________________
વિરચિત સ્તોત્રોનો આસ્વાદ માણવાની તક આ આકરગ્રંથ આપે છે. સંપાદકોએ પૂજનીય પૂર્વસૂરિઓની જિનભક્તિ અને ભાવાભિવ્યક્તિની વિવિધ ભંગિમાઓના દર્શને ધન્ય બનવાનો એક રસોત્સવ આ ગ્રંથના માધ્યમે સુલભ કરી આવ્યો છે.
સંપાદકોએ પોતાની મર્યાદા નિયત કરી છે : પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ ભાષાઓની કૃતિઓ જ અને તે પણ તે તે કાળખંડની પ્રશિષ્ટ-વિશિષ્ટ રચનાઓ જ, તેમાં પણ કાળ કે કવિની પ્રતિનિધિ સ્તરની જ અહીં લક્ષ્યમાં લીધી છે. અભિગમ તો યોગ્ય જ છે, છતાં એક વિનંતિ કરવાનું મન થાય છે કે દક્ષિણ ભારતની ભાષાઓ – તામિલ, તેલુગુ, કન્નડમાં પણ પ્રાચીન કૃતિઓ મળે છે. એ કૃતિઓનો પ્રતિનિધિસંગ્રહ આપો ઃ કૃતિ ભલે દેવનાગરીમાં છપાય, સાર અને સંદર્ભ ગુજરાતીમાં હોય. જો આ થઈ શકે તો નિર્પ્રન્થસ્તોત્રસાહિત્યનો ઇતિહાસ સંપૂર્ણ બની રહે.
સંપાદકીય પ્રતિભા
આ આકરગ્રંથના સંપાદકોમાંના એક શ્રી મધુસૂદન ઢાંકી સંશોધન-સંપાદન ક્ષેત્રની એક વિરાટ પ્રતિભા છે. તેમના માટે પ્રશંસા નહિ, પણ અહોભાવ અને આદર વ્યક્ત કરવા વધુ સહેલા પડે. તેમનું સંશોધકીય કાર્ય સુદીર્ઘ કાળનું, બહુમુખી-બહુપારિમાણિક છે. ૮૭ વર્ષની વયે અને અસ્વસ્થ શરીરે પણ આ પ્રકારના વિરાટ ગ્રંથ-ગ્રંથમાળા જ કહોનું આયોજન કરી શકતા હોય તો તેમની સ્ફૂર્તિ, નિષ્ઠા, મેધા અને વ્યાસંગ કઈ કક્ષાના ગણવા એ વાચક સ્વયં વિચારી લે. વિદ્યાદેવીની ઉપાસક, સ્વાધ્યાયના તપસ્વી, સ્મૃતિ અને પ્રજ્ઞા બન્નેમાં સુસ્થિર એવા આ વરિષ્ઠ વિદ્વાન્ પોતાની પાસે છે તેનું ગૌરવ જૈન સંઘ
સાધિકાર લઈ શકે છે.
સહ-સંપાદક શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ વિદ્યાપ્રસાર અને શ્રુતસેવામાં નિરત, સ્વાધ્યાયશીલ વિદ્વાન્ છે. શ્રી ઢાંકી સાહેબના જમણા હાથ બનીને પ્રસ્તુત ગ્રંથના નિર્માણને શક્ય બનાવ્યું છે. બન્ને વિદ્વાનોની શ્રુતસેવાનું અભિવાદન કરું છું.
ઇતિહાસ અને આરાધનાના સંગમ સમા આ આકરગ્રંથની પ્રસ્તાવના લખવાનું આમંત્રણ સંપાદકોએ મને આપ્યું એમાં શ્રમણપરંપરા તરફનાં તેમનાં આદર અને નમ્રતા પ્રતિબિંબિત થાય છે. અન્તે, શ્રી જિનની સ્તુતિ-સ્તવનાની પાર્શ્વભૂ પ્રકટ કરતા સ્વામી સમન્તભદ્રના રચેલા સ્તુતિશ્લોકથી સમાપન કરવું ઉચિત થશે :–
स सत्य-विद्या-तपसां प्रणायकः समग्रधीरुग्रकुलाम्बरांशुमान् ।
मया सदा पार्श्वजिनः प्रणम्यते विलीन मिथ्यापथदृष्टिविभ्रमः ॥ - बृहत् स्वयंभूस्तोत्र, पृ. ८२ ‘સત્ય, જ્ઞાન અને તપના પ્રણેતા, સર્વજ્ઞ, ઉગ્રકુળના આકાશમાં સૂર્ય સમાન, મિથ્યામાર્ગની ભ્રાંત દષ્ટિનો વિલય કરનાર એ શ્રી પાર્શ્વ જિનને મારા સદા નમસ્કાર.’
ધ્રાંગધ્રા
૨૪-૦૨-૨૦૦૮
૧૭
-
– ઉપા. ભુવનચંદ્ર