________________
આત્મપ્રબોધ
૨૧૨
(૧) આલોચના-તેમાં આલોચના એટલે ગુરુની આગળ પોતાના દુષ્કૃત્યને વચનાથી પ્રગટ કરવું.
(૨) પ્રતિક્રમણ- પ્રતિક્રમણ એટલે ફરી નહીં કરવાપૂર્વક દોષથી પાછા ફરવું. એટલે કે મિથ્યાદુષ્કૃત્ય આપવું. જેમકે સહસા, અનુપયોગથી શ્લેષ્માદિ નાખવાનું મિથ્યા દુષ્કૃત્ય આપવું. પરંતુ ગુરુ સમક્ષ આલોચના ન કરવી. અર્થાત્ ગુરુને જણાવવાની જરૂર નથી.
(૩) મિશ્ર- જે દુષ્કૃત્ય આલોચના અને પ્રતિક્રમણ એ બેમાંથી એકથી શુદ્ધ ન થાય ત્યારે તેની શુદ્ધિ માટે આલોચન અને પ્રતિક્રમણ એમ ઉભયનું વિધાન કરેલું છે તે મિશ્ર કહેવાય છે.
(૪) વિવેક- જે આધાકર્મ આદિ આહારગ્રહણ કરવું વગેરે દુષ્કૃત્ય ગ્રહણ કરેલા આહાર વગેરેનો ત્યાગ કરવાથી જ શુદ્ધ થાય છે, બીજી રીતે તેની શુદ્ધિ થતી નથી. આ પ્રમાણે જે તે આહાર વગેરેનો ત્યાગ કરવો તે વિવેક.
(૫) વ્યુત્સર્ગ- દુઃસ્વપ્રથી ઉત્પન્ન થયેલ દુષ્કૃત્ય વગેરેની શુદ્ધિ માટે જે કાયચેષ્ટાનો નિરોધ કરવામાં આવે છે તે વ્યુત્સર્ગ.
(૬) તપ- પૂર્વે કહેલા ઉપાયોથી શુદ્ધ નહીં થતા દુષ્કૃત્યની શુદ્ધિ માટે યથાયોગ્ય નિવિથી માંડીને છ મહિના સુધીના તપનું સેવન કરવું તે ત૫.
(૭) છેદ- શેષ ચારિત્ર પર્યાયની રક્ષા કરવા માટે દૂષિત થયેલા પૂર્વપર્યાયનો છેદ કરવો તે છેદ.
(૮) મૂલ- કોઈ મહાદોષ ઉત્પન્ન થયે છતે સંપૂર્ણ પર્યાયનો છેદ કરીને ફરી મહાવ્રતનું આરોપણ કરવું તે મૂલ.
(૯) અનવસ્થાપ્યતા- ક્રોધ વગેરેના ઉદયથી સેવેલા દુષ્કૃત્યની શુદ્ધિ માટે યથોક્ત તપ જ્યાં સુધી કરવામાં ન આવે ત્યાં સુધી વ્રતોમાં અને લિંગમાં સ્થાપન કરવામાં ન આવે તે અનવસ્થાપ્ય. તેનો ભાવ તે અનવસ્થાપ્યતા.
(૧૦) પારાંચિત-મુનિઘાત રાજવધ આદિ મહા અકૃત્યનું સેવન કર્યા પછી લિંગ-ક્ષેત્રકાળ અને તપની પરંપરાને પામે તે પારાંચિત. તે અવ્યક્તલિંગને ધારણ કરનારા, જિનકલ્પિક સમાન, ક્ષેત્રની બહાર રહેલા, વિપુલ તપ કરતા આચાર્યોને જ જઘન્યથી છ મહિના અને ઉત્કૃષ્ટથી બાર વર્ષ સુધીનું હોય છે. ત્યાર પછી એટલે કે અતિચારના પાર પામ્યા પછી તેને દીક્ષા આપવામાં આવે છે. એ પહેલાં દીક્ષા આપવામાં આવતી નથી.
આ દશ પ્રાયશ્ચિત્તમાંથી છેલ્લા બે પ્રાયશ્ચિત્ત પ્રથમ સંઘયણવાળા અને ચૌદપૂર્વધર હોય ત્યાં સુધી જ હોય છે. ત્યાર પછી તો દુઃખસભસૂરિ સુધી આઠ પ્રકારનું જ પ્રાયશ્ચિત્ત જાણવું.
(૨) વિનય- તથા જ્ઞાનાદિ ભેદથી વિનય સાત પ્રકારનું છે. તેમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર વિનય જ્ઞાન વગેરેની ભક્તિ વગેરે સ્વરૂપ છે. મન-વચન-કાય વિનય આચાર્ય વગેરેને વિશે સર્વ કાલ અકુશલ મન-વચન-કાયાનો વિરોધ કરવો અને કુશલ મન-વચન-કાયાની ઉદીરણા કરવી.
ઔપચારિક વિનય તો ગુરુ આદિ વિશે અનુકૂળ પ્રવૃત્તિ કરવા સ્વરૂપ છે. આ સાતેય પ્રકારના વિનયનું મુનિઓએ હંમેશા આચરણ કરવું જોઈએ.