________________
પૂર્વસૂત્રમાં છેલ્લે આપણે જોઈ ગયા કે છયે જીનિકાય સુખને ઇચ્છવાના સ્વભાવવાળા છે, તેથી આ છજીવનિકાયને વિષે આપણે જાતે તેમને સંઘટ્ટન વગેરે દ્વારા પીડા ઉપજાવવા સ્વરૂપ દંડનો સમારંભ કરવો નહિ, બીજા નોકરચાકર વગેરે પાસે પણ આવા દંડનો સમારંભ કરાવવો નહિ અને જે આ રીતે પીડા આપવાનું કે અપાવવાનું કામ કરતા હોય તેમની અનુમોદના કરવી નહિ, તેમને સારા માનવા નહિ... આ પ્રમાણે ભગવાનનું વચન છે. તે જ કારણથી જ્યાં સુધી જીવું ત્યાં સુધી ત્રિવિધે ત્રિવિધે મનથી, વચનથી કે કાયાથી આવા પ્રકારનો દંડ હું જાતે કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ અને જે કરતા હોય તેની અનુમોદના નહિ કરું, તેમને સારા માનીશ નહિ, તેવા પ્રકારનો દંડ ભૂતકાળમાં જે કાંઈ કર્યો છે તેનાથી હું પાછો ફરું છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, ગુરુસાક્ષીએ તેની ગર્હા કરું છું અને તે પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું... આ પ્રમાણે સાધુભગવંતની પ્રતિજ્ઞા છે. આવા પ્રકારની પ્રતિજ્ઞાનો પરિણામ ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપરામ વિના પ્રગટતો નથી. કર્મનાં આવરણ પતલાં પડે, ઢીલાં પડે પછી જ ક્ષયોપશમભાવની સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. આ સંસારમાં મિથ્યાત્વાદિ કર્મોને આધીન થઈને આપણે અનેક પ્રકારના જીવોને અનેક પ્રકારની પીડા આપવાનું કામ કર્યું છે. એ કર્મોની આધીનતા ટળે એટલે જીવોને પીડા પહોંચાડવાનો પરિણામ દૂર થાય છે અને તેમની રક્ષાનો પરિણામ જાગે છે. આથી જ કોઈ પણ જીવને પીડા નહિ પહોંચાડવાની પ્રતિજ્ઞા લેવાનું બને છે. છજીવનિકાયને પીડા આપવાનું કામ સામાન્યથી દસ પ્રકારે થાય છે. ઇરિયાવહિયા સૂત્રમાં ‘અભિયા’થી માંડીને ‘જીવિયાઓ વવરોવિયા’ સુધીના દસ પ્રકારના દંડ છે. જેના કારણે આત્મા નરકાદિ દુર્ગતિમાં દંડાય છે તેને દંડ કહેવાય છે. ટીકામાં ‘સંઘટ્ટન-પરિતાપન'નું ગ્રહણ કર્યું છે. તેના ઉપરથી આગળપાછળના અભિઘાત, કિલામણા વગેરેનું પણ ગ્રહણ થઈ જાય છે. જેના કારણે સામા જીવને દુઃખની લાગણી થતી હોય તે બધો જ દંડ કહેવાય છે. પ્રતિક્રમણ કે વ્યાખ્યાનાદિમાં બેસેલાને એક જગ્યાએથી ઉઠાડીને બીજી
જગ્યાએ બેસાડીએ તો તેને દુ:ખ થાય ને ? આપણે બેઠા હોઈએ ત્યાંથી ‘આ મારી જગ્યા છે' એમ કહીને કોઈ ઉઠાડે તો દુ:ખ થાય તેમ આપણે બીજાને ઉઠાડીએ તો એને પણ દુ:ખ થવાનું. આથી જ ‘ઠાણાઓ ઠાણું સંકામિઆ’ (એક સ્થાનેથી બીજે સ્થાને ખસેડ્યા) આને પણ એક પ્રકારનો દંડ કહ્યો છે. સામાની
(૬)
ઇચ્છાવિરુદ્ધ કામ કરીએ તો તેને દુ:ખ પહોંચવાનું જ. પોતાના તરફથી કોઈને પણ દુઃખ ન આપવું - આ સાધુપણાની પ્રતિજ્ઞા છે. આથી જ સાધુભગવંત ગોચરીએ જાય તો કૂતરા વગેરેને ખસેડે નહિ, બાળકો રમતા હોય તો તેમને ખસેડે નહિ. કારણ કે આ રીતે ખસેડવાથી તેમને દુ:ખ થાય. તમે તો સ્કૂટર પાર્ક કરવા માટે લારીવાળાને પણ ખસેડો ને ? સાધુભગવંત આવું ન કરે. આ બધું તમને એટલા માટે સમજાવીએ છીએ કે જેથી સાધુપણાની પ્રતિજ્ઞા કેટલી દુષ્કર છે : એનો તમને ખ્યાલ આવે. સાધુપણું તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે તે આ આચારના કારણે. જેને માર્ગે ચાલવું હોય તેના માટે સાધુપણું તલવારની ધાર છે. બાકી જેને ઇચ્છા મુજબ જ જીવવું છે તેના માટે તો સાધુપણું મખમલની ગાદી જેવું છે. આ બધો આચાર પાળવાનો હોય તો એમ થાય ને કે ખાધા વગર ચાલે એવું હોય ત્યાં સુધી ખાવું જ નથી. છોકરાઓ રમતા હોય તો તેમને અટકાવાય નહિ, ખસેડાય નહિ, એ માર્ગ છોડી દેવો.
સ∞ અમારે શું કરવાનું ? છોકરાને રમવાની ના પાડવાની ?
તમારે પણ એમને દુ:ખ ન થાય એ રીતે કરવાનું. ‘મહારાજ સાહેબ પધારે છે, ખસી જાઓ...' એવું નહિ કહેવાનું. પહેલેથી જ એવા સંસ્કાર આપ્યા હોય તો છોકરાઓ પોતે સાધુને જોતાંની સાથે ‘મર્ત્યએણ વંદામિ' કહીને ઊભા રહી જાય. આ તો અમે વહોરવા આવીએ તો તરત ટી.વી. બંધ કરી નાંખે અને છોકરાઓ અમને મનમાં ગાળો આપે ! તમારા ઘરમાં લાઇટ, ટી.વી., પંખો ચાલુ હોય ને અમે આવીએ તો અમને પાપ નથી લાગવાનું. અમારા નિમિત્તે બંધ કરો તો અમને પાપ લાગે. તેથી વિવેક રાખીને કામ કરવું. આ તો ગૃહસ્થ અમારી સાથે હોય ને કૂતરાને ખસેડે તો સાધુ પણ અનુમોદના કરે કે ‘ગૃહસ્થ વિવેકી છે, જાતે જ કૂતરાને ખસેડ્યો.’ પાછા કહે ‘મારતા નહિ.' મારવામાં પાપ અને ખસેડવામાં પાપ નહિ !! ગભરાવવામાં પાપ નહિ? આ બધું સૂક્ષ્મતાથી વિચારવાની જરૂર છે. ગોચરીએ જતી વખતે પણ સાધુને નિર્જરા ઘણી છે પરંતુ ભગવાનની આજ્ઞાનું સૂક્ષ્મતાથી પાલન કરવામાં આવે તો.
સ૦ રસ્તામાં હડકાયું કૂતરું મળે તો ?
મરણાંત ઉપસર્ગ સહન કરવાનો. વાઘ આવે તો શું કરો ?
(૮૭)