Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧ |
કહ્યા છે. યથા– (૧) દ્રવ્યથી હિંસા, ભાવથી નહીં. (૨) દ્રવ્યથી હિંસા નહીં, ભાવથી હિંસા. (૩) દ્રવ્ય અને ભાવથી હિંસા નહીં. (૪) દ્રવ્ય અને ભાવથી હિંસા.
આ ચાર ભંગને જોઈને કાંક્ષા મોહનીય કર્મના ઉદયે જીવને શંકા થાય કે પ્રથમ ભંગમાં હિંસાનું લક્ષણ ઘટિત થતું નથી. કહ્યું છે કે ઈર્ષા સમિતિ પૂર્વક ચાલનાર સાધુથી કદાચ કોઈ જીવની હિંસા થઈ જાય તો તેને હિંસાનો ભાવ ન હોવાથી હિંસાનો દોષ લાગતો નથી. આ રીતે ભાવશૂન્ય દ્રવ્યહિંસાને હિંસા કહી શકાય નહીં. હિંસાનું લક્ષણ પ્રથમ ભંગમાં ઘટિત થતું નથી અને શાસ્ત્રમાં તેને હિંસા કહી છે તે કઈ રીતે ?
આ પ્રકારની શંકાનું સમાધાન એ છે કે હિંસાના બે પ્રકાર છે, દ્રવ્યહિંસા અને ભાવહિંસા. પ્રાણીના પ્રાણનો ઘાત થવો તે દ્રવ્યહિંસા છે. તે લક્ષણાનુસાર પ્રથમ ભંગમાં પણ હિંસાનું લક્ષણ જણાય છે. આગમના પ્રત્યેક કથન સાપેક્ષ છે. અપેક્ષાઓને સમજવાથી શંકાનું સમાધાન થઈ શકે છે. (૧૧) નયાનાર - એક જ વસ્તુમાં વિભિન્ન નયની અપેક્ષાએ બે વિરુદ્ધ ધર્મોનું કથન જોઈને શંકા થવી. જેમકે દ્રવ્યાર્થિક નયથી આત્મા નિત્ય છે, પર્યાયાર્થિક નયથી આત્મા અનિત્ય છે. એક જ વસ્તુમાં નિત્ય અને અનિત્ય બે વિરોધી ધર્મો એક સાથે કઈ રીતે સંભવે ?
તેનું સમાધાન એ છે કે વસ્તુ અનંત ધર્માત્મક છે. પ્રત્યેક નય વસ્તુના એક જ ધર્મને પ્રાધાન્ય આપી વસ્તુનું કથન કરે છે. જ્યારે તે એક ધર્મનું પ્રતિપાદન કરે ત્યારે તે વસ્તુમાં અન્ય ધર્મ વિદ્યમાન છે. તેથી તેમાં કોઈ વિરોધ નથી. વ્યવહારમાં પણ એક જ વ્યક્તિ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર અને પત્રની અપેક્ષાએ પિતા છે. આ રીતે અપેક્ષા ભેદથી વસ્તુમાં વિરુદ્ધ ધર્મ રહી શકે છે. તેમાં શંકા કરવી તે યોગ્ય નથી. (૧૨) નિયમાન્તર :- સાધુ જીવનમાં સર્વ સાવધ યોગના પ્રત્યાખ્યાન કર્યા પછી વિભિન્ન નિયમો શા માટે? આ પ્રકારે શંકા થાય છે, તે પણ કાંક્ષામોહનીય કર્મનું વેદન છે. તેનું સમાધાન એ છે કે પોરસી, બે પોરસી આદિ વિભિન્ન નિયમો પ્રમાદનો નાશ કરવા અને અપ્રમાદ ગુણની વૃદ્ધિ કરવા માટે છે. સાવધ યોગના ત્યાગથી પાપવૃત્તિરૂપ અવગુણનો ત્યાગ થાય છે અને અન્ય નિયમો ગુણ ગ્રહણ માટે છે. તેથી વિભિન્ન નિયમોનું પાલન સાધકો માટે અનિવાર્ય છે.
(૧૩) પ્રમાણાત્તર ઃ- શાસ્ત્રમાં પ્રમાણના ચાર ભેદ કહ્યા છે. પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાન. તેમાં શંકા થાય છે કે પ્રત્યક્ષ પણ પ્રમાણ છે અને આગમ પણ પ્રમાણ છે. તે બંનેમાં ક્યારેક વિરોધ પ્રતીત થાય છે. જેમ કે આગમમાં કહ્યું છે કે સૂર્ય સમતલ ભૂમિથી ૮00 યોજન ઉપર સુમેરુ પર્વતને ફરતાં પરિભ્રમણ કરે છે. પરંતુ સૂર્ય પૃથ્વીમાંથી ઉદિત થતો પ્રત્યક્ષ પ્રતીત થાય છે. તે બંનેમાં કયા પ્રમાણને સ્વીકારવું? આ પ્રમાણે શંકા થાય છે.
તેનું સમાધાન એ છે કે સૂર્ય પૃથ્વીમાંથી ઉદિત થાય છે તે પ્રત્યક્ષ દેખાવા છતાં સત્ય નથી,બ્રાંત છે. કારણ કે અત્યંત દૂર રહેલી વસ્તુ આપણને નાની દેખાય છે. સૂર્ય આપણાથી ઘણો દૂર છે તેથી આપણને