________________
હે ભગવન્ ! (ગુરુ ભગવંત) પાંચ મહાવ્રતમાં સૌથી પહેલું પ્રાણાતિપાતવિરમણ મહાવ્રત ભગવાને જણાવેલું છે, તેથી હે ભગવન્ ! હું સર્વ પ્રકારના પ્રાણાતિપાતનું પચ્ચક્ખાણ કરું છું. પછી તે સૂક્ષ્મ હોય કે બાદર હોય, ત્રસ હોય કે સ્થાવર હોય એવા કોઈ પણ જીવના પ્રાણોને હું જાતે હણીશ નહિ, બીજા પાસે હણાવીશ નહિ, જેઓ પ્રાણને હણે છે તેમની અનુમોદના કરીશ નહિ, તેમને અનુજ્ઞા આપીશ નહિ. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ત્રિવિધે ત્રિવિધે મનથી વચનથી કાયાથી તે પ્રાણાતિપાતને હું કરીશ નહિ, કરાવીશ નહિ, કરતા એવા અન્યને અનુમોદીશ નહિ. ભૂતકાળમાં જે કાંઈ પ્રાણાતિપાત મેં કર્યો છે તેનાથી હે ભગવન્ ! હું પાછો ફરું છું, મારા તે પ્રાણાતિપાતની આત્મસાક્ષીએ નિંદા કરું છું, આપની સમક્ષ ગીં કરું છું અને તે પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું. આ રીતે હે ભગવન્ ! સર્વથા પ્રાણાતિપાતવિરમણ સ્વરૂપ પહેલા મહાવ્રત માટે હું આપની પાસે ઉપસ્થિત થયો છું. આ પ્રમાણે પહેલાં મહાવ્રતના આલાવાનો સામાન્યથી અક્ષરાર્થ છે. શ્રાવકનાં અણુવ્રતોની અપેક્ષાએ આ વ્રત મહાન હોવાથી તેને મહાવ્રત કહેવાય છે. સૂત્રમાં જે ક્રમ બતાવ્યો છે તેમાં આ સૌથી પહેલું હોવાથી તેને પહેલું મહાવ્રત કહ્યું છે. આ પહેલા મહાવ્રતમાં પ્રાણાતિપાતથી વિરામ પામવાનું ભગવાને જણાવ્યું છે. ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, આયુષ્ય તથા મનવચનકાયાના બળને પ્રાણ કહેવાય. આ દસમાંથી કોઈ પણ પ્રાણને દુ:ખ પહોંચાડવું તેને પ્રાણાતિપાત કહેવાય છે, માત્ર જીવને મારી નાંખવો એ પ્રાણાતિપાત નથી. આવા પ્રાણાતિપાતથી સભ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક સર્વથા પાછા ફરવું તેનું નામ પ્રાણાતિપાતવિરમણ. આ પ્રાણાતિપાતવિરમણવ્રત સૌથી પહેલું બતાવ્યું છે. કારણ કે એ મુખ્ય છે, બાકીનાં વ્રતો પહેલા મહાવ્રતની રક્ષા માટે વાડતુલ્ય છે. અહિંસાવ્રતનો પરિણામ સાચવવા માટે જૂઠું નહિ બોલવાનું, ચોરી નહિ કરવાની, મૈથુન નહિ સેવવાનું, પરિગ્રહ નહિ રાખવાનો. આત્માના ગુણોને છોડીને પર પદાર્થની અપેક્ષા જાગે ત્યારે હિંસા, જૂઠ, ચોરી વગેરે પાપો સેવવાનું બને છે. સાધુભગવંતો સ્વભાવમાં રમતા હોવાથી તેમને પરભાવની જરૂર જ પડતી નથી. માટે તેઓ હિંસાદિ પાપોથી વિરામ પામનારા હોય છે.
સ૦ પરની અહિંસાનો પરિણામ એ પણ પરભાવ નહિ !!
