________________
શ્રીવજસ્વામીજીએ પોતાના પટ્ટધર શ્રીવજસેનસૂરિજી મહારાજને પોતાના અનશન-સમયે સૂચના આપી હતી કે “મારા સ્વર્ગગમન બાદ ભયંકર દુકાળ પડવાનો છે, પરંતુ જે દિવસે એક લાખ સૌનેયા વડે ખરીદાયેલ એક હાંડી (–તપેલી) જેટલો ભાત રંધાતો જોવા મળે, તેના બીજા જ દિવસે સુકાળ થશે તેમ જાણશો.’’
આ દુકાળ અતિ ભીષણ હતો. આ દુકાળ દરમિયાન સાધુઓના અનેક ગણો, કુળો અને વાચકવંશો નામશેષ થઈ ગયા, તેથી બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી મુનિવરો કે જેઓ આગમોનો વારસો સાચવનારા હતા તેઓની સંખ્યા અતિ અલ્પ બની ગઈ.
વાચનાચાર્ય પૂ. આ. શ્રી નંદિલસૂરિજી મ.! યુગપ્રધાન આ. શ્રી આર્યરક્ષિતસૂરિ મ. અને ગણાચાર્ય આ. શ્રીવજસેનસૂરિજી મ. તે સમયે શ્રીસંઘમાં સુપ્રસિદ્ધ હતા.
અતિ ભીષણ દુકાળ! સમર્થ જ્ઞાની મહાપુરુષોની ચિરવિદાય! કેમ કરીને યોજવા શ્રીજિનશાસનની સુરક્ષાના અમોઘ ઉપાય?? આ મનોમંથનમાં નિમગ્ન સૂરિદેવ શ્રીઆર્યરક્ષિતસૂરિજી મહારાજા જેવા યુગપ્રધાન મહાત્મા વિચારે ચઢ્યાં.
“અહો! ર્મનાં વિષમા ગતિઃ । વીર-વાણીને સુરક્ષિત કરવાના ઉપાયોને આયોજિત કરવામાં અમે નિષ્ફળ નીવડ્યા છીએ. . . પૂર્વે ત્રણ-ત્રણ આગમ-વાચનાઓ સંપન્ન થઈ છે. તેના દ્વારા જિનાગમોની સંકલના વ્યવસ્થિત અને સુચારુ કરવાની યોજના શ્રીશ્રમણ સંઘે કરી હતી, છતાં જિનાગમો સંપૂર્ણ સુરક્ષિત તો નથી જ. તેમાં મુખ્ય કારણો તરીકે-ભયંકર દુષ્કાળ અને લોકોનું ઘટતું જતું પ્રજ્ઞા-બળ અને સંહનન-બળ છે.”
આ પરિસ્થિતિમાં ધારણા-શક્તિની અનુકૂળતા મુજબ આગમોનું સંકલન કરવું ખૂબ જરૂરી છે. જો આમ નહિ કરવામાં આવે તો શેષ સાધુઓ આગમ-વારસાને વ્યવસ્થિત જાળવી નહિ શકે, એક-એક સૂત્રમાં રહેલા ચાર-અનુયોગના અર્થને ગંભીરતાથી જાળવવા અતિ મુશ્કેલ છે, પણ તે જાળવવા પણ ખૂબ જરૂરી છે.
“જિનાગમોના પ્રત્યેક સૂત્રમાં ચાર-ચાર અનુયોગ સમાયેલા છે (૧) દ્રવ્યાનુયોગ (૨) ચરણ-કરણાનુયોગ (૩) ગણિતાનુયોગ અને (૪) ધર્મકથાનુયોગ અને આ રીતે આગમોના ગંભીર ગૂઢ–અર્થને સમજીને તેની ધારણા કરી શકે. તેવા શક્તિસમ્પન્ન સાધુઓની વર્તમાનકાળે ભારે અછત થવા પામી છે.”
આ બધી વિચારણાઓ આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજે સમકાલીન અન્ય પ્રભાવક આચાર્યો સાથે કરી અને તેમની સંમતિ પ્રાપ્ત કરી લીધી. ત્યાર બાદ તેઓશ્રીએ પ્રત્યેક સૂત્રના મુખ્ય મુખ્ય અર્થોને પ્રકરણોને આશ્રયીને વિભાગોમાં ગોઠવ્યા. અન્ય અર્થોને ગૌણ કર્યા અને સમગ્ર જિનાગમોનું સ્વતંત્ર રીતે નીચે જણાવ્યા પ્રમાણે ચાર વિભાગમાં વર્ગીકરણ કર્યું. આ વિભાગીકરણ એવું સુંદર થવા પામ્યું કે જેના કારણે ભવિષ્યકાલીન અલ્પ પ્રજ્ઞાવાળા છતાં મેધાવી મુનિવરોને મુખપાઠ કરવામાં સરળતા થઈ અને દુર્ગમ-અનુસંધાન સુગમ બનવા પામ્યું.
(૧) દ્રવ્યાનુયોગ- જેમાં બારમું અંગ “દૃષ્ટિવાદ” આવે.
આગમની સરગમ