________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૯૫
દરિદ્ર બ્રાહ્મણનું દૃષ્ટાંત કોઈક નગરમાં જન્મથી દરિદ્ર, મહા આળસુ એક બ્રાહ્મણ રહેતો હતો. તે એક વખત પોતાની સ્ત્રીથી પ્રેરણા કરાયેલો દાન ગ્રહણ કરવા માટે રાજાની પાસે ગયો. ત્યારે “ઘણું જીવ' ઇત્યાદિ વાણીથી આશિષને આપતા તે બ્રાહ્મણને આકૃતિ વગેરેથી મહાદારિદ્રથી પરાભવ પામેલો જાણીને અનુકંપાથી પૂરાયેલા હૃદયવાળા રાજાએ કહ્યું: હે બ્રાહ્મણ ! સૂર્ય અસ્ત પામે તે પહેલા તારી ઇચ્છા પ્રમાણે મારા ભંડારમાંથી દ્રવ્ય ગ્રહણ કરીને તારા ઘરને ભર એ મારી આજ્ઞા છે. એ પ્રમાણે કહીને તે પ્રવૃત્તિને સૂચવનારું પોતાના નામથી અંકિત પત્ર લખાવીને તેને આપ્યું. ખુશ થયેલો તે પણ તે પત્ર ગ્રહણ કરીને પોતાના ઘરે આવીને પોતાની પત્નીને સર્વ પણ તે વૃત્તાંત જણાવ્યો. ત્યારે પતીએ કહ્યું: હે સ્વામી ! ત્યાં જઈને દ્રવ્ય લાવો. આ કાર્યમાં વિલંબ ન કરો. કહ્યું છે કે
- કલ્યાણકારી કાર્યો ઘણા વિઘવાળા હોય છે. ત્યારે તેણે કહ્યું કે- સો કાર્યનો ત્યાગ કરીને ભોજન કરવું જોઈએ એ પ્રમાણે નીતિ વચન છે. આથી ભોજન કરીને સ્થિર ચિત્તવાળો થઈને પછી દ્રવ્ય લેવા માટે જઈશ. ત્યાર પછી તેણે પડોશીના ઘરેથી લોટ વગેરે લાવીને તરત રસોઈ બનાવીને તેને ભોજન કરાવીને ફરી કહ્યું કે- હે સ્વામી ! હવે જલદી ત્યાં જઈને પોતાના કાર્યને સાધો. ત્યારે તેણે કહ્યું કે- ભોજન કરીને જો શયાની પ્રાપ્તિ ન થાય તો સો પગલા ચાલવું એ પ્રમાણે શાસ્ત્રમાં કહેલું હોવાથી થોડીવાર સૂઈને પછી જઈશ. એ પ્રમાણે કહીને તે સૂતો. પરંતુ દરિદ્રને પ્રાયઃ નિદ્રા ઘણી હોય છે. આથી તે ઘણી નિદ્રાથી ઘેરાયેલો તે પ્રમાણે સુતો કે જેથી હાથ ખેંચવું, શરીરને ઢંઢોળવું ' વગેરે ઘણી ક્રિયાથી પતી વડે તરત જગાડાતો હોવા છતાં પણ ત્રીજા પ્રહરમાં કષ્ટથી જાગ્યો.
- ત્યાર પછી ફરી પતી વડે પ્રેરણા કરાયેલો તે બ્રાહ્મણ ઘરમાંથી નીકળીને ચોકના માર્ગથી જતો વચ્ચે થઈ રહેલા નાટકને જોઈને વિચાર્યું હજી પણ દિવસ ઘણો છે. આથી નાટક જોઈને પછી તરત દ્રવ્યને લાવીશ. આ પ્રમાણે વિચારીને સંપૂર્ણ નાટક જોઈને આગળ જતાં માર્ગમાં સ્થાને-સ્થાને કૌતુકોને જોતો અને જતા એવા દિવસને નહીં જાણતો સૂર્ય અસ્ત થવાના સમયે રાજાના ભંડાર નજીક આવ્યો. ત્યારે સૂર્ય અસ્ત થઈ જવાથી ભંડારના દ્વારે તાળું મારીને પોતાના ઘરે જતા ભંડારીને તે બ્રાહ્મણે તે પત્ર બતાવ્યો. તેણે તે પત્ર જોઈને કહ્યું હે બ્રાહ્મણ ! રાજાએ કહેલો નિયમ પૂર્ણ થવાથી હવે તું કંઈ પણ નહીં પામી શકે. આથી તારા ઘરે જા. ત્યાર પછી તે પ્રમાદના કારણે ધનને પ્રાપ્ત કર્યા વિના હાથ ઘસતો, પશ્ચાત્તાપ કરતો ત્યાંથી પાછો ફરીને પોતાના ઘરે આવ્યો અને પૂર્વની જેમ દરિદ્ર જ રહ્યો. આ લૌકિક દૃષ્ટાંત કહ્યું. હવે આત્મા ઉપર આનો ઉપનય કરવો જોઈએ. તે આ પ્રમાણે
સંસારરૂપી નગરમાં દરિદ્ર બ્રાહ્મણ સમાન મહાદુઃખી સંસારી જીવ સમજવો. સત્કાર્યમાં પ્રેરણા કરનારી સુમતિ પતી સમજવી. તથા રાજા સમાન અહીં ધર્મરૂપી ધનને આપનારા તીર્થંકર વગેરે સદ્ગુરુ સમજવા. નર ભવને ભંડાર સમજવો. તેના વિના ધર્મધનની પ્રાપ્તિ ન થાય. વળી સૂર્ય સમાન આયુષ્ય છે. જે પ્રમાણે સૂર્યાસ્ત પહેલા ધનગ્રહણ કરવામાં રાજાની આજ્ઞા હતી, તે પ્રમાણે આયુષ્યનો ક્ષય થાય તે પહેલાં ધર્મ કરવો જોઈએ એ પ્રમાણે ગુરુની આજ્ઞા છે. કહ્યું છે કે
जरा जाव न पीडेइ, वाही जाव न वड्डई । जाव न इंदियहाणी, ताव धम्म समायरे ॥१॥