________________
સંપાદકીય
બ્રાહ્મણીય સ્તુતિ-સ્તોત્રાત્મક રચનાઓના બૃહદ્સ્તોત્રરત્નાકર સરખા ગ્રંથો, તેમની વિવિધ આવૃત્તિઓ અને અનેક પુનર્મુદ્રણો થકી, આજે ઉપલબ્ધ છે. ત્યાં સંગૃહીત પાંચસોએક જેટલી રચનાઓની ગોઠવણીમાં આંતરિક વિન્યાસની કલ્પના ઇષ્ટદેવાનુસારી છે; પણ સંખ્યાક્રમમાં પ્રત્યેક દેવ સંબંધની રચનાઓ તેમના કાલક્રમ પ્રમાણે આયોજિત નથી; કાલક્રમનો વિવેક જળવાયો નથી, કાળનિર્દેશ પણ દેવાયા નથી; એ જ રીતે કર્તાના સંબંધમાં પણ કોઈ જ ચર્ચા થયેલી નથી અને ચયનમાં ગુણવત્તાને નહીં, ધાર્મિક આવશ્યક્તાઓ, વિધિ-વિધાનોને જ વિશેષે ધ્યાનમાં લેવાયાં છે. બીજી બાજુ નિર્પ્રન્થ પરંપરાના અનેક ભિન્ન ભિન્ન સ્તુતિ-સ્તોત્ર સંગ્રહો પ્રકાશિત તો થયા છે અને તેમાં સૌ મળીને ૧૦૦૦ ઉપરાંતની વૈવિધ્યયુક્ત કૃતિઓ ઉપલબ્ધ બની છે; પરંતુ તેમાં પ્રસ્તુતીકરણ પ્રાયઃ પૂર્ણપણે અવ્યવસ્થિત છે. અહીં પ્રથમ ખંડમાં પ્રસ્તુત થયેલી કૃતિઓમાં પ્રાયઃ ઇસ્વીસન પૂર્વે ૧૫૦ થી ઇ.સ. ૯૦૦ સુધીની, ધ્યાન ખેંચનારી તથા કોઈ ને કોઈ દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ હોય તેવી, એટલે કે પ્રાચીન યુગથી લઈ પ્રાક્ર્મધ્યકાલ સુધીની ૩ અર્ધમાગધી, ૨૦ મહારાષ્ટ્રી-પ્રાકૃત, ૧૧ અપભ્રંશ અને ૪૦ સંસ્કૃત ભાષામાં નિબદ્ધ એમ કુલ ૭૪ કૃતિઓ તેમના ઐતિહાસિક કાલક્રમ અનુસાર, અને ઉપલબ્ધ છે ત્યાં ત્યાં કર્તાઓનાં નામની ભાળ અને સંબદ્ધ વિગતો સહિત (અને કેટલાક કિસ્સાઓમાં કર્તૃત્વ વિષેની સંભાવનાઓ દર્શાવવા સાથે), પ્રસ્તુત કરી છે. ભૂમિકામાં નિર્પ્રન્થ સ્તુતિ-સ્તોત્રોના જુદાં જુદાં પાસાંઓ, મુદ્દાઓ, અને લક્ષણો આવરી લેતી, શાસ્રાધારિત અને અન્યથા, પણ સંક્ષિપ્તમાં, અવલોકનયુક્ત સમીક્ષા કરી છે. તે પછીના બે અધ્યાયોમાં—ભાષાનુસાર પાડેલા વર્ગ પ્રમાણે—એક સ્તુતિ-સ્તોત્ર વિષે, તેમના ઇતિહાસ, કર્તા (જો જાણમાં હોય તો), તથા અંતરંગ વિષે ઉપયુક્ત હોય તેવી વાતો-વિગતો ૫૨ ટૂંકાણમાં ચર્ચા કરી છે. આ રચનાઓનો કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ, તેમાં પ્રયુક્ત અલંકારોની વિચ્છિત્તિ આદિ સંબંધી ચર્ચા, અને અંદરની વસ્તુ અને શૈલીના રસાસ્વાદ તો તે વિષયના અધ્યેતાઓ–ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી, ડૉ. મણિભાઈ પ્રજાપતિ, પ્રા. તપસ્વી નાંદિ સરખા અધિકારી વિદ્વાનો—જ કરી શકે.
પ્રાકૃત સમુચ્ચયને પહેલાં તો સર્વ યુગોની કૃતિઓ એક સાથે ભાષાનુસાર અને કાલક્રમાનુસા૨ સંગ્રહી એક જ ગ્રંથરૂપે પ્રસ્તુત કરવા વિચાર્યું હતું; પણ વ્યવહારમાં તે અનેક દૃષ્ટિએ શક્ય ન જણાતાં તેને ત્રણ ખંડમાં વિભક્ત કરીને રજૂ કરવા નિર્ધાર્યું છે : (જુઓ ભૂમિકા). ખાસ કરીને કેટલાંક અપ્રકાશિત સ્તુતિ-સ્તોત્રોને પણ હસ્તપ્રતોમાંથી લેવાના હોઈ તેના પર પહેલાં અલગ શોધ-સંપાદનપ્રકાશન થયા બાદ જ તેને સંગ્રહમાં સમાવવામાં સમય લાગે તેમ હતો; વળી પ્રાચીન, મધ્યકાલીન અને ઉત્તર મધ્યકાલીન સ્તુતિ-સ્તોત્રોમાં વસ્તુ અને વિભાવોમાં, અને તેથી ક્લેવરના પ્રકારોમાં અને તેનાં આંતરિક એવં બાહ્ય લક્ષણોમાં ભિન્નતા સ્પષ્ટરૂપે દૃષ્ટિગોચર થાય છે; આથી તાર્કિક દૃષ્ટિએ અને વ્યવસ્થાના દૃષ્ટિકોણથી પણ ત્રણ ભાગોમાં વિભાજન કરવું સુસંગત બની રહે છે. વિશેષમાં બધી જ ચૂંટી કાઢેલી કૃતિઓને એક જ ગ્રંથમાં સમાવવા જતાં કદ ન સમાલી શકાય તેટલું મોટું થઈ જવાનો સંભવ હતો.