________________
૬૨
આત્મપ્રબોધ બોલતાંની સાથે જ તેની તપો લબ્ધિથી વેશ્યાનું ઘર સાડાબાર ક્રોડ સોનૈયાથી ભરાઈ ગયું. મહાનિશીથ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે
धम्मलाभं तओ भणइ, अत्थलाभं विमग्गिओ ।
तेणावि लद्धिजुत्तेण, एवं भवउ त्ति भणियं ॥१॥ અર્થ તેણે ધર્મલાભ કહ્યો, તેણીએ અર્થલાભ માગ્યો, લબ્ધિથી યુક્ત તેણે પણ “એ પ્રમાણે થાઓ' એમ કહ્યું. તથા ઋષિમંડલની વૃત્તિમાં તો પરાળના તણખલાને ખેંચવાથી વૃષ્ટિ થઈ એ પ્રમાણે કહ્યું છે. તત્ત્વ તો તત્ત્વને જાણનારા જાણે.
- ત્યાર પછી વિસ્મય પામેલી વેશ્યા પણ જલદીથી ઊભી થઈને મુનિના પગોને નમીને હાવભાવથી મુનિના ચિત્તને વિકાર પમાડતી આ પ્રમાણે બોલી- “હે સ્વામી!આપે તો આ સોનૈયાથી મને ખરીદી લીધી છે. આથી કૃપા કરીને આપના ધનને આપ જ ભોગવો.' ઇત્યાદિ મોહની પ્રકૃતિ જાણે ન હોય એવી સ્નેહવાળી વાણીથી મુનિનું મન ક્ષોભ પામ્યું. ત્યારપછી નંદિષેણ તેને વશ થઈને ભોગાવલી કર્મના ઉદયથી ત્યાં જ રહ્યો. પરંતુ મારે દરરોજ દશ પુરુષને ધર્મ પમાડવો એ પ્રમાણે નિયમ કર્યો. જ્યારે આ નિયમમાં એક પણ ઓછો હોય ત્યારે મારે જ તે સ્થાનમાં થવું એ પ્રમાણે પ્રતિજ્ઞા લીધી. હવે પછી વેશ્યાના પાડાના દ્વારમાં રહીને મુનિ ત્યાં આવતા કામીજનોને વિવિધ યુક્તિથી યુક્ત એવી આપણી આદિ ધર્મકથાઓથી ધર્મ ગ્રહણ કરાવે છે. કોઈ કોઈને પ્રતિબોધ કરીને શ્રી જિનેશ્વરની પાસે મહાવ્રતોને ગ્રહણ કરાવે છે. કોઈ કોઈને બારવ્રતને ધારણ કરનારા કરાવે છે.
આ પ્રમાણે દરરોજ ધર્મકથા વગેરેથી ભવ્યજનોને પ્રતિબોધ કરતો, સ્વયં શુદ્ધ શ્રાવક ધર્મને પાળતો બાર વર્ષ પસાર કરીને અત્યંત જીર્ણ થઈ ગયેલા ભોગાવલી કર્મવાળા તેણે એક દિવસ નવજણાને પ્રતિબોધ કર્યા અને દસમો એક સોની આવ્યો. તે વિવિધ યુક્તિથી પ્રતિબોધ કરાતો હોવા છતાં પિઢો હોવાના કારણે પ્રતિબોધ પામતો નથી. ઊલટું આ પ્રમાણે કહે છે- “ખરેખર ! વિષયરૂપી કાદવમાં ડૂબેલો તું પોતાને બોધ પમાડવામાં અસમર્થ છે તો પછી બીજાને શું બોધ પમાડીશ?' આ પ્રમાણે જેટલામાં તે કહે છે તેટલામાં વેશ્યા ભોજન માટે નંદિષેણને બોલાવે છે. પ્રતિજ્ઞા પૂર્ણ થયા વિના તે ભોજનને ઈચ્છતો નથી. બે-ત્રણ વખત રસોઈ ઠંડી થઈ ગઈ. ત્યારપછી વેશ્યાએ ત્યાં આવીને મશ્કરી પૂર્વક કહ્યું: “હે સ્વામી! આજે આપ જ દશમા સ્થાને થાવ. અને એ પ્રમાણે પ્રતિજ્ઞા પૂરી કરીને આવીને ભોજન કરો. આ પ્રમાણે ગણિકાએ કહ્યું ત્યારે જેનો ભોગાવલી કર્મનો ઉદય સમાપ્ત થઈ ગયો છે એવા નંદિષેણ મુનિએ ફરી વેશને ગ્રહણ કરીને શ્રી ભગવાનની પાસે ફરી પણ મહાવ્રતોને ગ્રહણ કર્યા અને નિર્મળ ચારિત્રનું પાલન કરીને અંતે સમાધિથી મૃત્યુ પામીને દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં સિદ્ધ થશે.
દેવલોકમાં ગયા અને મહાવિદેહમાં સિદ્ધ થશે એ વાત શ્રીવીરચરિત્રના આધારે કહી છે. મહાનિશીથ સૂત્રમાં તો કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ એમ કહેલું છે. અહીં તત્ત્વ તો સર્વજ્ઞો જાણે. આ પ્રમાણે આ ધર્મકથી નામનો બીજો શાસન પ્રભાવક જાણવો. આ પ્રમાણે નંદિષણનો વૃત્તાંત પૂર્ણ થયો.