________________
શ્રી આચારાંગ દ્વિતીય શ્રુતસ્કંધ શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર શ્રી અંતકૃત-દશાંગ સૂત્ર શ્રી ઉપાસક દશાંગ સૂત્ર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર ભા. ૩ હરિભદ્રીય. આદિ સૂત્રોનું વાંચન થયેલું.
આ વાચનામાં પૂજ્ય મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. આદિઠાણા ૧૪ સિવાય બીજા ૧૬ ઠાણા તથા પૂજય સાધ્વીજી ૮૦ ઠાણા અને શ્રોતાવર્ગ ૧૫૦૦ જેવી સંખ્યામાં હાજર રહેતો.
આ વાચનામાં ખરતરગચ્છના પણ અમુક ઠાણા ઘણે દૂરથી આવતા અને બહુ જ બહુમાનથી સાંભળતા.
જ્ઞાનમંદિરથી પૂ. આ. શ્રી મુક્તિચંદ્રસૂરિજી આદિ પણ અવારનવાર પધારતા હતા.
આ વાચનામાં ઉત્સાહ એટલો બધો ઊછળતો હતો કે રોજ લાડુ આદિની પ્રભાવના થતી હતી.
વાચનાના સમાપન પ્રસંગે ભવ્ય રથયાત્રા, ભવ્ય મહોત્સવ તથા પ્રભુ મહાવીરથી આજ સુધી થયેલી આગમ-વાચના અને આગમ-સુરક્ષાની ઘટનાની રચનાઓ પણ કરવામાં આવેલી. એથી માહોલ આગમમય બની ગયેલો.
આ પછી ચોમાસા બાદ છાણી (વડોદરા) જવાનો પ્રસંગ બન્યો, કેમ કે તે સમયના મુનિ શ્રી અશોકસાગરજી, મુનિ શ્રી જિનચન્દ્રસાગરજી, મુનિ શ્રી હેમચન્દ્રસાગરજીના સંસાર-સંબંધ માતુશ્રી મંગુબહેનના સમાધિમય સ્વર્ગવાસ નિમિત્તે જિનેન્દ્રભક્તિ મહોત્સવનું આયોજન હતું.
આ નિમિત્તે પૂજ્યશ્રીની સાથે મુનિ શ્રી જિનચન્દ્રસાગરજી તથા હેમચન્દ્રસાગરજી દીક્ષાસ્વીકાર બાદ નવ વર્ષે પ્રથમ વાર જ છાણી પધાર્યા હતા, આથી શ્રી સંઘમાં અનેરો ઉત્સાહ જામ્યો હતો અને આવા આગમવેત્તા પૂજ્યશ્રી પધાર્યા હોવાથી શ્રીસંઘે આગમવાચના માટે વિનંતિ કરી... પૂજયશ્રીને આવી સ્વાધ્યાયની તક મનગમતી વાત હતી એટલે એ. વિ. સં. ૨૦૩૦ના માગ. વદ-૧થી માગ. વદ-૧૨ સુધી વાચના ચાલી. આ વાચના માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી મુંબઈથી આવેલા ચાણસ્માવાળા સુશ્રાવક શ્રી ચંપકલાલ કેશવલાલે આગમના ભવ્ય વરઘોડાનો લાભ લીધેલો.
આ વાચના શરૂઆતના દિવસોમાં બપોરે ૨.૩૦થી ૩.૩૦ ચાલતી અને પાછળના દિવસોમાં સવારે ૯.૩૦થી ૧૧.૩૦ ચાલતી.
આ વાચનામાં આખું ઉવવાઈ-સૂત્ર વંચાયું હતું.
આગમની સરગમ