એ પણ પરભાવ તો છે જ. પરંતુ આ તો લોઢાથી જેમ લોઢું કપાય તેમ પરિણામથી પરિણામને કાપવાની વાત કરી છે. અત્યાર સુધી પરની પરિણતિ (૬)
એટલી વિકસાવી મૂકી છે કે તેને તોડવા માટે તેની પ્રતિપક્ષી એવી પરપરિણતિ ઊભી કર્યા વિના ચાલે એવું નથી. પરની હિંસાની પરિણતિ કાઢવા માટે પરની અહિંસાની પરિણતિ તો કેળવવી જ પડે ને ? પુદ્ગલની પરિણતિ પરપરિણતિ હોવા છતાં ગમે અને જીવની અહિંસાની પરિણતિ પરભાવ લાગે આ ય ગજબ છે ને ? ધર્મધ્યાન ને શુક્લધ્યાનમાં પણ શબ્દથી અર્થમાં ને અર્થથી શબ્દમાં વિચારણા કરે છે તેને પરપરિણતિ કહેવી કે નહિ ? જ્યાં સુધી પરપરિણતિ પડી છે ત્યાં સુધી પર-સંબંધીનાં મહાવ્રતોની જરૂર પડવાની જ. જ્યાં સુધી ધન ગમે છે ત્યાં સુધી દાનનો ઉપદેશ આપવો જ પડે. ખરાબ વિચારને દૂર કરવા માટે પણ સારા વિચાર કરવા જ પડે. તીર્થંકરભગવંતોને પણ દેશના આપતી વખતે ભાષાવર્ગણાનાં પુદ્દગલોની સહાય લેવી પડે છે, એટલી પરપરિણતિ તો એમની પાસે પણ છે. અઘાતીકર્મને ટાળવા પણ પરપરિણતિની જરૂર પડતી હોય તો ઘાતીકર્મને કાઢવા માટે કેવી પરપરિણતિ જોઇએ - એ વિચારી લો. કાગળ કાપવા માટે બ્લેડ જોઈએ તો લોઢું કાપવા શું જોઈએ ? જે સ્વપરિણતિમાં સ્થિર કરાવે તે પરપરિણતિ સારી. દવા પરપરિણતિ છે છતાં આરોગ્યનું કારણ બનતી હોવાથી સારી મનાય ને ? તેમ અહીં પણ ભવરૂપી ભાવરોગને કાઢવા માટે મહાવ્રતો ભાવઔષધતુલ્ય છે. છતાં હજુ તે લેવાનું મન થતું નથી ને ? આપણને ભવરોગ કાઢવાનું મન થયું છે ?
સ૦ જો મન ન હોય તો દીક્ષા શા માટે લે ? ધર્મ શા માટે કરીએ ?
ધર્મ તો આપણે પાપની સજા માફ કરવા માટે કરીએ છીએ. આપણો ધર્મ દુઃખ ટાળવા માટે છે, દુઃખ ભોગવીને પાપ ટાળવા માટે નથી. સંસાર ક્યારે છૂટે ? પાપ જાય તો ? કે દુઃખ જાય તો ? આપણને સંસારસ્વરૂપ રોગ વળગ્યો છે એવું માનીએ છીએ ? આ ભવરોગ ખરાબ લાગે છે ? ખરાબ લાગતો હોય તો તે રોગ કાઢવો છે ! કાઢવો હોય તો ક્યારે કાઢવો છે ?... આ ચાર પ્રશ્નોના જવાબ પ્રામાણિકપણે આપવાની જરૂર છે. સંસાર રોગ લાગતો નથી, ઉપરથી સંસારના સુખમાં મજા આવે છે. પેલા ખંજવાળનો રોગ થયેલા માણસનું દૃષ્ટાંત સાંભળ્યું છે ને ? ખણીખણીને નખ ઘસાઈ ગયા હતા. એક વૈદ્ય ઘાસનો પૂળો લઈને ત્યાંથી પસાર થતો હતો. તેની પાસે આણે ખણવા માટે ઘાસની સળી માંગી. પેલો વૈદ્ય
(૯૭)