________________
૧૩૦
આત્મપ્રબોધ
કરી. હવે સવારે દ્વારપાલો ખેંચતા હોવા છતાં નગરના કોટના દ્વારના કપાટો કોઈ પણ રીતે ખૂલ્યા નહીં. ત્યારે દ્વિપદ, ચતુષ્પદ આદિ નગરનો સંપૂર્ણ લોક પણ સુધા અને તૃષા વગેરેથી વ્યાકુળ થયે છતે રાજા પણ ઘણો વ્યાકુળ થયો. તેથી આ દેવતાનું કાર્ય છે એમ માની રાજા સ્વયં પવિત્ર થઈને ધૂપના ઉલ્લેપપૂર્વક અંજલિ જોડીને બોલ્યોઃ હે દેવ-દાનવો ! સાંભળો ! જે કોઈ પણ મારા ઉપર ગુસ્સે થયેલા હોય તે પુષ્પ-ધૂપ આદિ બલિને ગ્રહણ કરી પ્રસન્ન થાઓ. આ પ્રમાણે રાજા બોલે છતે આકાશમાં આ પ્રમાણે વાણી પ્રગટ થઈ ?
जलमुद्धृत्य चालिन्या, कूपतस्तन्तुबद्धया । काचिन्महासती पुर्याः, कपाटांश्चुलुकैस्त्रिभिः ॥ १॥ आच्छोटयति चेच्छीघ्र-मुद्घटन्तेऽखिला अपि।
कपाटा द्वारदेशस्था, नो चेनैव कदाचन ॥२॥ અર્થ- કોઈક મહાસતી તંતુથી બાંધેલી ચલણીથી કુવામાંથી પાણી બહાર કાઢીને નગરીના કપાટોને પાણીના ત્રણ ખોબાથી જો છંટકાવ કરે તો દ્વારદેશમાં રહેલા બધા કપાટો ઉઘડશે અને જો એ પ્રમાણે નહીં કરે તો ક્યારે પણ નહીં ઉઘડે.
આ વાણીને સાંભળીને બ્રાહ્મણી, ક્ષત્રિય, વૈશ્યા, શૂદ્રી વગેરે ઘણી નગરની નારીઓ કૂવાના કાંઠે આવીને ચાલણીથી પાણીને ગ્રહણ કરતી સૂત્રના તંતુ તૂટવાથી અને ચાલણી પડવાથી પાણીને પ્રાપ્ત કર્યા વિના વિલખી થયેલી પોતપોતાના સ્થાને ગઈ. તે સમયે વિનીતાત્મા સુભદ્રાએ સાસુને મધુર સ્વરે કહ્યું: હે માત ! તમારી આજ્ઞાથી હું ચાલણીથી જળ ખેંચીને તેનાથી નગરીના દ્વારને ઉઘાડવા ઈચ્છું છું. સાસુએ કહ્યું હે જૈનમુનિસેવિકે ! તારું સતીત્વ તો પહેલા મેં જાણી જ લીધું છે. હમણાં સર્વલોકોને જણાવવાથી શું પ્રયોજન છે ? આ બધી પણ નારીઓ નગરીના દ્વાર ઉઘાડવા માટે સમર્થ ન થઈ તો તું કેવી રીતે સમર્થ થઈશ?સુભદ્રાએ કહ્યું: હે માત ! તમોએ યોગ્ય કહ્યું છે તો પણ હું પાંચ આચારથી પોતાની પરીક્ષા કરીશ. આ કાર્યમાં તમારે મને નિષેધ ન કરવો. આ પ્રમાણે કહીને તે મહાસતી નણંદ વગેરેથી હસાતી હોવા છતાં પણ સ્નાન કરીને દેવપૂજન, ગુરુનમનપૂર્વક કૂવાના કાંઠે જઈને નમસ્કારમંત્ર ઉચ્ચારીને શાસનસુરીને યાદ કરીને સૂર્યની સન્મુખ થઈને આ પ્રમાણે બોલીઃ જો હું જિનની ભક્તા હોઉં તથા શીલરૂપી અલંકારને ધારણ કરનારી હોઉં તો ચારણીથી કૂવામાંથી પાણી બહાર નીકળો. આ પ્રમાણે કહીને સૂત્રના તંતુથી બાંધેલી ચારણીને કૂવામાં નાખીને તે જ ક્ષણે પાણી ખેંચ્યું. ત્યારે આ શીલના મહિમાને જોઈને સપરિવાર રાજાએ અંજલિ જોડીને આગળ આવીને આ પ્રમાણે કહ્યું કે પતિવ્રતે! નગરીનાં દ્વાર ખોલ અને સર્વલોકના સંકટને નિવાર. રાજા વડે આ પ્રમાણે કહેવાયેલી તેણી પણ નગરના લોકોથી પરિવરેલી, વિકસતા મુખ- નેત્રવાળી, બંદીજનો વડે કરાયેલા જય-જય શબ્દવાળી પ્રથમ દક્ષિણ દિશામાં નગરીના દ્વારે આવીને પરમેષ્ઠિ નમસ્કારને ઉચ્ચારતી પાણીના ત્રણ ખોબાથી દ્વાર ઉપર છંટકાવ કર્યો. ત્યારે જાંગુલી મંત્રના જાપથી વિષથી દુઃખી થયેલનાં નેત્રોની જેમ નગરીના દ્વારના બંને કપાટો તરત ઉઘડી ગયા, અને આકાશમાં દુંદુભિઓ વાગી. નગરીના લોકો તેની ઉપર ખુશ થયા. દેવોએ જિનધર્મને આશ્રયીને જય-જયારવ કર્યો.