________________
૨૩૨
આત્મપ્રબોધ
ત્યારે ખુશ થયેલો કુમાર શિબિકામાં બેસીને ચાલ્યો અને તેની પાછળ બધા ય સાધુઓ ચાલ્યા. ક્રમે કરીને તેઓ અનાર્યક્ષેત્રને ઓળંગીને આર્યક્ષેત્રમાં આવ્યા અને શિબિકાને પાછી વાળી. ત્યાર પછી સાધુઓએ માર્ગમાં રહેલા કોઈક નગરમાં ભિક્ષા માટે જઈને શુદ્ધ આહાર લાવીને મહાતપનું પારણું કર્યું. કુમારે કહ્યું હવે મારે શું કરવું? આચાર્યે કહ્યું: તું વ્રતને ગ્રહણ કર. તેથી તેણે વ્રતને ગ્રહણ કર્યું અને પૂર્વ ભવના શિષ્યોએ ખેદ વિના તેની વેયાવચ્ચ કરી. ક્રમે કરી પોતાના ગણમાં રહેલા બધાય સાધુઓ ભેગા થયા અને આનંદ પામ્યા. ત્યાર પછી કુમાર વ્રતના સ્વીકારથી માંડીને માવજીવ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કરીને અપ્રમાદથી સંયમનું પાલન કરીને અને અવધિજ્ઞાન પામીને ક્રમે કરી આયુષ્યનો ક્ષય થયે છતે સમાધિથી કાળ કરીને નવમા રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયો અને ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. બીજા પણ તે સાધુઓ સંયમને સારી રીતે આરાધીને ક્રમે કરી સદ્ગતિના ભાગી થયા. આ પ્રમાણે પ્રમાદ ઉપર સુમંગલાચાર્યનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ અલ્પ પ્રમાદથી ઉત્પન્ન થયેલા વિપાકને સાંભળીને સંસાર ભીરુ સાધુઓએ સર્વથા પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ. (૨૯)
હવે પ્રમાદનો ત્યાગ કરવા દ્વારા સંયમનું પાલન કરવામાં ઉદ્યત મુનિઓ મનનો નિગ્રહ વગેરે કરવા માટે જે બાર સભાવના ભાવે છે તેનું સ્વરૂપ કંઈક બતાવવામાં આવે છે–
બાર ભાવનાઓ पढममणिच्च १ मसरणं २, संसारो ३ एगया य ४ अन्नत्तं ५ । असुइत्तं ६ आसव ७ सं-वरो य ८ तह निजरा ९ नवमी ॥३०॥ लोगसहावो १० बोहि य, दुल्लहा ११ धम्मस्स साहगा अरिहा १२ । एयाओ भावणाओ, भावेयव्वा पयत्तेणं ॥३१॥
અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક સ્વભાવ, બોધિ દુર્લભ, ધર્મ સ્વાખ્યાત આ બાર ભાવનાઓ સમ્યગ્દષ્ટિઓએ પ્રયતથી દરરોજ ભાવવા યોગ્ય છે.
(૧) અનિત્ય ભાવના- આ સંસારમાં મોહાદિના કારણે સર્વ વસ્તુઓમાં વિપરીત બુદ્ધિવાળા મૂઢ જનો સ્વામિત્વ, ધન, યૌવન, શરીર, લાવણ્ય, બળ, આયુષ્ય, વિષયસુખ, વલ્લભજનનો સંયોગ વગેરે ભાવો પર્વત ઉપરથી ઉતરતી નદીના પાણીના પૂરની જેમ અતિ ચંચલ હોવા છતાં પણ, અતિપ્રબલ પવનના સમૂહથી ઉડેલી ધજાના પટની જેમ અતિ ચંચલ હોવા છતાં પણ, પોતાને ઈચ્છિત પ્રદેશમાં સ્વેચ્છાપૂર્વક વિહાર કરતા, ચારે બાજુથી આવેલા ભમરાના સમૂહથી આશ્રિત, મદને ઝરાવતા ગંડસ્થલવાળા, ઉન્મત્ત હાથીના કર્ણતાલની જેમ અતિચંચલ હોવા છતાં, ઘણા પવનથી હણાયેલા વૃક્ષનાં પાકેલાં પાંદડાંના સમૂહની જેમ અતિ ચંચલ હોવા છતાં પણ તે ભાવોને હંમેશા નિત્ય સ્વરૂપવાળા જાણે છે. પરંતુ તત્ત્વદૃષ્ટિથી આ બધાય ભાવો અનિત્ય છે. આમાંથી એક પણ ભાવ નિત્ય નથી. જે પરમ આનંદને પ્રાપ્ત કરાવનારા સમ્યગૂ જ્ઞાન વગેરે આત્માના ગુણો છે તે નિત્ય છે. આ પ્રમાણે જે ચિંતન કરવું તે પહેલી અનિત્ય ભાવના છે. કહ્યું છે કે