________________
» પ્રકાશ - સમ્યકત્વ
તથા અલ્પ પણ દેવનિર્માલ્ય ગ્રહણ ન કરવું જોઈએ. દેવસંબંધી ચંદનથી તિલક ન કરવું. દેવ સંબંધી પાણીથી હાથ-પગ વગેરે પણ ન ધોવા. દેવદ્રવ્ય વ્યાજથી પણ ગ્રહણ ન કરવું. બીજી પણ દેવસંબંધી વસ્તુ પોતાના કાર્યમાં ન લેવી.
આ પ્રમાણે બીજી અગ્રપૂજા કહેવાઈ. હવે ત્રીજી ભાવપૂજા રૂપ ભક્તિ કહેવાય છે
તે ભાવપૂજા જિનેશ્વરોને વંદન, સ્તવન, નમસ્કાર વગેરેથી થાય છે. તેમાં પ્રથમ ચૈત્યવંદનના ઉચિત સ્થાને રહીને ચૈત્યવંદન કરવું. નમુત્થણ વગેરે કહેવું. તથા લોકોત્તર સદ્ભૂત તીર્થંકરના ગુણસમૂહને જણાવનારાં શ્રેષ્ઠ વચનોથી સ્તુતિ કરવી. ત્યારપછી હૃદયરૂપી કમળમાં શ્રી જિનેશ્વરને સ્થાપીને તેના ગુણનું સ્મરણ કરવું. તથા પ્રભુની આગળ નાટક વગેરે કરતા રાવણની જેમ અખંડ ભાવ ધારણ કરવો. જેમકે, લંકેશ્વર એવા રાવણે એકવાર અષ્ટાપદ પર્વત પર ભરતે કરાવેલા અને પોત-પોતાના વર્ણ-પ્રમાણથી યુક્ત એવા ચોવીસ જિનોના મંદિરમાં રહેલા ઋષભદેવ આદિની દ્રવ્યપૂજા કરી. પછી મંદોદરી વગેરે સોળ હજાર અંતઃપુરની સ્ત્રીઓ સાથે નાટક કરતાં પોતાની વીણાનો તાર તૂટ્યો ત્યારે જિનગુણગાનમાં રંગભંગના ભીરુ એવા રાવણે પોતાની નસ ખેંચીને ત્યાં જોડી ત્યારે તે જિનભક્તિથી તેણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. તે મહાવિદેહમાં ભવિષ્યમાં તીર્થંકર થશે. આ પ્રમાણે બીજાઓએ પણ શ્રી જિનપૂજામાં યત કરવો. ભાષ્યમાં કહ્યું છે કે
गंधव्वनट्टवाइय-लवणजलारत्तियाइ दीवाइ ।
जं किच्चं तं सव्वं, पि ओयरइ अग्गपूयाए ॥ १॥ અર્થ- ગાંધર્વ નૃત્ય, વાજિંત્ર, લુણ ઉતારવું, જલધારા કરવી, આરતી વગેરે, દીપ વગેરે જે કૃત્ય છે તે અગ્રપૂજામાં સમાવેશ થાય છે. ઇત્યાદિ વચનથી નાટ્ય અગ્રપૂજામાં કહ્યું છે. છતાં પણ નાટક પ્રાયઃ ભાવથી મિશ્રિત હોવાથી અને ભાવની પ્રધાનતા વિવક્ષિત હોવાથી તેને (નાટકને) અહીં ભાવપૂજામાં કહેવામાં પણ દોષ નથી એમ જાણવું. આ પ્રમાણે ભાવપૂજા કહી. આ કહેવા દ્વિારા ત્રણ પ્રકારની પૂજા કહી. (૧૮) હવે પાંચ પ્રકારની ભક્તિ કહેવાય છે
पुष्पाद्यर्चा १ तदाज्ञा २ च, तद्रव्यपरिरक्षणं ३ ।
उत्सव ४ स्तीर्थयात्रा ५ च, भक्तिः पंचविधा जिने ॥१९॥ અર્થ- પુષ્પ વગેરેથી પૂજા, જિનની આજ્ઞાનું પાલન, દેવદ્રવ્યનું રક્ષણ, ઉત્સવ અને તીર્થયાત્રા એમ જિનને વિશે પાંચ પ્રકારની ભક્તિ છે.
પહેલી પુષ્પાદિપૂજારૂપ ભક્તિ વ્યાખ્યાન શ્રી જિનેશ્વરને વિશે પાંચ પ્રકારની ભક્તિ છે. તેમાં કેતક, ચંપક, જાતિ, યુથિકા, શતપત્ર આદિ વિવિધ પુષ્પોથી અને ધૂપ, દીપ, ચંદન આદિથી જે પૂજા કરવામાં આવે છે તે પ્રથમ ભક્તિ જાણવી.