાનો, શરૂઆત અપવાદથી ન કરાય. સમજવા બેઠા હોઈએ તો ઉત્તમ માર્ગ જ સમજી લેવો જોઈએ. ઘરમાં જવું હોય તો પાઇપ ઉપરથી ચઢીને બારીમાંથી પણ જવાય, પરંતુ કોઈ રસ્તો પૂછે તો દાદર જ બતાવાય ને ? પાઇપ ઉપર ચઢીને જવું એ માર્ગ ન કહેવાય ને ? હજી તો શરૂઆત હોય તેમાં અપવાદની વાત કરે - એ ચાલે ? પહાડ ચઢવાની શરૂઆત કરે એ પહેલે જ પગથિયે બેસી જાય તો પહાડ ચડે કઈ રીતે ? પાંચ મેરુ જેવાં પાંચ મહાવ્રતના ભારને વહન કરવો હોય તો સત્ત્વ અને ધૈર્ય કેળવવું જોઈએ ને ? આ રીતે યતનાપૂર્વક ચાલવા, ઊઠવા, બેસવા વગેરેની ક્રિયા કરનાર સાધુ વિહિત અનુષ્ઠાન કરવામાં તત્પર હોવાથી આશ્રવ વગરનો હોય છે અને આ રીતે નિરાશ્રયી બનેલા સાધુભગવંત અકુશલાનુબંધી એવાં જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધતા નથી. હવે આ યતનાનો પરિણામ કઈ રીતે આવે છે તે જણાવવા દ્વારા નિરાશ્રયપણાનો હેતુ બતાવે છે : (૧૬૭)

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92