________________
દુઃખ ભોગવવું ન પડે માટે જ ભગવાન પાસે જાઓ છો ને ? એક વાર દુઃખ વેઠવાનું સત્ત્વ કેળવી લો તો પાપને ટાળવાનું સહેલાઇથી શક્ય બનશે. જેને દુઃખ વેઠવાની વૃત્તિ જાગે તે બીજાને દુ:ખ આપવામાંથી બચી શકે. આપણને સુખ ભોગવવું છે અને દુઃખ ભોગવવું નથી તેમાંથી તો જૂઠું બોલાય છે. જેને દુઃખ વેઠવાની વૃત્તિ ન હોય તે બીજાને દુ:ખ આપવામાંથી બચી નહિ શકે. જો દુ:ખ વેઠી લેવાની તૈયારી હોય અને સુખ ભોગવવું ન હોય તો જૂઠું બોલવાનું કોઈ કારણ છે ખરું ! તમારે ત્યાં તો જૂઠાણું એ વ્યાપારની કળા ગણાય છે ને ? પૈસા આપવા ન હોય, છતાં કહે કે ‘અત્યારે સગવડ નથી' આ જૂઠું જ છે ને ? છતાં અહીં તમારી વાત નથી કરવી. કારણ કે તમે વ્રત લીધાં નથી, અમે તો વ્રત લઈને બેઠા છીએ તેથી અમારે આ બધું વિચાર્યા વિના નહિ ચાલે. અહીં કોઈની નિંદા કે ટીકા-ટિપ્પણ કરવાનો ભાવ નથી, આપણી જાતને બચાવી લેવાનો આ પ્રયત્ન છે. શ્રી અઇમુત્તામુનિએ અપ્લાયની વિરાધના કરી અને સ્થવિરભગવંતે જણાવ્યું તો તરત જ લજ્જા પામ્યા અને આલોચના કરવા તૈયાર થઈ ગયા. ‘મેં તો રમવા માટે જ કર્યું હતું, વિરાધના કરવાનો ભાવ ન હતો, આ તો બાલસહજ સ્વભાવ છે', આવી કોઈ જાતની દલીલ ન કરી. ઉપરથી એમણે તો વિચાર્યું કે વિરાધનાનો ભાવ ન હોય તોપણ રમતનો તો ભાવ હતો ને ? રમતમાં પણ વિરાધના કેમ કરાય ? એમ સમજીને ભગવાન પાસે આલોચના કરવા ગયા તો પશ્ચાત્તાપના ભાવમાં જ કેવળજ્ઞાન પામી ગયા. જ્યારે ચંડકૌશિકના પૂર્વભવમાં પગ નીચે દેડકી આવીને મરી ગઈ તે વખતે વિરાધનાનો ભાવ ન હતો છતાં સાથેના સાધુએ ભૂલ બતાવી એ ગમ્યું નહિ ને બચાવ કરવાની વૃત્તિ જાગી તો જૂઠ્ઠું બોલ્યા ને ? બંન્ને દૃષ્ટાંત નજર સામે આવે તો કઈ રીતે વર્તવું જોઈએ - એવો ખ્યાલ આવે ને ?
૦ વય: હૃતિ આવું પણ કહ્યું હતું ને ?
એ તો પાદલિપ્તસૂરિજીની વાત છે. બાલવયમાં આચાર્યપદે બિરાજમાન કરાયા હતા, તે વખતે રમત થઈ ગઈ તો શાસનની અપભ્રાજના ન થાય અને
પ્રભાવના થાય તે માટે કહ્યું હતું કે વાતો નીતિ વય: પ્રીતિ । (બાળક નથી રમતો, એની વય રમે છે.) આમાં બચાવની વૃત્તિ ન હતી. સ્વબચાવની
(૧૦૬)
ન
વૃત્તિ આરાધવામાં આડી આવવાની, જ્યારે શાસનની રક્ષાનો ભાવ પ્રભાવનામાં સમાવાનો. આરાધના અને પ્રભાવનાની વાતમાં ભેળસેળ ન કરો. આપણી જાત માટે પ્રભાવના કરતાં આરાધના ચઢિયાતી છે – એટલું યાદ રાખો. શ્રી સ્કંદકાચાર્ય પાંચ સો શિષ્યને લઈને જવા નીકળ્યા ત્યારે ભગવાને એમ કહ્યું હતું કે તમારા સિવાય બધાને લાભ થશે. આ તો ભવિતવ્યતા એવી હતી માટે એવું થયું, બાકી
સ્કંદકાચાર્યની આરાધના તો સિદાઈને ?
સાચું બોલવામાં જોખમ ઘણું છે, પણ જૂઠું બોલવામાં ભયંકર પાપ છે. સાચું બોલ્યા પછી વર્તમાનમાં કદાચ વેઠવું પડે એની ના નહિ, પણ જૂ બોલવાના કારણે તો અનુબંધ ઘણો ખરાબ પડે છે. અસત્યનાં આવરણો એટલાં ગાઢ છે કે એને ચીર્યા વિના શુદ્ધ સ્વરૂપ પ્રગટ નહિ થાય. એક વાર સત્ત્વ કેળવી લો કે આચાર્યભગવંત કાઢી મૂકવાની વાત કરે તોપણ વાંધો નહિ, પણ જૂઠું તો નથી જ બોલવું. કાલ્પનિક ભય મનમાંથી કાઢીને, માથું મૂકીને પણ સત્ય બોલવાનું સત્ત્વ કેળવી લો. ‘પરિણામ જે આવશે તે વેઠી લઈશું' આટલી તૈયારી કેળવીએ તો જ જૂઠાથી બચી શકાશે. કપરું ચોક્કસ છે, પણ અશક્ય નથી.
સ૦ સામાને દુ:ખ થાય તેવું સાચું ના બોલાય ને ?
તેથી જ તો મૌન રહેવાનું કહ્યું છે. જ્યારે જવાબ આપ્યા વિના ચાલે એવું ન હોય ત્યારે સામાને પીડા ન પહોંચે એવું ખોટું બોલવું પણ પીડાકર સત્ય ન બોલવું. જેમ કે મૃગલાંની પાછળ પડેલો શિકારી પૂછે કે ‘મૃગલાં કઈ દિશામાં ગયાં' ત્યારે શરૂઆતમાં તો મૂર્ખા હોવાનો, સાંભળ્યું ન સાંભળ્યું કરવાનો ડોળ કરવો, છતાં જો શિકારી જવાબ આપવાની ફરજ પાડે તો મૃગલાંને પીડાથી બચાવવા માટે ઊંધી દિશા બતાવવી. આવા વખતે પીડાકારી સત્ય ન બોલવું. તેમાં જૂઠું બોલવાનો આશય નથી, પીડા ટાળવાનો આશય છે. શિકારીને પણ ઠગવાનો આશય નથી, એના પાપમાં અનુમતિ ન આપવાનો, સહાય ન કરવાનો આશય છે. બીજું મહાવ્રત પહેલાની રક્ષા માટે છે. પહેલા મહાવ્રતનો વ્યાઘાત કરનાર બીજું મહાવ્રત ન બને એ રીતે વર્તવું.
સ૦ પહાડ જેવાં જૂઠાણાં ચાલતાં હોય ત્યાં નાનાં જૂઠાણાંની વાત કરો તો કેમ ચાલે ?
(૧૦૭)