________________
૭૬
આત્મપ્રબોધ
મારી નાખ્યા. ત્યાર પછી સુરંગ સાંકળી હોવાથી તેણે જેટલામાં બત્રીશ રથોને ખસેડ્યા તેટલામાં શ્રેણિક ઘણો માર્ગ ઓળંગી ગયો હતો. તેથી વૈરંગિક ભટ પૂર્ણાપૂર્ણ મનોરથવાળો થયો છતો ત્યાંથી પાછો ફરીને ચટક રાજાને તે વૃત્તાંત જણાવીને પોતાના ઘરે ગયો.
હવે શ્રેણિક રાજા જલદી રાજગૃહ નગરમાં આવીને અતિ પ્રીતિથી ગાંધર્વ વિવાહથી ચેલણાને પરણ્યો. ત્યાર પછી નાગ અને સુલસા રાજાના મુખથી પુત્ર મરણના સર્વ વૃત્તાંતને સાંભળીને તેના દુઃખથી પીડાયેલા અત્યંત વિલાપ કરવા લાગ્યા. ત્યારે શોક સમુદ્રમાં ડૂબેલા તે બંનેને બોધ કરવા અભયકુમારની સાથે શ્રેણિકે ત્યાં આવીને આ પ્રમાણે કહ્યું તમે બંને તો વિવેકી છો. તમારે આવો શોક ન કરવો જોઈએ. કારણ કે આ સંસારમાં જે કોઈ પણ ભાવો દેખાય છે તે બધા પણ નાશ પામનારા છે. મૃત્યુ સર્વ સાધારણ છે. તેથી શોક છોડીને સદ્ધર્મને સાધનારું બૈર્ય આલંબન કરવા યોગ્ય છે. હવે આ પ્રમાણે વૈરાગ્ય સારવાળી વાણીથી પ્રતિબોધ કરીને અભયકુમાર મંત્રીની સાથે રાજા પોતાના ઘરે ગયો. ત્યાર પછી તે દંપતી પણ તે બધું પૂર્વકૃત દુષ્કર્મનો વિપાક છે એમ માનીને શોક વગરના થઈને વિશેષથી ધર્મકાર્યમાં પ્રયતવાળા થયા.
હવે કોઈ વખત ચંપાપુરીમાં શ્રીવીર સ્વામી સમવસર્યા. પર્ષદા ભેગી થઈ. ભગવાને દેશના શરૂ કરી ત્યારે શ્રી વીરપ્રભુના ઉત્તમ શ્રાવક દંડ, છત્ર, ભગવા વસ્ત્ર ધારણ કરનારા અંબડ નામના પરિવ્રાજકે ત્યાં આવીને જગત્મભુને નમીને ઉચિત સ્થાને બેસીને ધર્મદેશના સાંભળી. ત્યાર પછી દેશનાને અંતે અંબડે ભક્તિથી પ્રભુને નમીને આ પ્રમાણે કહ્યું કે સ્વામી ! હમણાં મારી રાજગૃહનગર તરફ જવાની ઈચ્છા છે. તેટલામાં સ્વામીએ કહ્યું હે દેવાનુપ્રિય ! ત્યાં જઈને તારે નાગ સારથિની પ્રિયા સુલસા નામની શ્રાવિકાને મારા આદેશથી મધુર વાણીથી ધર્મશુદ્ધિ પૂછવી. ત્યાર પછી તેણે પણ ભગવાનના વાક્યને ‘તહત્તિ કરી સ્વીકારીને આકાશ માર્ગથી જતાં રાજગૃહ નગરમાં આવીને પહેલાં સુલસાના ઘરના દરવાજે ક્ષણવાર રહીને આ પ્રમાણે વિચાર્યું અહો ! જેના માટે ત્રણ જગતના સ્વામીએ ધર્મશુદ્ધિનો પ્રશ્ન કર્યો તે સુલસા કેવા પ્રકારની દઢ ધર્મવાળી હશે ? હું એની પરીક્ષા કરું. આ પ્રમાણે વિચારીને તે વૈક્રિય લબ્ધિથી તરત બીજું રૂપ કરીને તેના ઘરમાં પ્રવેશ્યો. સુલસા પાસેથી તેણે ભિક્ષા માગી. સુપાત્ર વિના બીજાને અશનાદિ નહીં આપું એ પ્રમાણે પૂર્વે જેણે પ્રતિજ્ઞા કરી છે એવી, પોતાની પ્રતિજ્ઞાને યાદ કરતી સુલસાએ સ્વયં પોતાના હાથે ભિક્ષા માગતા તેને ભિક્ષા ન આપી.
ત્યાર પછી અંબડ તેના ઘરમાંથી નીકળીને નગરની બહાર પૂર્વ દિશામાં ચાર મુખવાળા, ચાર ભુજાવાળા, બ્રહ્મસૂત્ર અને અક્ષની માળાથી શોભતા, હંસવાહનવાળા, સાવિત્રીથી યુક્ત, પદ્માસને બેઠેલા, રક્તવર્ણવાળા આવા પ્રકારના સાક્ષાત્ બ્રહ્માનું રૂપ કરીને ચાર મુખથી ચારે પ્રકારના વેદોનું ઉચ્ચાર કરતો રહ્યો. ત્યારે “અહો ! આજે નગરીની બહાર પૂર્વ દિશામાં સાક્ષાત્ બ્રહ્મા આવેલા છે' એ પ્રમાણે લોકોના મુખથી વાત સાંભળીને કેટલાક લોકો તેની ભક્તિથી અને કેટલાક લોકો કૌતુકને જોવા માટે આ પ્રમાણે ઘણા લોકો ત્યાં આવ્યા. પરંતુ સમ્યકત્વમાં અતિ