________________
મરહઠ્ઠી (મહારાષ્ટ્રી) પ્રાકૃતથી પ્રભાવિત છે. વિદ્વાનોએ અર્ધમાગધીની ખોજબીન કરી છે, જેનો નિષ્કર્ષ એ છે કે અર્ધમાગધીના ઉચ્ચારો મરહઠ્ઠીને મળતા પણ સંસ્કૃતની વધુ નિકટના હતા. આચારાંગસૂત્ર જેવા કેટલાક આગમોમાં મૂળ શબ્દો અને એના ઉચ્ચારો હજી પણ સચવાયા છે. પ્રસ્તુત સંગ્રહમાં સંપાદકોએ નમસ્કાર અને બીજા પ્રાચીન આગમકાલીન સ્તોત્ર-સ્તવ અર્ધમાગધી સ્વરૂપમાં ફેરવીને મૂક્યા છે તે વિશેષ ધ્યાનથી જોઈ જવા ભાષારસિકોને અને સંશોધનપ્રિય મુનિવરોને ખાસ વિનંતી કરું છું.
સ્વભાવતઃ જ, અત્યારે જે ઉચ્ચારો છે તે ખોટા છે કિંવા અનધિકૃત છે એવા તારણ પર આવવાની જરૂર નથી. અગાઉ કહ્યું તેમ, પ્રત્યેક ક્ષેત્રનો પોતાનો ઇતિહાસ હોય છે, તેમ ભાષાનો પણ હોય છે. ઇતિહાસના એક યુગમાં પ્રાયઃ ઇસ્વી ૨૦૦ના અરસામાં મરઠ્ઠી પ્રાકૃત જૈન આગમો માટે અધિકૃત કરવામાં આવી – એના સંજોગો-કારણોની ચર્ચા કરવાનું આ સ્થાન નથી – અને તે માન્ય છે અને રહેશે, કિન્તુ પ્રમાણભૂત ઇતિહાસનો બોધ હોય તો ભ્રાંતિઓથી બચી શકાય.
ભાષામાં—ઉચ્ચારોમાં પરિવર્તન થવાથી ધર્મતત્ત્વને કશી બાધા પહોંચતી નથી; શ્રમણપરંપરા અર્થપ્રધાન છે, શબ્દપ્રધાન નથી; ધર્મ આરાધકોના આચરણથી ટકે છે, માત્ર ગ્રંથોથી નહિ – આવા થોડાં તથ્યો ધ્યાનમાં લઈશું તો સમજાશે કે ચિત્તગત ધર્મને શબ્દગત પરિવર્તન ચિંતાનું કારણ નથી બનતું. આવા કેટલાંક તથ્ય સ્વીકાર્યા પછી પણ શબ્દ (ઉચ્ચાર, વ્યાકરણને એવું બધું)નો વિચાર કરવાનો તો રહે જ છે. શ્રુત સાથે નામાદિ નિક્ષેપ, સાત નય, ભંગજાલ વગેરે જેમ જોડાયેલા છે તેમ વ્યાકરણ પણ સંલગ્ન છે જ. એ દૃષ્ટિએ અર્ધમાગધીનું વ્યાકરણ આવશ્યક ઠરે છે, પરંતુ અર્ધમાગધીનું કોઈ પ્રાચીન વ્યાકરણ નથી એ વાસ્તવિક્તા છે. સિદ્ધહેમશબ્દાનુશાસન સંસ્કૃત ઉપરાંત વિવિધ પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ આપે છે, ત્યાં પણ અર્ધમાગધીનું વ્યાકરણ નથી. કલિકાલસર્વજ્ઞે જે પ્રયોગોને ‘આર્ષ’ ગણ્યા છે તે કદાચ અર્ધમાગધીના હોય એવી કલ્પના આવે ખરી; એનો અર્થ એ પણ નીકળે કે અર્ધમાગધીમાં નૂતન રચના થવાનું બંધ થઈ ગયું તેથી તેમણે તેનું વ્યાકરણ તારવવાનું આવશ્યક માન્યું નહિ હોય, પરંતુ એ પ્રયોગો મરહઠ્ઠી વગેરે પ્રાકૃતો કરતાં જુદા નિયમોને અનુસરનારા છે તે તેમના ધ્યાનમાં હતું જ. પ્રો. કે. આર. ચંદ્રાએ અને બીજા વિદ્વાનોએ અર્ધમાગધીનું વ્યાકરણ સજ્જ કર્યું છે તે ભાષારસિકો માટે આનંદદાયક છે. આગમાભ્યાસી મુનિઓએ એ વ્યાકરણનો સમાવેશ અભ્યાસક્રમમાં કરવા જેવો છે.
‘મંજૂષા’નું વૈશિષ્ટય
કોઈ એક કવિ સંબંધિત અથવા સંપ્રદાય સંબંધિત સ્તોત્રસંગ્રહો આનાથી પૂર્વે પ્રગટ થયા છે. પરન્તુ પ્રસ્તુત સંગ્રહ તેનાથી ઘણી રીતે જુદો પડે છે. પ્રાચીન-અર્વાચીન બધા જૈન સંપ્રદાયોનો સમાવેશ, ભાષાબાહુલ્ય, કાલક્રમાનુસારી સંકલન, સમીક્ષિત વાચના (Text) – વગેરે આની વિશેષતાઓ છે. સર્વોપરિ વિશેષતા તો છે સ્તોત્ર કર્તાઓનું ઐતિહાસિક ભૂમિકાઓથી પર્યાલોચન; અહીં ધાર્મિક સાહિત્યિક ઉપરાંત ઐતિહાસિક સંદર્ભ કેન્દ્રમાં રહ્યો છે. સારાંશ, ચર્ચા, તુલના, વૃત્તાન્તો આદિથી સમૃદ્ધ ભૂમિકા સ્વયં એક પ્રબંધમાં પરિણમી છે. સંશોધનક્ષેત્રના વિદ્યાર્થીઓએ તથા સામાન્યતઃ વિદ્વાન્ મુનિવરોએ આ ગ્રંથની ભૂમિકામાંથી એક વાર અવશ્ય પસાર થવું જોઈએ.
જુદા જુદા દેશકાળ અને સમ્પ્રદાયોની ભિન્ન ભિન્ન પ્રતિભાઓ દ્વારા અને વિવિધ ભાષાઓમાં
૧૬